રાજકોટ
News of Wednesday, 3rd January 2018

બાર મુમુક્ષુઓનો સંયમ અનુમોદના મહોત્સવ

નેમિનાથ વીતરાગ જૈન સંઘ અને મહાવીર નગર સ્થા.જૈન સંઘ સંકલિત : શનિવારે બહેનોની સમુહ સાંજી તથા ભકિત સંગીત : રવિવારે સવારે નવકારશી, મુમુક્ષુઓની શોભાયાત્રા, અનુમોદના સભા, સાધર્મિક ભકિત તથા સાંજે પ્રભુ ભકિત યોજાશે : મુમુક્ષુઓની શોભાયાત્રા નરેન્દ્રભાઇ પારેખ ચોક, રૈયા રોડ થી શરૂ થશે : સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે શનિ- રવિ આયોજન

રાજકોટઃ તા.૩, આગામી તા.૪/૨ના પાવન દિવસે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમીપે પરમધામ, પડઘા મહારાષ્ટ્ર ખાતે સ્થાનકવાસી જૈન સમાજના ઈતિહાસમાં એક સૂર્વણ પૃષ્ઠ ઊમેરાશે.એક સાથે બાર - બાર મુમુક્ષુ આત્માઓ સારાય સંસારનો ત્યાગ કરી જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીરના માર્ગે કદમ માંડશે. નેટ -ચેટ, મોબાઈલ અને મોલના આ યુગમાં મુમુક્ષુ આત્માઓ યાવત્ત્। જીવન મુહપત્ત્િ।, પાત્રા અને રજોહરણને અંગીકાર કરી જિન શાસનની આન - બાન અને શાનને વધારશે.

આ બાર - બાર મુમુક્ષુ આત્માઓનું સમગ્ર ભારતના વિવિધ  સંઘોમાં શાહી સન્માન થઈ રહ્યું છે તે અંતર્ગત આગામી તા. ૬ અને ૭ બે દિવસ ધર્મનગરી રાજકોટમાં મુમુક્ષુ આત્માઓ પધારી રહ્યાં છે. આ બાર મુમુક્ષુ આત્માઓમાંથી બે મુમુક્ષુ આત્માઓ અંકિતાબેન વોરા શ્રી મહાવીર નગર સંઘની દિકરી એવમ્ ચાર્મિબેન કામદાર શ્રી નેમિનાથ - વીતરાગ સંઘ એમ રાજકોટ ની બબ્બે દિકરીઓ હોવાના કારણે રાજકોટમાં ઉત્સાહ અનેરો છે.

સંયમ અનુમોદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમોમાં તા.૬ ના રોજ બપોરના ૨ થી ૪ કલાક દરમ્યાન બહેનોની સમૂહ સાંજી શ્રી નેમિનાથ - વીતરાગ જૈન સંઘ ખાતે યોજાશે. સાંજે ૬:૩૦ થી ૯ ભાગ્યશાળી દીક્ષાર્થી પરીવાર જીતેન્દ્રભાઈ કામદારના નિવાસ સ્થાને સંગીતકાર ગોંડલના કૌશિકભાઈ મહેતાના મધુર સ્વરે ભકિત સંગીતમા ભાવિકો ભાવિત થશે અને મુમુક્ષુ ચાર્મિબેનને કામદાર પરીવાર સહર્ષ વિદાય આપશે.

