રાજકોટ
News of Thursday, 1st October 2020

પોપટ પરિવારના પાંચ સભ્યોએ કોરોના સામે મેળવ્યો વિજય

સમરસ કોવિડ સેન્ટરના વાતાવરણના કર્યા વખાણ

રાજકોટ તા. ૧ : આપણે ગમે ત્યારે કોઈ હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે તેની ટિપિકલ છબી આપણાં માનસપટ પર પહેલેથી જ રહેલી જ હોય છે કે ત્યાં બધાનાં ચહેરા પર ચિંતા જોવા મળે, સૌ કોઈ દોડાદોડીમાં જ હોય અને બધાનાં મનમાં એક અજાણ્યો ભય હોય. પરંતુ સમરસ કોવિડ કેર સેન્ટર આ વ્યાખ્યાથી અલિપ્ત સાબિત થયું છે તેમ કોરોનાને મ્હાત આપી પોતાનાં ઘરે પરત ફરનારા દર્દી લલિતભાઈ પોપટે જણાવ્યું હતું.

સુભાષનગરમાં વસતાં ૬૪ વર્ષીય લલિતભાઈ પોપટ સહિત તેમનાં પરિવારના ૫ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તા. ૧૯ ના રોજ લલિતભાઈને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતાં ટેસ્ટ કરાવ્યો ત્યાર બાદ તેઓ તેમના પત્ની અને પુત્ર મિતુલભાઈ સાથે સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયા હતા. બે દિવસ બાદ પરિવારના અન્ય ૩ સભ્યો રૂપિતભાઈ લલિતભાઈ પોપટ, તેમનાં પત્ની શ્રદ્ઘાબેન અને ૪ વર્ષની પુત્રી જેમીશાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા.

લલિતભાઈએ કહ્યું કે, 'સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન ત્યાંના તમામ આરોગ્યકર્મીઓનો ખુબ જ સારો સહકાર પ્રાપ્ત થયો હતો. ત્યાં ફરજ બજાવતા કોરોનાયોદ્ઘા દર્દીઓની તમામ સુવિધાઓ તેમજ જરૂરિયાતોની કાળજી રાખતાં હતાં.' કોરોનામુકત થયેલ પોપટ પરિવાર કહે છે કે 'કોરોનાથી ડરો નહીં લડો, તમારી હિંમત જોઈ કોરોના ડરીને ભાગી જશે.'

(1:43 pm IST)