રાજકોટ
News of Wednesday, 3rd January 2018

ગુલાબનગરના વિજયને ઉમિયા ચોકમાં બોલાવી ઘુસ્તા-પાટા-લાકડીથી લમધાર્યો

વિજયના મોટા ભાઇને ગઇકાલે ઉજ્જૈનથી જે છોકરીવાળા જોવા આવ્યા હતાં એ અગાઉ કિશોર ગરોળાને જોઇ ગયા હોઇ કિશોરે વાંધો ઉઠાવી હુમલો કર્યો

કોઠારીયા સોલવન્ટ ગુલાબનગરમાં રહેતાં અને પંચર સાંધવાની કેબીન ચલાવતાં મુળ ઉજ્જૈનના વિજય શંકરભાઇ ધામેચા (ઉ.૨૧) નામના મોચી યુવાનને ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં વાત કરવા માટે તેના જ વતનના કિશોર ગરોળાએ બોલાવતાં વિજય ત્યાં જતાં કિશોર તથા તેની સાથેના ઘનશ્યામ ગરોળા, કલાબેન ગરોળા અને પ્રભુ ગરોળાએ ઝઘડો કરી લાકડી અને ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે વિજયના સગા રાજેશે જણાવ્યું હતું કે ગઇકાલે વિજયના મોટા ભાઇને ઉજ્જૈનથી છોકરીવાળા જોવા આવ્યા હતાં. આ લોકો  જ ત્રણેક મહિના પહેલા કિશોરને જોવા ગયા હતાં. કિશોરે આ બાબતનો ખાર રાખી વિજયના મોટાભાઇને જો પસંદ કરે તો ત્યાં સગપણ નહિ કરવા કહી ઝઘડો કર્યો હતો. બાદમાં ગત રાત્રે સમાધાનની વાત કરવા વિજયને બોલાવી હુમલો કર્યો હતો.

(11:12 am IST)