રાજકોટ
News of Wednesday, 3rd January 2018

યુ.પી.ની પ્રેમિલાને પડોશીએ અડપલા કરતાં ગુસ્સે ભરાઇ કારખાનાની ભઠ્ઠીમાં કૂદી પડી

દાઝી જતાં સારવાર હેઠળઃ કોઠારીયા ચોકડીથી આગળ શિવ મેટલ નામના કારખાનામાં મોડી રાત્રે સાડા બારે બનાવઃ સંતોષ ભૈયાજી સામે આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૩: કોઠારીયા ચોકડી નજીક મુરલીધર કાંટા પાછળ શિવ મેટલ નામના કારખાનામાં કામ કરતાં અને ત્યાંની ઓરડીમાં જ રહેતાં મુળ યુ.પી.નો યુવાન અને તેની પત્નિ રાત્રે ઓરડીમાં સુતા હતાં ત્યારે પડોશી યુ.પી.નો શખ્સ પરિણીતાની બાજુમાં સુઇ જતાં અને અડપલા કરવા માંડતાં પરિણીતાએ પતિને જગાડતાં  બંને વચ્ચે માથાકુટ થયા બાદ પરિણીતાએ ગુસ્સે ભરાઇ ઓરડી સામે જ આવેલા કારખાનામાં ધસી જઇ સળગતી ભઠ્ઠીમાં કૂદકો મારતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પ્રેમિલા દિનેશ રજપૂત (ઉ.૧૮)ને રાત્રે સાડા બારેક વાગ્યે દાઝેલી હાલતમાં સિવિલમાં ખસેડાતાં આજીડેમ પોલીસન મથકના પી.એસ.આઇ. રાઠવા, હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રેમિલાએ કહ્યું હતું કે રાત્રે પતિ સાથે જમવા બાબતે ચડભડ થતાં અને પતિ ગુસ્સે ભરાઇ બહાર નીકળી જતાં પોતાને માઠુ લાગતાં ભઠ્ઠીમાં કૂદી ગઇ હતી. જો કે પ્રેમિલાની કેફીયત શંકાસ્પદ જણાતાં વધુ પુછતાછ કરવામાં આવતાં એવી વિગતો ખુલી હતી કે તે અને પતિ દિનેશ રાત્રે સાડા બારેક વાગ્યે સુતા હતાં ત્યારે પડોશમાં જ રહેતો મુળ યુ.પી.નો સંતોષ બાજુમાં આવીને સુઇ ગયો હતો અને શારીરિક અડપલા કરવા માંડ્યો હતો.

ગભરાઇને પ્રેમિલાએ પતિને જગાડતાં તેણે સંતોષને ધોલધપાટ કરી હતી. ઝઘડો ચાલતો હતો ત્યારે પ્રેમિલાને ગુસ્સો આવતાં તે ઓરડીમાંથી દોટ મુકી ભઠ્ઠીમાં કૂદી પડી હતી. જેને પતિએ તુરત જ બહાર કાઢી હોસ્પિટલે ખસેડી હતી.

પ્રેમિલા છાતી અને પેટ તથા પગના ભાગે દાઝી જતાં સારવાર હેઠળ છે. પતિ-પત્નિ મુળ યુ.પી.ના છે અને ત્રણેક મહિનાથી રાજકોટ આવ્યા છે. પ્રેમિલાની ફરિયાદ પરથી સંતોષ વિરૂધ્ધ આઇપીસી ૩૫૪ મુજબ નિર્લજ્જ હુમલો કરવાનો ગુનો નોંધાયો છે.

(3:49 pm IST)