Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ચૂંટણી ઓળખકાર્ડમાં રહેલ 'જન્મતારીખ' હવે 'આધાર' નહિં ગણાય!!

રાજય સરકારના જબરા નિર્ણય અને પરિપત્રથી હજારો ફેમેલી પેન્શનરોમાં ભારે દોડધામ : ફાટી નીકળેલો રોષ : ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અને ૧૦૦ના સ્લેબમાં સરકારને લાખો રૂ.ની નુકશાની જતી'તી : તે અટકાવવા અગાઉનો પરિપત્ર રદ્દ કરી નાખ્યો :દરેક મામલતદાર કચેરી તથા તિજોરી કચેરી ખાતે પૂછપરછનો દોર : આ વખતથી જન્મ તારીખનો બીજો આધાર બતાવવો ફરજીયાત

રાજકોટ, તા. ૧૮ : રાજય સરકારે એક મહત્વનો પરિપત્ર ઈસ્યુ કરી અગાઉનો પરિપત્ર રદ્દ કરતી જાહેરાત કરતી વિગતો સાથેનો નવો પરિપત્ર દરેક કલેકટરો - ડે. કલેકટરો - મામલતદારોને અને તિજોરી કચેરીને ફાળવી દઈ તે પ્રમાણે આગામી માસથી અમલવારી કરવાની સુચના આપતા મોટી હલચલ મચી જવા પામી છે.

તિજોરીના કચેરીના ટોચના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, રાજય સરકારે ચૂંટણી ઓળખકાર્ડમાં રહેલ જન્મ તારીખ હવે આધાર નહિં ગણાય તેવો પરિપત્ર ઈસ્યુ કર્યો છે અને તેની અમલવારી શરૂ કરી દેવા સુચના આપી છે.

સરકારના આ નિર્ણયથી રાજકોટ શહેર - જીલ્લાના અને રાજયના હજારો ફેમેલી પેન્શનરોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જબરો રોષ ફાટી નીકળ્યો છે. સરકારી કર્મચારીઓને વાંધો નથી, પરંતુ ફેમેલી પેન્શનરો - પ્રાયવેટ બોર્ડ - નિગમના પેન્શનરોને મોટી તકલીફ ઉભી થઈ છે, આ પરિપત્ર સંદર્ભે દરેક મામલતદાર કચેરી - તિજોરી કચેરીમાં આવા પેન્શનરો દ્વારા પૂછપરછનો દોર શરૂ થયો છે. હવે ચૂંટણી ઓળખપત્ર કાર્ડમાં રહેલ જન્મતારીખનો પુરાવો આધાર નહી ગણાય તેમ હોય, ફરજીયાતપણે જન્મતારીખનો બીજો આધાર ગણવો પડશે, અમુક પાસે ન પણ હોય તેવુ બને તેવી શકયતા છે.

તિજોરી કચેરીના સાધનોએ ઉમેર્યુ હતું કે પેન્શનમાં ૧૦-૨૦-૩૦-૫૦ અને ૧૦૦ એમ સ્લેબ છે, તે પ્રમાણે પેન્શન ચૂકવવામાં આવે છે. હવે જન્મ તારીખનો આધાર ચૂંટણીકાર્ડનો ગણવામાં આવતો તેનાથી સંખ્યાબંધ પેન્શનરોએ પોતાની વય વધારી દિધાના પગલા સામે આવ્યા હતા, ૧૦ થી ૨૦ વર્ષે ઉમેરી દીધાનું બહાર આવ્યુ હતું. સરકારને લાખો - કરોડોની આમા દર મહિને ખોટ જતી આ નિવારવા સરકારે ઓળખપત્ર કાર્ડમાં રહેલ જન્મ તારીખનો આધારનો પુરાવાનો પરિપત્ર રદ્દ કરી નાખતો હુકમ કર્યો છે, હવે સાચી બાબતો - ઉજાગર થશે તેમ આ સરકારી સાધનો ઉમેરી રહ્યા છે.

(3:12 pm IST)