રાજકોટ
News of Thursday, 1st October 2020

સાડી ઉપર પીપીઇ કીટ પહેરી સિવિલમાં ૮ કલાક સુધી ફરજ બજાવે છે ૮ મહિલા

રાજકોટ તા. ૧ : રાજકોટ સિવિલ હોસ્પિટલના પેરામેડીકલ સ્ટાફમાં કાર્યરત ૮ મહિલાઓ સંસ્કૃતિની જાળવણી સાથે કોરોનાનાં દર્દીઓની સેવા કરે છે. પ્રશ્ન થાય કે કઈ રીતે ? ભારતીય સંસ્કૃતિ પ્રમાણે  સ્ત્રીઓ સાડીનો પોશાક ધારણ કરે છે, આ પ્રથાને અનુસરી સંસ્કૃતિના સન્માનને જાળવી આ મહિલાઓ ૮-૮ કલાક સુધી સાડી પર PPE કીટ પહેરીને હોસ્પિટલમાં કાર્ય કરે છે.

સામાન્ય રીતે વ્યકિતને PPE કીટ પહેર્યા બાદ અસહ્ય ગરમીનો તો સામનો કરવો જ પડે છે. ફરજ પુરી થયા બાદ  PPE કીટ ઉતારને તેને નષ્ટ કરી દેવાય છે. જેથી તે પહેરનારને કે અન્યને ચેપ ન લાગે. આથી ફરજ દરમિયાન ૮ કલાક સતત PPE કીટ પહેરી રાખવી પડે છે. સાથોસાથ જયાં સુધી PPE કીટ પહેરી છે, ત્યાં સુધી કોઇ પણ દૈનિક કાર્ય કરી શકાય નહીં.., આ બધું સહન કરીને આ વિરાંગનાઓ સાડી પર PPE કીટ પહેરે છે. અને નિરંતર ૮ કલાક કામ કરે છે. પોતાની કાર્યપ્રણાલી વિશે વાત કરતા સુધાબેન અનિલભાઈ વાઘેલા જણાવે છે કે, 'હું વોર્ડ નં-૫માં સાફ સફાઈ કરું છું, કોઈ દર્દી અશકત હોય અને તેનાથી બેડ પર ઉલ્ટી થઈ જાય કે ટોઇલેટ થઈ જાય તો હું તુરંત બેડશીટ બદલાવી નવી બેડશીટ ચડાવી દઉં છું. સાડી પર PPE કીટ પહેરીને સાફ સફાઈ કરવામાં થોડી મુશ્કેલી તો આવે છે પણ મારા ઘરની પરંપરા મુજબ મને સાડી પહેરીને કામ કરવામાં જરાય વાંધો નથી, મને તો ગર્વ છે કે હું કોરોનાના દર્દીઓની આ રીતે સેવા કરી શકું છું.' તો તેમના અન્ય સહકર્મી ભાનુબેન વાળા જણાવે છે કે, 'મારૂ કામ કોઈ દર્દી અશકત હોય તો તેમને જમાડવાનું, પાણી પીવડાવવાનું તથા સમયસર દવા તથા ઉકાળા આપવાનું છે અને જો જરૂર પડે તો દર્દીને ટોયલેટ કે બાથરૂમ માટે પણ હું લઈ જાઉં છું, સાડી પહેરીને કામ કરવું મારા માટે કઠિન નથી. આ તો આપણી સંસ્કૃતિ છે, અને તેને અપનાવવામાં શેની તકલીફ હોય' તેમની વાતમાં સુર પુરાવતા અને દેશની સંસ્કૃતિના મહત્વને જણાવતા દલ મુમતાઝબેન જણાવે છે કે 'ભારતીય નારીની આગવી ઓળખ સમી સાડી એ તો અમારો રોજીંદુ પરિધાન છે, તો દેશની સંસ્કૃતિનું મહત્વ સમજીને હું સાડી પર PPE કીટ પહેરીને જ મારું સાફ - સફાઈનું કાર્ય કરું છું. અને આ રીતે હું મારી સંસ્કૃતિ અને કોરોનાગ્રસ્ત દર્દીઓ બન્નેનું રક્ષણ કરું છું'

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોવિડ હોસ્પિટલમાં સુધાબેન, ભાનુબેન અને મુમતાઝબેન સહિતના ૮ બહેનો આ જ રીતે સાડી પર PPE કીટ પહેરીને કામ કરી રહ્યા છે. આમ સંસ્કૃતિની જાળવણીની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની નિષ્ઠાપૂર્વક સંભાળ રાખતા પેરામેડીકલ સ્ટાફના મહિલા કર્મીઓનું ઉત્તમ કાર્ય અનેકને માટે પ્રેરણારૂપ બન્યું છે.

(1:46 pm IST)