જેકેટ અને મોબાઇલ ફોનની લૂંટ કરનારા બે શખ્સને ફૂટેજને આધારે શોધતી પોલીસ
પરમ દિવસે રાત્રે ભુતખાના પાસે જેકેટ લૂંટ્યા બાદ અમીન માર્ગ પર જીગર અનડકટની દૂકાનેથી ૨૦ હજારનો મોબાઇલ ફોન લૂંટી ગયા'તા
રાજકોટઃ સોમવારે રાત્રે ભુતખાના ચોકમાં ફૂટપાથ પર ગરમ કપડા વેંચતા ગાંધીગ્રામના યુવાનને છરી બતાવી જેકેટ લૂંટી જનારા બે શખ્સોએ બાદમાં રાત્રે અગિયાર વાગ્યે અમીન માર્ગ રેલ્વે ફાટક સામે જય એન્ટરપ્રાઇઝ નામની દૂકાનમાં ઘુસી ફોન ખરીદવાના બહાને સેમસંગ પ્રો જે-૭ રૂ. ૨૦ હજારનો ફોન જોવા માંગી પસંદ કર્યા બાદ વેપારી જીગરભાઇ નરેન્દ્રભાઇ અનડકટ (લોહાણા) (ઉ.૩૫)એ બીલ બનાવી પૈસા માંગતા એ શખ્સ છરી બતાવી ગાળો દઇ ફોન લૂંટી ભાગી ગયો હતો. આ બનાવમાં માલવીયાનગર પોલીસે આઇપીસી ૪૫૨, ૩૯૨, ૧૧૪, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારાની શોધખોળ થઇ રહી છે. પી.એસ.આઇ. એચ. એમ. જાડેજા વધુ તપાસ કરે છે. તસ્વીરમાં વેપારી અને ટોપી પહેરેલો લૂંટારો સીસીટીવીમાં જોઇ શકાય છે.