રાજકોટ
News of Wednesday, 3rd January 2018

કુંડીઓ દુર કરીને ૧પ લાખની આવક

રેસકોર્ષ રીંગ રોડની કાયાપલટઃ નવા ડિવાઇડરો-ફુલછોડની ચાદર

શહેરના ૧૫ સ્થળોએ કચરાના રિ-પ્રોસેસીંગ પ્લાન્ટઃ પેડક રોડ સ્વીમીંગ પૂલમાં જીમ બનશેઃ વોર્ડ નં.૬માં લલુડી વોંકળીના : અસરગ્રસ્તો માટે ૧૨૮ સ્માર્ટ ઘરઃ આજી ડેમે રોશનીનો લાખેણો ખર્ચ સહિત ૪૪ દરખાસ્તો અંગે શુક્રવારે સ્ટેન્ડિગમાં નિર્ણય

રાજકોટ, તા., ૩ :  મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિ શુક્રવારેે તા. ૩ને ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યે યોજવા માટે  આજે એજન્ડા પ્રસિદ્ધ કરાયો છે. જેમાં કુલ ૪૪ દરખાસ્તોનો સમાવેશ કરાયો છે . જેમાં રેસકોર્ષનાં રીંગરોડ ઉપરથી વર્ષો જુનાં કુંડીનાં ડીવાઇડરો દુર કરી અને લોકભાગીદારીથી નવા સુંદર ડિઝાઇનનાં કલર ફુલ  ડિવાઇડરો બનાવી તેમાં ફુલ છોડની ચાદર બિછાવવાની દરખાસ્ત સહીતની મહત્વની દરખાસ્તનો સમાવેશ છે.

રેસકોર્ષ રીંગ રોડની કાયાપલટ માટે સ્ટીલ કીંગ કંપની સાથે કોન્ટ્રાકટ થશે. આ કંપની તેના ખર્ચે સમગ્ર રોડમાં નવા ડિવાઇડરો બનાવી આપશે. એટલુ જ નહી દર વર્ષે મ્યુ. કોર્પોરેશનને રૂ. ૧પ  લાખની આવક થશે.  આ માટે પ્રસિદ્ધ થયેલ એજન્ડામાં અગાઉ સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કરી ન હતી તે મોચીબજાર મચ્છી માર્કેટ પાસે કોમ્યુનીટી હોલ બનાવવાની દરખાસ્તનો ફરી એક વખત સમાવેશ થતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

નોંધનીય છે કે, અગાઉ ચાર-પાંચ મહિના પહેલા વોર્ડ નં. ૩ હેઠળ આવતા મોચીબજાર વિસ્તારના ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર પાસે એટલે કે મચ્છી માર્કેટ પાસે કોમ્યુનીટી હોલ બનાવવાની દરખાસ્ત આવી હતી પરંતુ જે તે વખતે આ દરખાસ્ત શાસકપક્ષ ભાજપે ચૂંટણીલક્ષી હેતુથી મુકી હોવાના આક્ષેપો થયા હતા અને કચવાટ પણ જોવા મળ્યો હતો. આથી સ્ટેન્ડીંગ કમિટિએ આ દરખાસ્ત મંજુર કરી ન હતી. દરમિયાન હવે ફરીથી આ દરખાસ્ત મુકવામાં આવી છે ત્યારે મૂળ દરખાસ્તમાં કોઈ ફેરફારો છે કે કેમ? વગેરે સવાલો ચર્ચાના એરણે ચડયા છે.

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિ મીટીંગમાં આવાસ યોજનાના દસ્તાવેજ માટે વધુ ર અધિકારીઓને સતા સોંપવા, શહેરના ૧૫ સ્થળોએ કચરાના પ્રોસેસીંગ પ્લાન્ટ મુકવા, પેડક રોડ પર આવેલ સ્વીમીંગ પૂલમાં નવુ જીમ્નેશીયમ બનાવવા, લલુડી વોંકળીના ડીમોલેશન અસરગ્રસ્તો માટે વોર્ડ નં. ૬ ના ગોકુલનગરમાં રૂ. ૯.૪૫ કરોડના ખર્ચે ૧૨૮ ફલેટની આવાસ યોજના બનાવવા, માં નર્મદા મહોત્સવની ઉજવણી હેઠળ આજી ડેમે કરાયેલ રોશનીનો લાખેણો ખર્ચ મંજુર કરવા, વેરામાં વ્યાજ માફી અને વળતર યોજના તથા સેવાસેતુ વગેરે કાર્યક્રમોમાં છાસ વિતરણનો ખર્ચ મંજુર કરવા અને રેસકોર્ષ રીંગરોડ ડીવાઈડર બ્યુટીફીકેશનની યોજના જનભાગીદારીથી સાકાર કરવા સહિતની ૪૪ દરખાસ્તોનો નિર્ણય કરવામાં આવશે.

(3:32 pm IST)