રાજકોટ
News of Thursday, 2nd February 2023

ગુજરાતી સાહિત્‍ય અને ગુજરાતી કલાકારોને વિશ્વ ફલક પર મુકવાની ઇચ્‍છા, વેબ શોનું ભવિષ્‍ય ખુબ ઉજળુઃ નિર્દેશક :હારિતઋષિપુરોહિત

દેશ-દુનિયામાં નામના મેળવી ચુકેલા ગુજરાતી વેબ શો ‘છેલ્લી ચા'ના નિર્દેશક-અભિનેતા-અભિનેત્રી ‘અકિલા'ના અતિથી બન્‍યા : રાજકોટના જ તમામ કલાકારો-કસબીઓને લઇને બનાવાયેલી અને વિશાળ વર્ગ સુધી પહોંચી ચુકેલી આ સિરીઝને યુ-ટયુબ પર પણ નિહાળી શકાય છેઃ નિર્દેશક સાથે અભિનેતા વિરાજ પાટડીયા અને મનાલી જોષીએ કહ્યું-ગુજરાતી સિરીઝને આટલી સફળતા મળી એ અમારા માટે અને શહેર માટે ગોૈરવની વાત : ગુજરાતી ફિલ્‍મો કરતાં ગુજરાતી વેબ શોના ચાહકોની સંખ્‍યા વધુઃ પુરોહિત :એવોર્ડ વિનીંગ ‘છેલ્લી ચા'એ ઇટાલીમાં કર્યુ નામ રોશનઃ રાજકોટમાં જ થયું છે શુટીંગ : નાટકો થકી જ ખુદને ઓળખી શકાય છે, નાટક એવી દુનિયા છે જ્‍યાં તમારો માહોલ તમે જાતે તૈયાર કરી શકો છો, નાટકો કલાકારને જીવંત રાખે છેઃ વિરાજ વિજય પાટડીયા : અભિનય સ્‍કૂલમાં ગયા વગર ઓડિશન આપી ટેલેન્‍ટના જોરે અભિનેત્રી બનેલી મોનાલી જોશી કહે છે-સપનાઓ જૂઓ, મહેનત કરો, સફળતા મળશે જ

‘છેલ્લી ચા'...દેશ વિદેશમાં લોકપ્રિય બનેલા ગુજરાતી વેબ શોના દિગ્‍દર્શક હારિતઋષી પુરોહિત અને અભિનેતા વિરાજ વિજય પાટડીયા તથા અભિનેત્રી મનાલી જોષી ‘અકિલા'ના અતિથી બન્‍યા હતાં. તેમની મુલાકાત લેતાં પત્રકાર ભાવેશ કુકડીયા અને સાથે શ્રી હિરેન સુબા નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: ‘ગુજરાતી સાહિત્‍ય અને ગુજરાતી દર્શકોનું ફલક ખુબ વિશાળ છે, ઉત્તમ ગુજરાતી કૃતિઓ થકી હમેંશા ગુજરાતી દર્શકોને નવું નવું આપતાં રહીએ અને ગુજરાતી સાહિત્‍યની સાથે સાથે ગુજરાતી કલાકારોને પણ વિશ્વ ફલક પર મુકી શકાય તેવું કામ કરીએ તેવો અમારો પ્રયાસ છે, આ પ્રયાસને દિશા પણ મળી ચુકી છે. અમારી ગુજરાતી વેબ સિરીઝ  છેલ્લી ચા સિઝન-૨ને દેશમાં જ નહિ વિદેશમાં પણ અનોખો આવકાર મળ્‍યો છે, ઇટાલીમાં એવોર્ડ મળ્‍યો છે...આ કારણે રાજકોટનું નામ રોશન થયું છે, હજુ પણ અમે આ પ્રયાસોને દિશા આપવાનું અમારું કામ ચાલી રાખીશું અને ગુજરાતી સાહિત્‍યને ફિલ્‍મો અને વેબ શો થકી દર્શકો-દુનિયા સમક્ષ મુકતા રહીશું. વેબ શોનું ભવિષ્‍ય ખુબ જ ઉજળુ છે'....આ વાત રાજકોટના જાણીતા લેખક-દિગ્‍દર્શક ‘છેલ્લી ચા' ફેઇમ હારિતઋષી પુરોહિતે ‘અકિલા' ખાતે જણાવી હતી. તેમની સાથે આ સિરીઝના મુખ્‍ય અભિેનતા વિરાજ પાટડીયા અને અભિનેત્રી મનાલી જોષી પણ સામેલ થયા હતાં.

