રાજકોટ
News of Saturday, 2nd July 2022

ગાંધીજીની એક હાકલે લાલાકાકા વકીલાત છોડી દેશ સેવામાં લાગી ગયા હતા

ભોગીલાલ લાલા અને તેમના સમગ્ર પરિવારે પોતાનું જીવન રાષ્‍ટ્રને સમર્પિત કરી દીધુ હતું: સ્‍વાતંત્ર્ય રત્‍ન લાલાકાકા પુસ્‍તકનો વિમોચન સમારોહ

રાજકોટઃ સ્‍વાતંત્ર્ય રત્‍ન લાલાકાકા પુસ્‍તકનો વિમોચન સમારોહ રાષ્ટ્રીય શાળા  ખાતે યોજાયેલ. વિમોચન પદ્મશ્રી સિતાંશુ મહેતાના હસ્‍તે કરવામાં આવ્‍યું. જાણીતા ઇતિહાસકાર ડો.એસ.વી.જાની, ડો.અનામિક શાહ ઉપસ્‍થિત રહ્યા હતા.
સતત વરસાદ વચ્‍ચે પણ રાજકોટના  સાહિત્‍ય પ્રેમીઓએ હાજરી આપી કાર્યકમને બિરદાવ્‍યો હતો.
આઝાદી મેળવવામાં આપણા વીર સપૂતો એ શહીદી વ્‍હોરી લીધી.પૂ.બાપુ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક મહાનુભાવોએ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. આ મહાનુભાવોની સાથે કેટલાક એવા પણ સ્‍વાતંત્ર્ય સેનાની અને તેમના પરિવારે મૂંગા મોઢે કોઈપણ જાતની નામની ચાહના વગર દેશકાજે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલું.
આવુ જ એક સ્‍વાતંત્ર્ય સેનાની  પરિવાર એટલે ભોગીલાલ લાલા તથા તેમનો પરિવાર.ભોગીલાલ લાલા એક કુશળ ફોજદારી વકીલ.ગાધીજીની હાકલે વકીલાત છોડી પોતાનું જીવન દેશની આઝાદીની ચળવળમાં સોંપી દીધું હતું.સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું ઉપનામ' લાલાકાકા' અને ત્‍યારથી જ શ્રી ભોગીલાલ લાલા ‘લાલાકાકા' તરીકે ગુજરાતભરમાં ઓળખાયા. લાલા કાકા ઈ.સ.૧૯૩૧ માં ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી,૧૯૩૫માં અમદાવાદ મ્‍યુનિસિપાલિટીમાં ઉપપ્રમુખ રહી ચૂકેલા હતા.૧૯૫૬-૬૦ના ગાળામાં મુંબઈ પ્રાંતની વિધાન પરિષદના ચેરમેન બન્‍યા હતા. લાલાકાકા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની નિકટતા તેમજ કુશળ કામગીરીને કારણે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો અનેક બાબતો માં સીધો પત્ર વ્‍યવહાર  લાલા કાકા સાથે થતો.લાલાકાકાની અથાગ મહેનતનુ  પરિણામ અને ઉત્‍કૃષ્ટ કામગીરીનુ ઉદાહરણ આજે અમદાવાદ માં ચાલતી બહેરા મુંગા શાળા સોસાયટી છે. અમદાવાદની પ્રજા માટે લાલા કાકા એ લોકચાહનાથી  જ કાયમ મુરબ્‍બીવટુ ભોગવેલુ. તેમની  પૂ.બાપુ  તથા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની  સ્‍વાતંત્ર્ય ચળવળની કામગીરી તેમને  બખૂબી અને નિષ્‍કલંક રીતે નિભાવી હતી.
તેમના પુત્ર શ્રી અર્જુનલાલ  લાલાએ પણ વીરમગામ સત્‍યાગ્રહ, લીંબડી સત્‍યાગ્રહ તેમજ ઝંડા સત્‍યાગ્રહમાં ખૂબ અગત્‍યની કામગીરી કરેલ.આ ઉપરાંત ખેતી વાડી ઉત્તપન્‍ન બજાર સમિતિ, અમદાવાદના તેઓ આદ્ય સ્‍થાપક રહી ચૂકેલા.૧૯૨૩ના ઝંડા સત્‍યાગ્રહમાં અર્જુનલાલાએ સામેથી આગેવાની નોંધાવેલી.જેમા છ માસના જેલવાસ બાદ અર્જુનલાલાને  લેવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ  જેલના દરવાજે લેવા ગયા હતા. લાલા પરિવારની ત્રણે પેઢીએ એટલે કે, લાલાકાકા, અર્જુન લાલા અને અજુન લાલાના દિકરા ભૂપેન્‍દ્ર લાલાએ ૧૯૪૨ની હિંદ છોડો આંદોલનમાં સક્રિય રીતે કામગીરી કરી  જેલવાસ ભોગવેલો.
