Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ધરાર પ્રેમીના ફોનની ઘરમાં જાણ ન કરતાં ખાંટ પરિણીતા ફસાઇઃ ભાવેશે ધમકાવીને રોકડ તથા દાગીના પડાવી લીધા

પહેલો ફોન આવ્યો-હું તમને ઓળખુ છું, મિત્રતા રાખવી છે, બીજા ફોનમાં કહ્યું-હું ભાવેશ આહિર, પરણેલો છું પણ તમારા માટે મારી ઘરવાળીને છોડી દઇશ!...પછી વારંવાર ફોન કરી પતિ-બાળકોને મારી નાંખવાની ધમકી દઇ બ્લેકમેઇલ કરી : ધમકીઓથી ગભરાઇ અને પીછો છૂટે એ માટે પરિણીતાએ ભાવેશ આહિરના કહેવાથી પોતાના દાગીના-રોકડ બહેનપણી અને તેના પરિવારજનો ઓળવી ગયાની ખોટી અરજી પણ કરી'તીઃ ગીતાનગરનો ચર્ચા જગાવતો કિસ્સોઃ માલવીયાનગર પોલીસે આરંભી તપાસ : ભાવેશ આહિર ઝડપાયા બાદ સત્ય ખુલશેઃ મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ જકાતનાકા સામે ગીતાનગરમાં રહેતી ખાંટ પરિણીતાને ફોન કરી 'હું તમને ઓળખુ છું, તમારા ઘર સામે સ્ટેશનરીની દૂકાને આવુ છું, તમારી સાથે મિત્રતા કરવી છે...તમારી સાથે સંબંધ રાખવા ગમે તે કરીશ, મારી પત્નિને છોડી દઇશ અને તારા પતિ-સંતાનોને મારી નાંખીશ...' તેવી ધમકીઓ આપી બાદમાં તેણી પાસેથી રોકડા રૂ. ૧,૮૦,૦૦૦ અને ૬ લાખના સોનાના દાગીના કટકે-કટકે પડાવી લેનાર લક્ષ્મીવાડીના આહિર શખ્સ સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વળી આહિર  શખ્સે આ પરિણીતાને તેના પતિ-સાસરિયા ઘરમાંથી રોકડ-દાગીના કયાં ગયા? તે બાબતે પુછે તો છેતરપીંડીથી આ દાગીના-રોકડ બહેનપણી અને તેના પરિવારજનો લઇ ગયા તેમ જણાવી દેવા કહી આ બાબતની ખોટી અરજી પણ પોલીસ મથકમાં કરાવી દીધી હતી! ઘટનામાં ખરેખર તથ્ય શું? તે આહિર શખ્સ પકડાયા બાદ બહાર આવશે. એફઆઇઆર જોતાં એમ કહી શકાય કે પરિણીતાને જ્યારે પહેલો ફોન આવ્યો ત્યારે જ પતિ-સાસરિયાને જાણ કરી દીધી હોત તો કદાચ વાત અહિ સુધી પહોંચી ન હોત.

માલવીયાનગર પોલીસે હાલ ગીતાનગર-૮માં રહેતી તારંગીબેન ચેતનભાઇ કંડોલીયા (ઉ.૩૪) નામની ખાંટ મહિલાની ફરિયાદ પરથી લક્ષ્મીવાડી બોલબાલા મંદિર આગળ રઘુનંદન ફલેટમાં રહેતાં ભાવેશ આહિર તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. પરિણીતાએ જણાવ્યું છે કે હું પતિ અને બાળકો સહિતના પરિવાર સાથે રહુ છું. મેં અગાઉ ૪/૧/૧૮ના રોજ એક અરજી માલવીયાનગર પોલીસમાં કરી હતી. જેમાં જયશ્રીબેન કાકડીયા, ભાવેશભાઇ કાકડીયા, અલ્પાબેન કાકડીયા અને વિઠ્ઠલભાઇ ખુંટના નામ આપ્યા હતાં. આ લોકોને મેં રૂ. ૧,૮૦,૦૦૦ તથા છ લાખના દાગીના મદદ માટે આપ્યા બાદ પાછા ન આપી છેતરપીંડી કરી હોવાનું અરજીમાં જણાવ્યું હતું. જો કે આ અરજી ખોટી હોવાનું અને એ અરજી મેં લક્ષ્મીવાડીના ભાવેશ આહિરના કહેવાથી કરી હતી.

પરિણીતાએ આગળ જણાવ્યું છે કે ભાવેશ આહિર મને, મારા પતિ અને બાળકોને મારી નાંખવાની અને પોતાની સાથે પરાણે સંબંધ રાખવાની ધમકી આપતો હોઇ તેમજ તેણે મારી પાસેથી આ રોકડ-દાગીના પડાવ્યા હોઇ મારા પતિ-સાસરિયા આ બાબતે પુછે તો તેને ખોટુ જણાવી દેવા ભાવેશ આહિરે કહ્યું હોવાથી આ ખોટી અરજી કરી હતી. સાચી વિગતો એવી છે કે ખુદ ભાવેશ આહિરે જ મારી પાસેથી આ પૈસા-દાગીના પડાવ્યા છે.