હારિતઋષી પુરોહિત રાજકોટના જ વતની છે અને અગાઉ આપણે તો ધીરૂભાઇ, લેટ ધેમ પ્‍લે જેવી કૃતિઓ આપી ચુક્‍યા છે. એ પછી તેમની સિરીઝ છેલ્લી ચાએ ગુજરાતી દર્શકોને ઘેલુ લગાડયું હતું, હવે છેલ્લી ચાની બીજી સિઝન પણ આવી ચુકી છે અને દેશ વિદેશના દર્શકો તેને વધાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે-પ્રિયજન સાથે પીધેલી છેલ્લી ચાની કસક હંમેશા ગરમ રહેતી હોય છે. છેલ્લી ચાની નવી સિઝનમાં વર્ક પ્રેસર, ફેમિલી પ્રેસર અને રોમાંટિક અવઢવમાંથી જીવનનો અનોખો રસ્‍તો કાઢતા પ્રેમીઓની હૂંફાળી રજૂઆત છે. ગુજરાતી વાર્તાઓને હવે અનેક ફિલ્‍મ ફેસ્‍ટિવલ્‍સમાં આવકાર મળી રહ્યો છે. હારિતઋષી કહે છે ગુજરાતી ફિલ્‍મો કરતાં આજના ડિજીટલ માધ્‍યમ પરની ગુજરાતી વેબ સિરીઝને આજે વધુ દર્શકો મળી રહ્યા છે. આ કદાચ કોઇને ખુંચે એવી વાત હશે, પરંતુ આ હકિકત છે. લાખો લોકો આંગળીના ટેરવે દેશના કોઇપણ ખુણે બેઠા બેઠા વેબ શો નિહાળી શકે છે. છેલ્લી ચાને પણ આ રીતે વિદેશમાં ચાહના મળી છે. વેબ શોનું ભવિષ્‍ય ખુબ જ ઉજ્જવળ છે. નવા કલાકારો, નવી કહાનીઓ, નવા ટેલેન્‍ટ આ માધ્‍યમને કારણે બહાર આવી રહ્યા છે તે ખુબ સારી વાત છે. વેબ શો કદી ખતમ થવાના જ નથી.

રાજકોટનું નામ રોશન કરનારા લેખક-દિગ્‍દર્શક હારિતઋષી પુરોહિતે  વાતચીતમાં કહ્યું કે મેં કારકિર્દીની શરૂઆત એડવર્ટાઇઝીંગના કામથી કરી હતી. પણ મારું લક્ષ્ય ફિલ્‍મ સુધી પહોંચવાનું હતું. એ પછી મે આપણે તો ધીરૂભાઇ આપી. એ ફિલ્‍મ સતત ત્રણ મહિના હાઉસફુલ ચાલી હતી. મારો ઉદ્દેશ રાજકોટના જ કલાકારોને ટેકનીશીયનો અને સંગીતકારો સહિતનાને આ ફિલ્‍ડમાં આગળ વધારવાનો ઇરાદો હતો. આ કારણે જ છેલ્લી ચા શોમાં બધા જ કલાકારો, કસબીઓ રાજકોટના જ છે.  મારી ઇચ્‍છા ગુજરાતી સાહિત્‍ય અને ગુજરાતી કલાકારોને વિશ્વ ફલક પર લઇ જવાની છે અને તેની શરૂઆત કરી દીધી છે. આગામી સમયમાં મારી હિન્‍દી ફિલ્‍મ આવી રહી છે જેનું નિર્દેશન હું કરી રહ્યો છું. ગુજરાતી ફિલ્‍મની સ્‍ક્રિપ્‍ટ લખી રહ્યો છું. ગુજરાતી સાહિત્‍યમાં એવું ઘણુ ઘણુ છે, અનેક કૃતિઓ છે જેના પરથી વેબ શો અને ફિલ્‍મો બનાવીને આપણા ગુજરાતી સાહિત્‍યને વિશ્વ ફલક પર મુકી શકાય. ગુજરાતી કલાકારોને પણ આ રીતે આગળ વધારી શકાય. આખી દુનિયા ગુજરાતી સાહિત્‍ય અને કલાકારોને ઓળખે એ ધ્‍યેય છે.

ઉલ્લેખનિય છે કે છેલ્લી ચા વેબ શોને સિંગાપોર, ઇટાલીમાં બેસ્‍ટ વેબ સિરીઝ અને ડીરેક્‍ટરનો અવોર્ડ મળ્‍યો છે. ઉલ્લેખનિય છે કે લોકલ ટુ ગ્‍લોબલ ફિલ્‍મ ઉદ્યોગમાં કામ કરતા રાજકોટના જ હારિતઋષિ પુરોહિતની આપણે તો ધીરૂભાઈ, લેટ ઘમ પ્‍લે થિએટર, ડિજિટલ પ્‍લેટફોર્મ અને અનેક ફિલ્‍મ ફેસ્‍ટિવલ્‍સમાં સ્‍થાન મેળવી ચુકી છે.

રાજકોટના જ કલાકારો અને કસબીઓને લઇને બનાવેલ છેલ્લી ચા વિશાળ વર્ગ સુધી પહોંચી રહી છે. અનેક એડ ડોકયુમેન્‍ટરી બનાવનાર સેવન્‍થ સેન્‍સ કોન્‍સેપ્‍ટ બેનર તળે આ વેબ સિરીઝ બની છે. આ સિરીઝના નિર્માતા ભાર્ગવ ત્રિવેદી છે. જ્‍યારે  વિરાજ વિજય પાટડીયા, મનાલી જોષી, વૃંદા નથવાણી, શ્રુંગાર રૂઘાણી, હુશેન પોપટીયા, હીના ભટ્ટ, ભવિતા જેઠવા, ચેતન છાયા, મનિષ પારેખે અભિનય આપ્‍યો છે.