ભૂપેન્‍દ્ર લાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ શારીરિક શિક્ષણ નિયામક હતા.તેમજ રાજકોટ અપંગ માનવ મંડળના પ્રમુખ તથા વિકલાંગ પ્રેરણા ટ્રસ્‍ટ, રાજકોટના આધ સ્‍થાપક હતા.
લાલાકાકા, અર્જુન લાલા તથા ભૂપેન્‍દ્ર લાલાએ ત્રણે પેઢી એ ગુજરાતની ભૂમિ માટે હંમેશ તત્‍પર રહી  કાર્ય કરેલું. આ પુસ્‍તક  ત્રણ પેઢીને પિતૃ તર્પણ રૂપે એક સંશોધનાત્‍મક, કુટુંબ કથા  છે. દેશના રાજકીય, સામાજિક ઈતિહાસની સાથે અમદાવાદ, ગુજરાત તેમજ ભારતનો ઇતિહાસ સમાંતર ચાલતો આવ્‍યો છે. ઈતિહાસની ગવાહીરૂપે આ પુસ્‍તક આલેખાયેલુ છે.  
વિમોચન પ્રસંગે પુસ્‍તક માટે સિતાંશુભાઈએ વાત કરતા જણાવ્‍યું હતું કે,સતા અને સ્‍મૃતિ બંને પરસ્‍પર વિરોધી શબ્‍દો છે. જયાં સતાનો અતિરેક હોય છે ત્‍યાં સાચી સ્‍મૃતિ હોતી નથી. પસંદ કરેલો ઈતિહાસ શબ્‍દકોશમાં ગોઠવાય છે. અને નાપસંદ ભૂતકાળ ભૂંસાઈ જાય છે એના પર ચેકા મૂકી દેવામાં આવે છે.આવે વખતે જે સ્‍મૃતિ એક દિકરીના હદયમાં આવે છેએ સ્‍મૃતિમાં કોઈના પર ચેકા મૂકાતા નથી.અને આ પુસ્‍તક દૃતિએ  કોઈપણ પ્રકારની ચેકાચેકી વગરનું  લખ્‍યું છે. તેનો આનંદ છે.
પૂ.બાપુની એક હાકલે લાલા કાકાએ વકીલાત છોડી અને આઝાદી કાજે ભોગવેલા કષ્ટો વગેરે અનેક જાણવા જેવી વાતો આ પુસ્‍તકમાં દૃતિ એ ખૂબ સુંદર રીતે આલેખી છે. વાત્‍સલ્‍ય ઉપરાંત સાચી શૂરવીરતા આ પુસ્‍તકના પાનેપાના પર લખાયેલી છે.
ડો.એસ.વી.જાનીએ પુસ્‍તક માટે જણાવ્‍યું હતું કે, પિતા થી માંડીને પ્રપિતામહ સુધીનો ઈતિહાસ લખનાર આ પ્રથમ દિકરી હશે કે જેણે તેમની એક નહીં પણ ત્રણ પેઢીઓનુ પિતૃતર્પણ કયું છે.અનુકરણીયનુ ઉતમ ઉદાહરણ આજે દૃતિએ પૂરૂં પાડ્‍યું છે.
ગાંધી વિચાર ધારાને અનુસરતા એવા ડો.અનામિકભાઈ શાહે જણાવ્‍યું હતું કે, તેઓએ આઝાદીની ચળવળના પુસ્‍તકમાં કે અન્‍ય કોઈ લેખકોને આજ સુધીની જે બાબતો ધ્‍યાનમાં આવી નથી તેવી આઈ.એન.એ.ની પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિનો હિસાબ લાલાકાકા સંભાળતા અને આ બાબતે લાલા કાકા તથા શ્રી સરદાર પટેલ વચ્‍ચે થયેલા પત્ર વ્‍યવહાર જેવી અનેક બાબતો દૃતિ એ આવરી લીધી છે.
લેખિકાએ સંશોધન દરમ્‍યાન તેણીને મળેલા વિધાયક  પ્રતિભાવ અંગેની વાતો કરી હતી.અને તેમને મદદરૂપ થનાર દરેક વ્‍યક્‍તિનો તેણીએ હૃદય પૂર્વક આભાર માન્‍યો હતો.
આ કાર્યકમને સફળ બનાવવા શ્રી જયેશભાઈ રાષ્ટ્રકૂટ,શ્રી ચેતસ ઓઝા, શ્રીમતી હેતલબહેન ચૌહાણ, શ્રીમતી ભાર્ગવીબહેન, શ્રી બેલીમભાઈ,શ્રી શૈલેષભાઈ વ્‍યાસ તથા લેખિકા દૃતિ લાલા તેમજ  ચિ. કલરવ દવેએ જહેમત ઊઠાવી હતી.
આ પ્રસંગે મને પુસ્‍તકની શરૂઆત થી અંત સુધી મદદ કરનાર તમામનો હું દૃતિ લાલા આભાર માનું છું.(અહેવાલઃ ડો. અનામિક શાહ, મો.૯૮૨૫૨ ૧૫૬૫૬)

 

(12:31 pm IST)