રાજકોટ
News of Monday, 3rd October 2022

આપઘાતની ચાર ઘટનાઃ નવોઢા, યુવાન, પરિણીતા અને પ્રોૈઢાએ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધા

દાહોદની નવોઢા આશિકાના છૂટાછેડા થાય એ પહેલા રાજકોટમાં જિંદગીથી છેડો ફાડયો : વિશ્વનગરના રીનાબેન માલવીએ દિકરી-ભત્રીજી-ભાણેજને ગરબીમાં મુકી આવ્‍યા બાદ મોત મેળવ્‍યું : અન્‍ય બે બનાવમાં પોપટપરાના મેરૂભાઇ અને માટેલ સોસાયટીના મનિષાબેને આર્થિક ભીંસને કારણે કંટાળીને જીવ દીધો

રાજકોટ તા. ૩: આપઘાતની ચાર અલગ અલગ ઘટનાઓમાં એક નવોઢા, એક યુવાન, એક પરિણીતા અને એક પ્રોૈઢાએ ગળાફાંસો ખાઇ મોત વ્‍હાલુ કરી લીધું હતું. જેમાં નવોઢાએ બિમારીથી કંટાળી, યુવાન અને પ્રોૈઢાએ આર્થિક ભીંસને કારણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્‍યું હતું. એક મહિલાના આપઘાતનું કારણ સામે આવ્‍યું નહોતું.

દાહોદ સાસરૂ ધરાવતી અને આઠ મહિના પહેલા જ પરણેલી સિંધી યુવતિ બે મહિનાથી રાજકોટ ગાયકવાડીમાં માવતરે રિસામણે હોઇ અને આજે સોમવારે છુટાછેડાના કાગળો થવાના હોઇ એ પહેલા તેણીએ ગઇકાલે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. આપઘાતની અન્‍ય બે ઘટનામાં વિશ્વનગરની પરિણીતાએ અને પોપટપરાના યુવાને પણ ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધા હતાં. જાણવા મળ્‍યા મુજબ દાહોદ માંડવ રોડ પર અશુ એપાર્ટમેન્‍ટ-૨ ફલેટ નં. ૬૦૨માં સાસરૂ ધરાવતી આશિકા અમિત જેઠવાણી (ઉ.૨૫) નામની સિંધી નવોઢા બે મહિનાથી રાજકોટ ગાયકવાડી-૩/૯માં પિતા મુકેશભાઇ ભક્‍તાણીના ઘરે હતી અને બિમારીની દવા ચાલુ હતી.

ગઇકાલે તેણીએ ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ એ. એ. ખોખર, વિમલેશભાઇ રાજપૂત અને રામજીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્‍યા મુજબ આશિકાના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હતાં. બે મહિનાથી માનસિક તકલીફ જેવું થઇ જતાં માવતરે આવી હતી અને દવા ચાલુ હતી. એકાદ બે દિવસમાં તેણીના છુટાછેડાના કાગળો થવાના હતાં. ત્‍યાં તેણીએ આ પગલુ ભરી લીધું હતું.

બીજા બનાવમાં માયાણી ચોક વિશ્વનગર-૩ ખીજડાવાળા રોડ પર રહેતી રીનાબેન જયસુખભાઇ માલવી (ઉ.૩૮) નામની પરિણીતાએ રાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાંઅરેરાટી વ્‍યાપી ગઇ હતી. માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન પંડયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ રીનાબેન સાંજે પરિવાર સાથે બહાર જમવા ગયા હતાં. તેના પતિ ફરસાણ-ગાઠીયાના કારીગર તરીકે કામ કરે છે. રાતે ઘરે આવ્‍યા બાદ રીનાબેન પોતાની પુત્રી, ભત્રીજી, ભાણેજને તૈયાર કરી ઘર નજીક ગરબીએ મુકવા ગયા હતાં અને થોડીવાર ગરબી જોઇ ઘરે આવ્‍યા બાદ એકાએક આ પગલુ ભરી લીધું હતું. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

ત્રીજા બનાવમાં પોપટપરા ૫૩ ક્‍વાર્ટરમાં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં મેરૂભાઇ ઉકાભાઇ સોલંકી (ઉ.૨૬) નામના યુવાને ઘરના ઉપરનામાળે એંગલમાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી આપઘાત કરી લેતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાનના ઘરે પચ્‍ચીસ દિવસ પહેલા જ દિકરાનો જન્‍મ થયો હતો. તેને એક પુત્રી છે. આર્થિક સંકડામણને લીધે આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું હતું. નવજાત પુત્ર સહિત બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો હતો.

ચોથા બનાવમાંમવડી માટેલ સોસાયટી-૫માં રહેતાં મનિષાબેન ભરતભાઇ ખાંડેખા (ઉ.૫૦)એ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્‍યા મુજબ મનિષાબેનને સંતાનમાંબે પુત્રી અને એક પુત્ર છે. આર્થિક ભીંસને લીધે તમણે આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

(3:36 pm IST)