રાજકોટ
News of Saturday, 2nd July 2022

કાલે દિનકરભાઈના ૨૦ પુસ્‍તકોનું વિમોચન

દિનકર જોશીઃ ગુજરાતી સાહિત્‍યની જીવંત ઘટના

રાજકોટઃ ચંદ્રકાન્‍ત બક્ષીના એક લાંબા લેખનું શિર્ષક હતું, શું હોય છે લેખક પાસે, બસ એક જ જિંદગી...બસ આ વાત તો ફક્‍ત શિર્ષક પૂરતી,પરંતુ આપણને વિચારતા કરી મૂકે તેવી છે. ખરેખર શું હોય છે એક લેખક પાસે, અને આ એક જિંદગીમાં તે કેટલી જિંદગી જીવે છે. ક્‍યારેય મળ્‍યા છો દિનકર જોશીને, જો મળો, એમને વાંચો, એમના વિશે જાણો તો ખબર પડે કે આ વ્‍યક્‍તિ કેટકેટલાં પાત્રોની, કેવા કેવા લોકોની જિંદગીમાંથી પસાર થયા છે, ગુજરાતી ભાષા જેમના પર ગૌરવ લઈ શકે, ગુજરાતી ભાષાના આંગણાનો જેઓ અવિરત અને અવિચળ ઉત્‍સવ છે એવા સાક્ષર, વરિષ્ટ વ્‍યક્‍તિ, જ્ઞાનવૃદ્ધ અને વયવૃદ્ધ દિનકર જોશીનો આજે તા. ૩૦દ્ગક્ર રોજ જન્‍મદિવસ છે. સુયોગ એ છે કે ત્રણ દિવસ પછી રવિવારે રાજકોટમાં જ એમના અગિયાર પુસ્‍તકોનો વિમોચન સમારોહ છે.

દિનકરભાઈને ગુજરાતી વાચક ઓળખે નહીં એવું ન બને. એમની કૃતિઓની યાદી તો ઘણી લાંબી છે, ૧૬૪ પુસ્‍તકો એમના નામે બોલે છે એ પણ સામાન્‍ય પુસ્‍તકો નથી. એમાં મહાભારતનો અનુવાદ છે. એમાં કૃષ્‍ણના જીવનની વાતો છે. મહાભારતમાં પિતૃવંદના અને માતૃવંદના જેવા ગહન વિષય છે. દિનકરભાઈના આ વિશાળ સંપૂટમાં શ્‍યામ એકવાર આવોને આંગણે જેવું સતત પુનઃમુદ્રિત થતું રહેતું પુસ્‍તક છે. અને જેને કારણે એમને વિશેષ ખ્‍યાતિ મળી, વિશેષ વાતો પણ જેની થઈ એ કૃતિ એટલે પ્રકાશનો પડછાયો. ગાંધીજી અને એમના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી વચ્‍ચેના સંબંધોને આધાર બનાવીને લખાયેલી નવલકથાએ ચર્ચા જગાવી હતી. દિનકરભાઈ આ નવલકથાની સામગ્રી માટે દિવસો સુધી અહીં મોરબીમાં રહ્યા હતા.

૧૯૭૧-૭૨માં એક મિત્ર કેશવલાલ ગાંધી સાથે વાત થઈ, હરિલાલનો ઉલ્લેખ થયો એમણે આખી વાત કરી અને દિનકરભાઈને થયું કે આના પર તો કામ થવું જોઈએ. ચૌદ વર્ષ સુધી બેન્‍કની ચાલુ નોકરીએ એમણે એ સંશોધન આરંભ્‍યું. ગાંધીજીની વ્‍યથા, હરિલાલની કથા બધું ભેગું થયું અને આખરે સમકાલીની દૈનિકમાં એ કથા હપ્તાવાર છપાઈ. પછી તો સતત અનુવાદો થયા. ગુજરાતના અને ગુજરાત બહારના સાહિત્‍યકારોએ આ સર્જનને આવકાર આપ્‍યો.  એવી જ એમની ઐતિહાસિક નવલકથાઓ કે પછી કહીએ ડોક્‍યુનોવેલ એ મહંમદ અલી ઝીણા અને દેશના વિભાજનના સમયને વણી લઈને લખેલી પ્રતિનાયક, મહામાનવ સરદાર પણ વખણાઈ. ચક્રથી ચરખા સુધી તો એમનું બહુસ્‍વીકૃત પુસ્‍તક છે.

૧૧ ગુજરાતી અને ૯ મરાઠી પુસ્‍તકોનું લોકાપર્ણ

દિનકર જોશીના વીસ પુસ્‍તકોનું લોકાર્પણ તા. ૩ જુન, રવિવારે સાંજે રાજકોટમાં થશે. ગુજરાતની જાણીતી પ્રકાશન સંસ્‍થા પ્રવીણ પ્રકાશન દિનકરભાઈના ૧૧ ગુજરાતી અને ૯ મરાઠી પુસ્‍તકો એક સાથે વાચકો સુધી લાવી રહી છે.

દિનકર જોશીએ લખેલા ચિંતનાત્‍મક લેખોના પુસ્‍તક આકાશવાણીનું લોકાર્પણ થશે. ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તથા અધ્‍યાત્‍મક્ષેત્રે ચિંતન અને લેખન માટે માતબર કામ કરી રહેલા ભાણદેવજી આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. મહંમદઅલી ઝીણાના જીવન વિશેની નવલકથા પ્રતિનાયક, બહુચર્ચિક કૃતિ પ્રકાશનો પડછાયો, ભારતીય સંસ્‍કૃતિના સર્જક સહિતના પુસ્‍તકોના મરાઠી અનુવાદનું અહીં વિમોચન થશે. કાલે સાંજે ચાર વાગ્‍યે રૈયારોડ પર પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે આ ગ્રંથોનું વિમોચન થશે.

(4:46 pm IST)