રાજકોટ
News of Saturday, 3rd February 2018

ગુજરાત બાર કાઉન્સીલની ર૮ માર્ચ અને રાજકોટ બાર એસો.ની ર૬ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

બાર કાઉન્સીલમાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયુઃ રાજકોટ બારની ચૂંટણી 'વન બાર વન વોટ'ની પધ્ધતિ મુજબ યોજાશે

રાજકોટ તા. ર :.. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીનો પ્રોગ્રામ જાહેર થતાં આગામી તા. ર૮ માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. દરમિયાન રાજકોટ બાર એસો. ની ચૂંટણીનો વિવાદ અંગે હાઇકોર્ટે ચુકાદો જાહેર કરતાં રાજકોટ બાર એસો. ની પણ તા. ર૬ ફેબ્રુઆરીએ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

રાજકોટ બાર એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ સેક્રેટરી મનિષભાઇ ખખ્ખર અને કારોબારી કમીટીના સભ્યોની ગઇકાલે મીટીંગ મળતાં બાર એસો.એ ચૂંટણી કમીશ્નર તરીકે સીનીયર ધારાશાસ્ત્રી ટી. વી. ગોંડલીયાની વરણી કરી તા. ર૬ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજવાનો ઠરાવ પસાર કર્યો હતો.

ગુજરાત બાર કાઉન્સીલે જાહેર કરેલ પ્રોગ્રામ અનુસાર તા. ૧-ર-૧૮ થી ૧પ-ર-૧૮ સુધી ફોર્મ ભરવાનું શરૂ કરેલ છે. ત્યારબાદ તા. ૧૬-ર-૧૮ સુધીમાં ફોર્મની ચકાસણી  કરવામાં આવશે તા. રર સુધી ફોર્મ પરત ખેંચી  શકાશે અને તા. ૧ માર્ચના રોજ ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે અને ૧ લી તારીખે જ બપોરના ર વાગ્યા સુધીમાં આખરી યાદી બહાર પડી જશે.ગુજરાત બાર કાઉ.ની દર પાંચ વર્ષ ચૂંટણી યોજાઇ છે. જેમાં રપ બેઠકો માટે ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં ગુજરાતભરમાંથી જીલ્લા - તાલુકા લેવલે વકીલાત કરી રહેલા ઇચ્છુક વકીલો ચૂંટણી લડી શકશે. આ ચૂંટણી લડવા માટે રૂ. રપ૦૦૦ નોન-રીફેડેબલ ફોર્મ-ફી ભરવાની રહેશે. તા. ર૮ માર્ચે ચૂંટણી યોજાશે અને ૩૦ માર્ચથી મતગણતરી શરૂ થશે.

રાજકોટ બાર એસો. ની ચૂંટણી વન બાર વન વોટ મુજબ ચૂંટણી યોજાશે. રાજકોટ બાર એસો.માં કુલ ર૮૦૦ જેટલા વકીલો નોંધાયેલા છે. જેમાંથી વન બાર વન વોટ નું જેઓએ ફોર્મ ભરેલ છે.તેઓ આ ચૂંટણીમાં  મતદાન કરી શકશે.

જયારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતભરના વકીલો મતદાન કરી શકશે. ગુજરાતમાં કુલ પ૦ હજારથી વકીલો છે.

રાજકોટ બાર એસો. અને ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી જાહેર  થતાં વકીલોમાં ચૂંટણી ફીવર  છવાયેલ છે.

દરમ્યાન ર૦૧૭ ની રાજકોટ બાર એસો.ની યોજાયેલ ચૂંટણીમાં થયેલ મતોનું હાઇકોર્ટના હુકમ મુજબ ડીસ્ટ્રોપ કરવાનું નકકી કરવામાં આવ્યાનું બાર એસો.ના  સુત્રોમાંથી જાણવા મળે છે.

(9:08 am IST)