રાજકોટ
News of Saturday, 2nd July 2022

એવું તે શું બન્યું : કુવાડવા રોડ પોલીસનાં ASIએ ફેસબુક પોસ્ટમાં લખ્યું- "મારી તૈયારી છે જૂકેગા નહિ સાલા"

ચોંકાવનારી પોસ્ટથી પોલીસ તંત્ર અને રાજકીય આગોવાનોમાં આ ધમકી આપનાર રાજકીય અગ્રણી કોણ? તેના વિશે અનેક ચર્ચા : રાજકીય આગેવાનના બનેવીને ત્યાં જુગારની રેડ કરી તે દિવસથી ખાર રાખી ધમકી !!!

રાજકોટ : કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાના ફેસબુક પોસ્ટ એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે જેમાં કોઈ રાજકીય આગેવાન તેમને છેલ્લા ચાર વર્ષથી હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ પોસ્ટમાં જણાવ્યા મુજબ, એક રાજકીય આગેવાનના બનેવીને ત્યાં જુગારની રેડ કરી તે દિવસથી ખાર રાખી ધમકી આપવામાં આવે છે. જેમાં કહેવાય છે કે, 'એવી જગ્યા એ બદલી કરીશ કે જ્યાં પાણી પણ નહિ મળે' જો કે પોસ્ટનાં અંતમાં ASIએ પણ પુષ્પા સ્ટાઈલમાં 'ઝૂકેગા નહિ સાલા' તેવો ડાયલોગ પણ લખ્યો છે.

આ સમગ્ર મામલે વોચ ગુજરાત દ્વારા ASIનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો સંપર્ક નહીં થતા કુવાડવા રોડ પોલીસ મથકનાં પોલીસ ઇન્સપેક્ટર ભાર્ગવ જનકાત સાથે વાત કરવામાં આવી હતી. જેમાં PI ભાર્ગવ જનકાતે વોચ ગુજરાતને કહ્યું હતું કે, આ વાતમાં કોઈ તથ્ય નથી. અને છેલ્લા ઘણા સમયથી આવી કોઈ જુગારની રેડ પણ થઈ નથી. ASI હિતેન્દ્રસિંહે આ પોસ્ટ તેમના કોઈ મિત્રને મોકલવાને બદલે ફેસબુકમાં મૂકી દીધી હોવાનો બચાવ તેમણે કર્યો હતો. જો કે ફેસબુકમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે જોતા પોસ્ટ ભૂલથી થઈ હોવાનું લાગતું નથી.

સામાન્ય રીતે રાજકારણ સામે પોલીસ દબાતી હોય છે. ભાગ્યે જ એવા પોલીસ કર્મચારીઓ હશે કે, જેમણે રાજકીય આગેવાનો સામે બાંયો ચડાવી હોય. જો કે અત્યાર સુધીનાં ઈતિહાસમાં જ્યારે પોલીસકર્મીએ સાચી કે ખોટી રીતે રાજકીય અગ્રણીની સામે બાંયો ચડાવી ત્યારે તેને બદલીનો સામનો કરવો પડતો હોય તેવા અનેક દાખલાઓ મોજુદ છે. ત્યારે રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા ASIની ફેસબુક પોસ્ટથી તેમની બદલીની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

(9:44 pm IST)