કેમેરામેન જય નથવાણી છે, સંગીત જયદિપ રાવલનું અને ગીતો અલ્‍પેશ (પાગલ)ના છે. હેર અને મેકઅપમાં અંજલી દેસાઇ, એડિટર તરીકે આકાશ મેવાડવા, ઉદ્દઘાષક તરીકે વિશાલ ભટ્ટ, સહાયક નિર્માતા તરીકે કૃણાલ ભટ્ટ, મુખ્‍ય સહાયક દિગ્‍દર્શક તરીકે અનેરી કારીયા, સહાયક કેમેરામેન તરીકે યોગેશ સોલંકીએ કામ કર્યુ છે. છેલ્લી ચા સિઝન-૨ યુ  ટયુબ ઉપર https://www.youtube.com/charitrushipurohit કોઇપણ દેશમાં જોઇ શકાય છે.

છેલ્લી ચા સિઝન-૨ના અભિનેતા વિરાજ વિજય પાટડીયા ૨૦૧૭માં મિસ્‍ટર ગુજરાતી વિજેતા છે. તેણે અનેક નાટકો અને આવ તારુ કરી નાંખુ, ધન્‍ત્‍યા ઓપન જેવી ગુજરાતી ફિલ્‍મો કરી છે. છેલ્લી ચાની બંને સિઝનમાં તેણે મુખ્‍ય અભિનેતા તરીકે ખુબ ચાહના મેળવી છે. રાજકોટના જ વતની વિરાજે કહ્યું હતું કે પિતા અને દાદા તરફથી મને અભિનયની દુનિયામાં એન્‍ટ્રી કરવાની પ્રેરણા મળી છે. હું અગિયારમું ભણતો હતો ત્‍યારે સોળ વર્ષની ઉમરે જ બાળક કલાકાર તરીકે કામ કર્યુ હતું. એ પછી નાટકોની દુનિયામાં મેં ઘણા નાટકો કર્યા છે. વીટીવી ગુજરાતીના ક્રાઇમ શોમાં પણ કામ કર્યુ હતું. છેલ્લી ચાના ઓડિશનમાં હું સામેલ થયો હતો અને મને પસંદ કરી લેવાયો હતો.

વિરાજ કહે છે નાટકો મારી પહેલી પસંદ છે, નાટકો થકી જ ખુદને ઓળખી શકાય છે. નાટક એવી દુનિયા છે જ્‍યાં તમારો માહોલ તમે જાતે તૈયાર કરી શકો છોૈ. નાટકો કલાકારને જીવંત રાખે છે.

અભિનેત્રી મનાલી જોષી પણ રાજકોટની જ છે. તે કહે છે સ્‍કૂલ કોલેજકાળમાં હું ડાન્‍સ, ડ્રામામાં ભાગ લેતી હતી. મારી ઇચ્‍છા પહેલેથી જ અભિનયની દુનિયામાં આવવાની હતી. છેલ્લી ચા થકી મારી ઇચ્‍છા પુરી થઇ અને હવે આ ફિલ્‍ડમાં આગળ વધી રહી છું. કોઇ પણ એક્‍ટીંગ સ્‍કૂલમાં મેં તાલિમ લીધી નથી કે કોઇ અનુભવ પણ મેં કદી લીધો નહોતો. ઓડિશન આપીને મારી ટેલેન્‍ટના જોરે હું છેલ્લી ચાની બંને સીઝનમાં મુખ્‍ય અભિનેત્રી તરીકે સામેલ થઇ છું. આ એક બિન્‍દાસ છોકરી છે અને મારા આ પાત્રએ ખુબ લોકચાહના મેળવી છે. વિરાજ અને મનાલી અભિનયની દુનિયામાં આવવા ઇચ્‍છતા યુવક યુવતિઓને મેસેજ આપતાં કહ્યું હતું કે આ ફિલ્‍ડમાં આવો ચોક્કસપણે પરંતુ આ માટે તમારે મહેનત કરવી પડશે. ઓડિશન આપતાં રહતો, પરિણામની ચિંતા ન કરો. તમારી જાત પર વિશ્વાસ મુકો, સપનાઓ જુઓ અને તેને પુરા કરવાનો પ્રયાસ કરો, મહેનત કરો, સફળતા ચોક્કસ મળશે જ.

અંતમાં હારિતઋષી પુરોહિતે કહ્યું કે ડિજીટલ મિડીયા પાવરફુલ છે જેના થકી તમે રાજકોટ બેઠા બેઠા દુનિયાના કોઇપણ ખુણે પહોંચી શકો છો. છેલ્લી ચા સિઝન-૨માં અમે ડાયલોગ્‍સની ભરમાર કરતાં અભિનય કરીને વધુ સમજાવ્‍યું છે. મુલાકાતમાં  શ્રી હિરેન સુબા પણ જોડાયા હતાં.

(12:31 pm IST)