રાજકોટ
News of Saturday, 2nd July 2022

ચીલઝડપના ૧૨ ગુનામાં સંડોવાયેલો વૈભવ જાદવ પકડાયોઃ એક્‍ટર મિત્રનું નામ ખુલ્‍યું

માલવીયાનગર પોલીસના હેડકોન્‍સ ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાની બાતમી પરથી હીંગળાજનગર પાસેથી મુબળ ધ્રાબાવડના શખ્‍સને પકડી બી-ડિવીઝન પોલીસને સોંપાયો

રાજકોટ તા.૨:  રાજકોટ, સુરત, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ચીલઝડપના એક ડઝન ગુનામાં સામેલ શખ્‍સને માલવીયાનગર પોલીસે બાતમીના આધારે અમીન માર્ગ હિંગળાજનગર ચોક પાસેથી પકડી લીધો હતો. જેણે બી-ડિવીઝન પોલીસની હદનો ચિલઝડપનો ગુનો કબુલતાં ત્‍યાં સોંપવા તજવીજ થઇ રહી છે. આ ગુનામાં તેની સાથે તેનો ટીવી એક્‍ટર મિત્ર પણ સામેલ હોવાનું તે રટણ કરી રહ્યો હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી તથા કોન્‍સ. હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે બાર જેટલા ચિલઝડપના ગુનામાં સામેલ મુળ માળીયા હાટીનાના ધ્રાબાવડ ગામનો વતની અને હાલ સાધુ વાસવાણી રોડ ન્‍યુ પરિમલ સોસાયટી મેઇન રોડ પર રહેતો શખ્‍સ  વૈભવ બાબુભાઇ જાદવ(ઉ.વ.૨૬) ઉભો છે અને તે બી-ડિવીઝનના ચિલઝડપના બે ગુનામાં વોન્‍ટેડ છે.  આ બાતમી પરથી ટૂકડીએ ત્‍યાં પહોંચી વૈભવને સકંજામાં લીધો હતો.

તેણે પુછતાછમાં કબુલ્‍યું હતું કે અગાઉ બી-ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં ચીલઝડપના બે ગુના આચર્યા હતાં. આ ગુનામાં તેની સાથે તેનો ટીવી કલાકાર યુ-ટયુબર એક્‍ટર મિરાજ ઉર્ફ  વિવેક કાપડી પણ સામેલ હતો. બી-ડિવીઝન પોલીસ આ શખ્‍સને શોધી રહી છે.  વૈભવે અગાઉ સુરત, જૂનાગઢ અને ગીરસોમનાથના વેરાવળ સહિતના શહેરમાં બાર ચીલઝડપના ગુના આચર્યા હતાં.  તે સુરતમાં પાસામા પણ જઇ ચુકયો છે.

આ કામગીરી પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી,  હેડ કોન્‍સ મસરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ જાડેજા, અજયભાઇ વિકમા, કુલદિપસિંંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા,  ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ ચાવડા, અંકીતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી તથા હિતેષભાઇ અગ્રાવતે આ કામગીરી કરી હતી. ક્રિકેટ સટ્ટામાં મોટી રકમ હારી જતાં ચિલઝડપના રવાડે ચડયાનું ચર્ચાઇ રહ્યું છે. એક્‍ટરની સંડોવણી છે કે કેમ? તેણે વૈભવ સાથે મળી કેટલા ગુના આચર્યા છે? તેની તપાસ બી-ડિવીઝન પોલીસ કરશે.

(4:41 pm IST)