રાજકોટ
News of Wednesday, 3rd January 2018

મોરબી જીલ્લામાંથી તડીપાર થયેલા પ્રવિણ હુંબલ પર રાજકોટમાં હુમલોઃ તલવારથી અંગુઠો કાપી નંખાયો

આહિર યુવાને અગાઉ દહિસરામાં છોકરીઓની મશ્કરી કરતાં શખ્સને ઠપકો આપ્યો'તોઃ એ શખ્સનો પિત્રાઇ ભાઇ કલ્પેશ બાલાસરા રાજકોટ રહેતો હોઇ ખાર રાખી ભાઇ સહિતના સાથે મળી તૂટી પડ્યોઃ પ્રવિણ હાલમાં નહેરૂનગર આહિર ચોકમાં સગાના ઘરે રોકાયો'તોઃ હુમલો થતાં છેક મોરબી હોસ્પિટલમાં દાખલ થયોઃ રાજકોટ પોલીસે ત્યાં જઇ ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૩: મુળ માળીયા મિંયાણા તાબેના દહિસરાના વતની અને મોરબી જીલ્લામાંથી તડીપાર થવાને કારણે હાલ રાજકોટ અટીકા નહેરૂનગર આહિર ચોકમાં સગાને ત્યાં રોકાયેલા બોરીચા આહિર શખ્સ પર જુના મનદુઃખને લીધે આહિર બંધુ અને તેના કાકાએ હુમલો કરી ધોકા-છરીથી ઘાયલ કરતાં તેમજ તલવારનો ઘા ઝીંકી હાથનો અંગુઠો કાપી નાંખતા આ યુવાન સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ થતાં ભકિતનગર પોલીસે ત્યાં જઇને ફરિયાદ નોંધી છે.

બનાવ અંગેની જાણ મોરબી પોલીસ તરફથી થતાં ભકિતનગરના પી.એસ.આઇ. આર. સી. રામાનુજ, નરેન્દ્રભાઇ ખારવા સહિતના સ્ટાફે મોરબી પહોંચી દહિસરાના પ્રવિણ બીજલભાઇ હુંબલ (ઉ.૩૯)ની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં કલ્પેશ લાખાભાઇ બાલાસરા, વનરાજ લાખાભાઇ બાલાસરા, કલ્પેશના કાકા ઉગાભાઇનો દિકરો તથા અજાણ્યા માણસો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૨૩, ૩૨૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પ્રવિણ હુંબલ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયો હતો. હાલમાં તે મોરબી જીલ્લામાંથી તડીપાર હોઇ રાજકોટ નહેરૂનગર આહિર ચોકમાં સગાના ઘરે રહે છે. અહિ તે ગઇકાલે બપોરે ઘર બહાર ખુરશીમાં બેઠો હતો ત્યારે કલ્પેશ, તેનો ભાઇ વનરાજ, કાકાનો દિકરો અને અજાણ્યા શખ્સોએ ધસી આવી તલવાર, ધોકા, છરીથી હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

હુમલો થતાં પ્રવિણ હુંબલ રાજકોટથી સીધો મોરબી જતો રહ્યો હતો અને ત્યાંની હોસ્પિટલમાં દાખલ થતાં ત્યાંની પોલીસે રાજકોટ જાણ કરતાં ભકિતનગર પોલીસે ત્યાં જઇ ફરિયાદ નોંધી હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ દહિસરામાં અગાઉ એક છોકરાએ છોકરીઓની મશ્કરી કરી હોઇ તે વખતે પ્રવિણ હુંબલે એ છોકરાને ઠપકો આપ્યો હતો. એ છોકરાનો પિત્રાઇ કલ્પેશ બાલાસરા રાજકોટ રહેતો હોઇ અને હાલ પ્રવિણ રાજકોટ આવ્યો હોઇ જુના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો.

પ્રવિણ સામે મોટા દહિસરાના વિશાલની વળતી ફરિયાદ

દરમિયાન મોટા દહિસરા ગામે રહેતાં વિશાલ પ્રભાતભાઇ બાલાસરા (ઉ.૧૯)એ પણ પ્રવિણ બીજલભાઇ હુંબલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. સરપંચની ચૂંટણીનો ખાર રાખી પ્રવિણ હુ઼બલે વિશાલને ગાળો દઇ બાઇક ભટકાડી મોઢે ઇજા કરી મારી નાંખવાની ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. માળીયા મિંયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(11:31 am IST)