રાજકોટ
News of Wednesday, 3rd January 2018

રવિવારે ''ગુદડી કા લાલ'' વિદ્યાર્થી સત્કાર સમારોહ

મ્યુ.કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરતાં ક્ષત્રિય સમાજના ૩૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફૂલડે વધાવાશેઃ ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનનો નવતર કાર્યક્રમ

રાજકોટ, તા.૩ : ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજીત ''ગુદડી કા લાલ'' (ગુદડી કા લાલ એટલે ચીંથર વીંટેલુ રતન) વિદ્યાર્થી સત્કાર સમારોહ તા.૭ રવિવારે અરીવંદભાઈ મણીઆર હોલ (જયુબીલી બાગ) ખાતે બપોરે ૨:૩૦ કલાકે આયોજીત કરવામાં આવેલ છે. હકારાત્મક વિચાર અને સકારાત્મક કાર્યના અભિગમ સાથે આ સંસ્થા દ્વારા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા ''ગીરાસદાર ક્ષત્રિય'' સમાજના તમામ દિકરા અને દિકરીઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રકારનો ગુજરાત રાજયમાં સર્વ પ્રથમ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. આજના વર્તમાન સમયમાં સરકારી શાળાનાં બાળકોનું સ્વાભિમાનયુકત સન્માન થાય તે માટે આ સંસ્થા દ્વારા અન્ય દરેક સમુદાય-સમાજને પ્રેરક બની રહે તેવો પણ સંદેશો આપે છે. આ કાર્યક્રમમાં ૩૦૦ વિદ્યાર્થીઓ અને કોર્પો.ની શાળા ક્ષત્રિય શિક્ષકોને સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય પથપ્રેરક ડો.યોગરાજસિંહ જી.જાડેજા (જાબીડા), પ્રમુખશ્રી, મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટ તથા આમંત્રિત મહેમાનો અશોકસિંહ પરમાર (નાયબ સચિવશ્રી, ગાંધીનગર), ઘોઘુભા જાડેજા (પ્રમુખશ્રી, રાજકોટ તાલુકા પંચાયત), પ્રતિપાલસિંહ જાડેજા (પ્રમુખશ્રી જામકંડોરણા તાલુકા પંચાયત), નરેન્દ્રસિંહ જાડેજા (મેનેજર, ડીરેકટરશ્રી જીવન કોર્મશીયલ બેંક રાજકોટ) તથા વિરેન્દ્રસિંહ જાડેજા (જિલ્લા રમત-ગમત અધિકારી, રાજકોટ) ઉપસ્થિત રહેશે.

ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ ક્રિપાલસિંહ બી.રાણા (સદાદ) મો.૯૭૧૪૦ ૯૮૫૯૭, ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જી.જેઠવા (મોરાણા) મો.૯૯૨૫૬ ૦૦૯૦૦, પ્રવકતા  શ્રી દિગ્વીજસિંહ એમ. વાઘેલા (ધીંગડા) મો.૯૯૭૯૫ ૯૮૯૯૯, મંત્રી શકિતસિંહ આર. વાઘેલા (ભાડેર) મો.૯૮૨૫૬ ૪૫૦૫૬ તથા સહમંત્રી રાજદીપસિંહ એલ. જાડેજા (વડાળી) મો.૯૩૭૪૮ ૦૦૦૦૯ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.

(3:39 pm IST)