રાજકોટ
News of Saturday, 2nd July 2022

શાપરમાં મજૂર દંપતિના બે પુત્રના તળાવમાં ડૂબી જતા મોત

ભંગાર વીણવા ગુરૂવારે નીકળ્‍યા બાદ ગૂમ થયા'તાઃ ગઇકાલે તળાવમાંથી મૃતદેહ મળ્‍યાઃ ન્‍હાવા જતાં ડૂબી ગયાનું તારણ : મધ્‍યપ્રદેશના વિક્રમ બારીયા અને રાનુ બારીયાએ ૯ અને ૫ વર્ષના બંને પુત્ર અશ્વિન તથા અર્જુનને એક સાથે ગુમાવતાં કલ્‍પાંત

પાંચ અને નવ વર્ષના બે ભાઇઓના ચહેરા હવે તસ્‍વીરમાં સિમિત થઇ ગયા છે. તળાવમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્‍યા ત્‍યારે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. (ફોટોઃ કમલેશ વસાણી-શાપર)
રાજકોટ તા. ૨: ગઇકાલે શાપર વેરાવળમાં કેપ્‍ટન ગેઇટની અંદર આવેલા તળાવમાં મધ્‍યપ્રદેશના મજૂર દંપતિના ૯ અને ૫ વર્ષના બે પુત્રોના ડૂબી જતાં મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આ બંને માતા પિતા જ્‍યાં કડીયા કામ કરે છે એ સાઇટ પરથી આ બંને ભાઇઓ ગુરૂવારે બપોરે ભંગાર વીણવા જવાનું કહીને નીકળ્‍યા બાદ સાંજ સુધી પરત ન આવતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં આ બંને ભાઇઓના ગઇકાલે શાપરમાં જ આવેલા તળાવમાંથી મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બંને ભાઇઓ તળાવમાં ન્‍હાવા પડતાં ડૂબી ગયાનું તારણ નીકળ્‍યું છે.
શાપરથી કમલેશ વસાણીએ જણાવ્‍યા મુજબ શાપરમાં કેપ્‍ટન ગેઇટ અંદર મીના કાસ્‍ટીંગ નજીક રહેતાં અને કડીયા કામની સાઇટ પર મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના ધાર જીલ્લાના વતની વિક્રમ ધનાભાઇ બારીયા તથા તેની પત્‍નિ રાનુબેન વિક્રમ બારીયા પરમ દિવસે ગુરૂવારે કડીયા કામની સાઇટ પર હતાં ત્‍યારે ત્રણેક વાગ્‍યા આસપાસ તેના બંને પુત્ર અશ્વિન (ઉ.૯) અને અર્જુન (ઉ.૫) ત્‍યાંથી ભંગાર વીણવા જવાનું કહીને નીકળ્‍યા હતાં. આ બંને મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતાં માતા પિતાએ અને બીજા મજૂરોએ મળી બંનેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો લાગ્‍યો નહોતો.
દરમિયાન ગઇકાલે સાંજે બે બાળકોના ફુલાઇ ગયેલા મૃતદેહ તળાવમાં તરતાં હોવાની જાણ થતાં શાપર પોલીસ પહોંચ્‍ી હતી અને તપાસ કરતાં ગુરૂવારે ગૂમ થયેલા અશ્વિન તથા અર્જુનના જ આ મૃતદેહ હોવાનું ખુલતાં પીએસઆઇ કુલદિપસિંહ ગોહિલ સહિતની ટીમે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. એમપીનું દંપતિ બે વર્ષથી શાપર રહી મજૂરી કરે છે. તેણે બંને પુત્રોને એક સાથે ગુમાવી દેતાં કલ્‍પાંત સર્જાયો હતો.
પોલીસે ફાયર બ્રિગેડના તરવૈયાઓની મદદથી તળાવમાંથી બંને ભાઇઓના મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી ત્‍યારે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. બંને વ્‍હાલસોયાના નિષ્‍પ્રાણ દેહ નિહાળી માતા-પિતા આક્રંદ કરવા માંડતા ગમગીની છવાઇ ગઇ હતી.

 

(11:23 am IST)