તા.૭ ના સોનેરી સૂર્યોદયે ૭:૧૫ કલાકે પેસિફીક હાઈટ,ન્યુ એરા સ્કુલ સામે,રૈયા રોડ ખાતે શાતાકારી નવકારશીનું વોરા પરીવાર દ્રારા આયોજન કરવામાં આવેલ છે. નવકારશી બાદ સવારના ૮:૧૫ કલાકે ઐતિહાસિક અને દર્શનીય મુમુક્ષુ આત્માઓની શોભાયાત્રા પેસિફીક હાઈટ પાસેથી શ્રી નરેન્દ્રભાઈ પારેખ ચોકથી શુભ પ્રસ્થાન થશે. આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પ્રભુ મહાવીરના જયનાદ તથા સંયમ અનુમોદનાના ગગનભેદી નારાઓ... આજનો દિવસ કેવો છે ? સોના કરતાં મોંઘો છે. સોના કરતા મોંઘુ શું ? સંયમ..સંયમના વૈરાગ્યસભર નાદથી રાજકોટના રાજમાર્ગો ઉપર પસાર થશે. ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રા તથા મુમુક્ષુ આત્માઓનું શહેરની અઢારે આલમ તથા વિવિધ સંસ્થાઓ તરફથી રાજકોટના રાજમાર્ગો ઉપર સન્માન કરવામાં આવશે.

આ શોભાયાત્રા લીંબુડીવાડી,નિર્મલા કોન્વેન્ટ રોડ, કનૈયા ચોક, રૈયા રોડ થઈ નેમિનાથ - વીતરાગ સંઘ ખાતે આચાર્ય ભગવંત શ્રી ડુંગરસિંહજી મ.સા.પટાંગણમાં  સંયમ અનુમોદના સભા  માં પરિવર્તિત થશે. આ અનુમોદના સભામાં ગોંડલ સંપ્રદાયના પૂ.સુશાંત મુનિ મ.સા. તથા ડુંગર દરબારના વિશાળ સતિવૃંદ ઉપરાંત અજરામર સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, ધર્મદાસ સંપ્રદાય, ગોપાલ સંપ્રદાય સહિત રાજકોટમાં બીરાજીત પૂ.સંત - સતિજીઓનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થશે. અનુમોદના સમારોહ મધ્યે સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના પ્રતિનિધિઓ દ્રારા મુમુક્ષુ આત્માઓનું શાહી અને જાજરમાન અભિવાદન કરવામાં આવશે.

 સંયમ અનુમોદના સમારોહ પૂર્ણ થયા બાદ સાધર્મિક ભકિતનું આયોજન કરવામાં આવેલ છે તેના પાસ શોભાયાત્રા પ્રસ્થાન સમયે આપવામાં આવશે. સાંજે ૬:૩૦ કલાકે પેસિફીક હાઈટ સામેના પટાંગણમાં અમદાવાદના સંગીતકાર હાર્દિકભાઈ તપોવનીના સથવારે ભકિત ભાવમાં સૌ તરબોળ બનશું અને મુમુક્ષુ અંકિતાબેનને વોરા પરીવાર ખુશાલી સાથે વિદાય આપશે. પ્રચાર - પ્રસારની જવાબદારી જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાને સોંપવામાં આવેલ છે.વિશેષ વિગત માટે નેમિનાથ - વીતરાગ સંઘના ભરતભાઈ દોશી (મો.૯૮૨૪૨ ૦૦૬૭૦)  તથા મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા  (મો.૯૪૨૭૨ ૫૫૦૦૫) ઉપર સંપર્ક કરવા સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘની યાદિમાં જણાવાયું છે.(૪૦.૪)

શ્રી નેમિનાથ - વીતરાગ સંઘમાં પૂ.પ્રભાબાઈ,પૂ.ભદ્રાબાઈ આદિ વિશાળ સતિવૃંદનું મંગલ પદાર્પણ

બાર - બાર મુમુક્ષુ આત્માઓના સંયમ અનુમોદના મહોત્સવ પ્રસંગને યશસ્વી અને અવિસ્મણીય બનાવવા ગોંડલ સંપ્રદાયના પૂ.પ્રભાબાઈ, પૂ.ભદ્રાબાઈ આદિ ઠાણાઓ શ્રી નેમિનાથ - વીતરાગ સંઘમા પધારેલ છે. સવારના ૯:૧૫ થી ૧૦:૧૫ '' અનુમોદના એ  અનંતા કર્મોની નિર્જરાનો અવસર '' વિષય ઉપર પ્રવચન ફરમાવશે.

(4:06 pm IST)