રાજકોટ
News of Thursday, 1st February 2018

વિદેશમાં કાચુ દૂધ વેંચવું ગુનો બને છે

પેકીંગમાં વેચાતા દુધના વપરાશનો જ આગ્રહ રાખવોઃ માહી દૂધ

રાજકોટ : પ્રજાસત્તાક દિન નિમિતે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્્યૂસર કંપની દ્વારા સૌરાષ્ટ્ર- કચ્છના વિવિધ જિલ્લાઓની શાળાઓના બાળકોને સ્વચ્છ દૂધ અંગે તલસ્પર્શી માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા. બાળકોને સ્વાસ્થ્યપ્રદ દૂધ પીવાથી થતા ફાયદાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પોરબંદર ખાતે જવાહર નવોદય વિદ્યાલય, રાજકોટ ખાતે જી.ટી.શેઠ શાળા અને ઠકકરબાપા છાત્રાલય, મોરબી ખાતે આર્ય વિદ્યાલય, સુરેન્દ્રનગર ખાતે વન વર્લ્ડ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, અમરેલી ખાતે મોનાર્ક સ્કૂલ, ભાવનગર ખાતે સ્વામિનારાયણ વિદ્યા સ્કૂલ, જામનગર ખાતે સેંટ ફ્રાન્સીસ સ્કૂલ, ભુજ ખાતે સરકારી પ્રાથમિક શાળા અને જુનાગઢ ખાતે મેર કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીઓને પાશ્ચુરાઈઝડ દૂધ અંગે માહિતી આપવા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહી ડેરીના અધિકારીઓએ સ્વચ્છ દૂધ અંગે પ્રવચન અને કુપોષણના દુષણ સામે લડત આપવા હાકલ કરી હતી. કુપોષણ અને તેને લીધે થતા વિવિધ રોગો પાછળ કાચુ દૂધ કે ફેરીયાઓ દ્વારા વેંચાતા છુટક દૂધ મુખ્ય કારણ છે. લોકો એમ માને છે કે તેઓ તાજુ અને પૌષ્ટિક દૂધ પીએ છે પરંતણુ આવુ દૂધ ઉપયોગમાં લેવું તે સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક છે. કેનેડા અને યુરોપના અનેક દેશમાં આવું કાચુ કે છુટક દૂધ વેંચવું તે ગુન્હો બને છે. ફેરીયાઓ દ્વારા વેંચવામાં આવતા આવા છુટક દૂધમાં ભેળસેળ પણ સહેલાઈથી થઈ શકે છે અને તેના કારણે અનેક રોગો થાય છે. આ બધાથી બચવા માટે હંમેશા પાશ્ચુરાઈઝડ અને પેકિંગમાં વેંચાતા દૂધના વપરાશનો જ આગ્રહ રાખવો જોઈએ તેમ પણ માહી ડેરીના અધિકારીઓએ ઉપસ્થિત બાળકોને ઉદબોધન કરતા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દેશનો પ્રતિષ્ઠિત કવોલિટી એકસેલન્સ એવોર્ડ મેળનાર માહી ડેરી સૌરાષ્ટ્ર- કચ્છના ૨૮૦૦ ગામોના ૧,૧૭,૦૦૦ સભાસદ દૂધ ઉત્પાદકો પાસેથી સીધુ દૂધ એકત્રિત કરે છે. કંપની દ્વારા એકત્રીત કરાયેલું આ દૂધ ૧૦૮થી વધુ પરિક્ષણોમાંથી પસાર કરીને અતિ આધુનિક ડેરી પ્લાન્ટમાં પેક કરી વિતરીપ કરવામાં આવતા હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(4:02 pm IST)