Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદરના શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શરૂ થયેલ રાજકોટના

પંચનાથ મહાદેવ મંદિરની સંસ્કૃત સંભાષણ પાઠશાળાની બીજી બેચમાં પ્રવેશ કાર્ય શરૂ

રાજકોટ,તા.૧૮ : શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ, રાજકોટ અને સંદીપની વિદ્યાનિકેતન, પોરબંદરના સંયુકત ઉપક્રમે રમેશભાઈ ઓઝા- ભાઈશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સને ૨૦૧૭થી પંચનાથ મહાદેવ મંદિર ખાતે સંસ્કૃત સંભાષણ વર્ગ-પાઠશાળા શરૂ થયેલ છે, જેની પ્રથમ બેચ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

 વિશ્વની પ્રાચીન દેવભાષા સંસ્કૃતને વર્તમાનમાં ઉજાગર કરવાનું શિક્ષા અભિયાન પંચનાથ મંદિર ટ્રસ્ટે હાથ ધર્યું છે. રાજકોટમાં વિતેલાં વર્ષે શરૂ થયેલ સંસ્કૃત શિક્ષા પાઠશાળાની વિસ્તૃત વિગતો આપતાં ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ જણાવે છે કે, પંચનાથ મંદિર ખાતે શરૂ થયેલ આ સંસ્કૃત સંભાષણ વર્ગ- પાઠશાળાનો સમયગાળો ૬ માસનો છે. આ સમય દરમ્યાન દર રવિવારે સવારે ૧૦ થી ૧૨બે કલાક સંસ્કૃત ભાષાનું પાયેથી પ્રશિક્ષણ આપવામાં આવે છે.

પ્રથમ બેચ ડિસેમ્બર- ૨૦૧૭માં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. પાઠશાળામાં સંસ્કૃત શિક્ષાના વર્ગો સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જેમાં ૭ વર્ષની ઉપરની કોઈ પણ બાળકો પ્રવેશ મેળવી શકે છે, આ પાઠશાળમાં સિનિયર સીટીઝન્સ- વડીલો પણ આવકાર્ય છે. પ્રવેશ મેળવવામાં અન્ય કોઈ વયમર્યાદા નથી.સંસ્કૃત પાઠશાળાની બીજી શરૂ થવા જઈ રહી છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા જિજ્ઞાસુ શિક્ષાર્થીઓએ આગામી ૨૧, જાન્યુઆરી રવિવાર સુધીમાં નિયત પ્રવેશફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. ફોર્મ માટે પંચનાથ મંદિર કાર્યાલયનો સંપર્ક કરવો વર્ગો કયારે શરૂ થશે તેની જાણ ફોન દ્વારા કરવામાં આવશે. શરૂ થયે દરેક પ્રવેશાર્થીને બીજી બેચનું ટાઈમ ટેબલ આપવામાં આવશે.સંસ્કૃતના આ અભ્યાસ વર્ગમાં સાંદીપની વિદ્યાનિકેતનના ભૂતપૂર્વ ઋષિકુમારો, ચોટીલા સરકારી કોલેજના સંસ્કૃતના તજજ્ઞ પ્રોફેસર ડો.જગતભાઈ તેરૈયા તથા હરેશભાઈ જોષી અધ્યયનની સેવાઓ આપશે. ભાઈશ્રી દ્વારા છેલ્લાં બે વર્ષમાં રાજકોટમાં મેટોડા મણિદ્વીપ મંદિર ખાતે સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે, જયાં સંસ્કૃત વ્યાકરણ, વેદ, કર્મકાંડ જેવા વિષયોમાં બ્રહ્મ બટુકો તૈયાર થઈ રહ્યા છે.રાજકોટની જિજ્ઞાષુ જનતા, વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, વાલીઓ સંસ્કૃત પ્રેમીઓને પંચનાથ મંદિર ખાતે શરૂ થયેલ સંસ્કૃત સંભાષણ પાઠશાળાનો લાભ લેવા પંચનાથ ટ્રસ્ટ(ફોન ૦૨૮૧-૨૨૩૧૨૧૫)ના ટ્રસ્ટી મીતેષભાઈ વ્યાસ ની યાદીમાં જાહેર અનુરોધ કરાયો છે.

(3:13 pm IST)