Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

નવાગામની રંગીલા સોસાયટીમાં પરિણિતાના આપઘાત કેસમાં સાસરીયાનો નિર્દોષ-છુટકારો

રાજકોટ તા. ૧૮: રાજકોટની ભાગોળે આવેલ નવાગામ (આણંદપર) ની રંગીલા સોસાયટીમાં તા. ૧૦-૧-ર૦૧૬ના રોજ પોતાના ઘરે ગળાફાંસો લગાવીને પુત્રવધુએ આત્મહત્યા કરેલ હતી જે બનાવના અનુસંધાને મરણ જનારના પિતાએ સાસરીયા વાળાઓ વિરૂધ્ધ દહેજ મૃત્યુ વગેરે મતલબની ફરીયાદ કરેલ હતી જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તમામ સાસરીયા વાળાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામની ટૂંકમાં વિગત એવી છે કે, લગ્નના આઠેક માસ બાદ મરણ જનાર વસંતબેન એ પોતાના સાસરા પક્ષના ઘરે રંગીલા સોસાયટીમાં તા. ૧૦-૧-ર૦૧૬ના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની સાડીના છેડાને પંખા સાથે બાંધીને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરેલ હતી જે બનાવ સંબંધે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ અમલદારોએ અકસ્માત મોતની નોંધ કરીને સમગ્ર તપાસ કરેલ હતી.

આ બનાવના એકાદ વર્ષ બાદ તા. ૬-૧-ર૦૧૭ના રોજ મરણ જનારના પિતા જાદવભાઇ ડાભી એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી કે પોતાની દિકરી ગુજ. વસંતબેન એ પોતાના સાસરીયા તથા પતિના શારીરિક-માનસિક દુઃખ ત્રાસના કારણે આત્મહત્યા કરેલ હતી તેવા મતલબની વિગતવાર ફરીયાદ નોંધાવેલ. જેમાં ફરીયાદીએ મરણ જનારના (૧) પતિ અમિત ઉર્ફે પરસોતમ (ર) સસરા બોઘાભાઇ શામળાભાઇ ગોહિલ (૩) સાસુ હીરૂબેન બોઘાભાઇ ગોહિલ (૪) નણંદ મુકતાબેન બોઘાભાઇ ગોહિલના નામો આરોપીઓ તરીકે દર્શાવેલ હતાં.

આ કામના આરોપીઓના એડવોકેટ શ્રી કલ્પેશ એલ સાકરીયા એ બચાવ પક્ષે કોર્ટ સમક્ષ ધારદાર મૌખિક દલીલો કરી અને રજુઆતો કરેલી હતી જે રજુઆતો ધ્યાને લઇ સેશન્સ જજ શ્રી એમ. એમ. બાબી એ ચુકાદો આપેલ અને બચાવ પક્ષ તરફેની દલીલો માન્ય રાખી તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ-૩૦૬, ૪૯(ક), ૧૧૪ મુજબના ગુન્હા સંદર્ભે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

આ કામમાં આરોપીઓ તરફે બચાવ પક્ષે રાજકોટના યુવા ધારાશાસ્ત્રીઓ કલ્પેશ એલ. સાકરીયા, રાહુલ બી. મકવાણા, ભાવેશ આર. હાપલીયા, સતિષ પી. મુંગરા રોકાયેલ હતાં.

(3:33 pm IST)