Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

અજાણ્યા સ્થળે આપત્તિમાં ફસાવ ત્યારે ૧૦૮ની મોબાઇલ એપનો ઉપયોગ કરોઃ જીપીએસ તમને ગણતરીની મિનિટોમાં શોધી કાઢશે

રાજકોટમાં દરરોજના ૧૫૦થી વધુ ઇમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવે છેઃ સંક્રાંત જેવા તહેવારોમાં આ કેસો ૧૭૫ સુધી પહોંચી જાય છે

રાજકોટ તા. ૧૮ : ગુજરાતમાં ઈમરજન્સી અને ૧૦૮ નંબર બંને એકબીજાના પર્યાય બની ગયા છે, અકસ્માત કે અન્ય કોઇ પણ મુશ્કેલીના સમયમાં આ નંબર ડાયલ કરવાથી આપને ગણત્રીની મિનિટમાં મદદ મળી જશે જ, જેની ખાતરી આપે છે રાજય સરકારની આ સેવા.

૧૦૮ પર ફોન થતા જ ગુજરાત સરકારના હેલ્થ વિભાગ અને જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. દ્વારા નરોડા, અમદાવાદ ખાતે આવેલ કોલ સેન્ટર પર ૨૦૦ થી વધુ ઓપરેટર આપને સાંભળવા તૈયાર હોય છે. વધુમાં વધુ ચોથી રીંગ પર ફોન પીક અપ થઈ જ જાય છે કારણ કે ત્યાં ઓટોમેટિક પિક અપ સીસ્ટમ લાગેલ છે. તમારી મુશ્કેલીને અનુરૂપ બે થી અઢી મિનિટમાં લોકેશન મુજબ નજીકની ૧૦૮ એમ્બ્યુલન્સને ટાસ્ક સોપી દેવામાં આવે છે. શહેરમાં સરેરાશ ૮ થી ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫ મિનિટમાં એમ્બ્યુલન્સ જરૂરિયાત સ્થળે પહોંચી જ જાય છે તેમ રાજકોટ ખાતે ચાર્જ સંભાળતા પ્રોગ્રામ મેનેજર શ્રી બિપિન ભેટારીયા જણાવેલ છે.

સુવિધામાં એક કદમ આગળ વધતા હેલ્થ વિભાગ દ્વારા ઈમરજન્સી સેવા '૧૦૮'ડીજીટલ બનાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે '૧૦૮ ગુજરાત' મોબાઈલ એપ લોંચ કરવામાં આવી હતી. આ એપ થકી ફોન કોલ કરવાથી જી.પી.એસ.ની મદદથી તમારુ લોકેશન ટ્રેસ થઈ જાય છે, માટે જ તમે કોઈ હાઈવે કે અજાણ્યા સ્થળે હોવ ત્યારે એડ્રેસ આપવાની કડાકૂટ રહેતી નથી. નજીક સ્થળ પર જે ૧૦૮ એમ્બ્યુલન્સ હાજર હોય તેને તુરંત ડીપાર્ટમેન્ટ દ્વારા જાણ કરી આપવામાં આવે છે. મદદ માંગનાર વ્યકિત ફોનમાં જ ૧૦૮ એમ્બ્યુલન્સનું તેના સુધી પહોંચવાનું અંતર અને સમય ગુગલ મેપ દ્વારા જાણી શકાશે.  એપના ઉપયોગ માટે પ્લે સ્ટોર પરથી '૧૦૮ ગુજરાત'લખી ડાઉનલોડ કરી માત્ર એક વાર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.

૧૦૮ માત્ર અકસ્માતમાંજ ઉપયોગી છે તેવું નથી પરંતુ આગ લાગે ત્યારે પણ ૧૦૮ ની મદદ લઈ શકાય છે, કોલ પરથી નજીકના ફાયર સ્ટેશનને માહિતી પૂરી પાડવામાં આવે છે. તેમજ પોલીસ મદદ માટે પણ ૧૦૮ ડાયલ કરી શકાય છે તેમ પ્રોગ્રામ મેનેજર જણાવે છે.

ગુજરાતમાં ૫૮૫ અને રાજકોટમાં ૨૫ એમ્બ્યુલન્સ ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્યરત છે. ગુજરાતમાં રોજના ૩૩૦૦ થી વધુ અને રાજકોટમાં ૧૫૦ થી વધુ ઈમરજન્સી કેસ હેન્ડલ કરે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૪ લાખ ૨૧ હજાર જેટલા કેસમાં સેવા આપવામાં આવી છે જેના થકી લગભગ ૩૫ હજાર જેટલી માનવ જિંદગી બચાવવામાં આવી છે.

ઈમરજન્સીના કેસમાં સૌથી વધુ પ્રેગનન્સીના કેસ હોય છે ત્યાર બાદ ટ્રોમા, કાર્ડિયાક અને શ્વાસ અંગેના કેસ જોવા મળે છે. ઉત્ત્।રાયણ જેવા તહેવારોમાં ઈમરજન્સી કેસમાં રોજબરોજ કરતા ૩૦્રુ જેટલો વધારો જોવા મળતો હોવાનું અને તેના માટે વિશેષ તૈયારી કરવામાં આવે છે.

૧૦૮ એમ્બ્યુલન્સમાં તમામ પ્રકારની ઈમરજન્સીને પહોંચી વળવા વેન્ટીલેટર, ડી-ફેબ્રીલેટર, એ.ઈ.ડી સહીતના સાધનો હોય છે. સાથે પ્રત્યેક વાનમાં  પાઇલટ, ઈ.એમ.ટી. અને જરૂર પડ્યે  ઇઆરઆ તેમજ ડોકટર અને ફિલ્ડ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ હાજર હોય છે.  

હાલમાં રાજય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ સુરત, બરોડા, ભાવનગર, બનાસકાંઠામાં મૂંગા પશુ પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ નંબર પર ઈમરજન્સી સેવા પ્રાયોગિક ધોરણે શરુ કરવામાં આવી છે. જેમાં ૧૧ જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ ઉમેરવામાં આવશે.

'જીવ ત્યાં શિવ'સૂત્રને સાર્થક કરતા કરુણા અભિયાન સાથે રાજય સરકાર હરહંમેશ પ્રત્યેક જીવ સલામત રહે, સ્વસ્થ રહે તે માટે કાર્યરત રહી છે, જેનો પુરાવો ૧૦૮ અને ૧૯૬૨ ઈમરજન્સી સેવાઓ છે.

(3:46 pm IST)