૨૦/૧૧/૧૭ના રોજ મારા મોબાઇલ ફોન પર એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે મને કહેલ કે 'હું તમને ઓળખુ છું, તમારા ઘરની સામે ક્રિષ્ના સ્ટેશનરી છે ત્યાં આવુ છું અને મારે તમારી સાથે મિત્રતા કરવી છે.' આવી વાત થતાં મેં તેને ના પાડી બીજીવાર ફોન નહિ કરવા કહી ફોન કટ કરી નાંખ્યો હતો. પણ ૨૧/૧૧ના ફરીથી તેણે ફોન કરી કહેલ કે હું ભાવેશ આહિર છું અને મારા લગ્ન થઇ ગયા છે. મારી પત્નિને પણ હું છોડવા તૈયાર છું. મારે તમારી સાથે મિત્રતા રાખવી છે. મેં ફોન કાપી નાંખતા ૨૪/૧૧ના ફરીથી ફોન આવેલ અને કહેલ કે હું ગમે તેમ કરીને તારી સાથે સંબંધ રાખીશ, તેના માટે મારે ગમે તેમ કરવું પડે તો કરીશ. તારા પતિ-બાળકોને પણ મારી નાંખીશ. તેમ કહેતાં મેં કહેલ કે હું તારાથી ગભરાતી નથી. ત્યારપછી ૨૮/૧૧ના તેણે ફરીથી ફોન કરેલ અને કહેલ કે હું કહું તેમ તારે કરવાનું છે. આમ કહી અવાર-નવાર ફોન કરતો હતો. મેં બદનામીના બીકે પતિ-સસરાને કે માવતર પક્ષને જાણ કરી નહોતી.

ત્યાર પછી ભાવેશ તેના ફોન ઉપરાંત બીજા નંબરો પરથી વારંવાર ફોન કરી મને તેની સાથે ધરાર મિત્રતા રાખવા દબાણ કરતો હતો. તેણે એવી ધમકી પણ આપી હતી કે તારે પતિ-છોકરાઓને જીવતા જોવા હોય તો મને પૈસા આપ. તેમ કહી તેણે બે લાખ માંગ્યા હતાં. હું ખુબ ગભરાઇ ગઇ હતી આથી મેં મારા પતિના બર્થ ડે ઉપર તેને બાઇક-મોબાઇલની ગિફટ આપવી હોઇ તેના એટીએમમાંથી કટકે-કટકે રૂ. ૧,૮૦,૦૦૦ ભેગા કર્યા હોઇ તેમાંથી ૧૨/૧૨/૧૭ના રોજ ભાવેશને પંચશીલ સોસાયટીના હોલ પાસે બોલાવી રૂ. ૧ લાખ આપી દઇ પીછો છોડી દેવા અને હવે ખોટા ફોન નહિ કરવા સમજાવ્યો હતો. પરંતુ ૧૪/૧૨ના તેણે ફરીથી ફોન કરી ધમકી આપી બીજા પૈસા માંગતા મેં ૮૦ હજાર વધારાના આપ્યા હતાં. એ પછી પણ તેના ફોન સતત ચાલુ હતાં અને ધમકીઓ ચાલુ રાખી હતી.

ભાવેશે ફરીથી ફોન કરી ઘરમાં સોનાના દાગીના તો છે ને? એ આપ તેમ કહેતાં મેં ઘરમાંથી  મંગળસુત્ર, બુટી સહિતના દાગીના ૨૦/૧૨ના રોજ ભાવેશને દોશી હોસ્પિટલવાળી શેરીમાં બોલાવીને આપ્યા હતાં. ત્યારે મેં તેને મારા પતિ-બાળકોને કંઇ ન કરવા આજીજી કરી હતી અને પીછો છોડી દેવા કહ્યું હતું. ત્યારે ભાવેશે હવે હું હેરાન નહિ કરું તેમ કહેલ. પણ થોડા દિવસ બાદ ફરીથી ફોન ચાલુ થઇ ગયેલ અને ૨૧/૧૨ના રોજ તેણે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી જો હું ન માનુ તો મારા પતિ-બાળકોને મારી નાંખશે તેમ કહેલ અને વધુ પૈસા-દાગીના માંગ્યા હતાં. આથી મેં સસરાની સોનાની વીંટી ચેઇન, સાસુનો ચેઇન, એક જોડી બુટી આપયા હતાં. ઘરમાં આ બાબતની વાત મેં ભયને લીધે કોઇને કરી નહોતી.

ભાવેશ ભય બતાવી રોકડ-દાગીના મળી કુલ રૂ. ૭,૮૦,૦૦૦ની મત્તા બળજબરીથી પડાવી ગયો હતો. મેં તેની પાસે આ દાગીના પાછા માંગવા ૨૩/૧૨ના ફોન કરી કહેલ કે મારા ઘરમાં ખબર પડશે તો માથાકુટ થશે. આથી તેણે કહેલ કે તું ઘરમાં કહી દેજે કે બહેનપણીને માંદગી સબબ જરૂર પડતાં રોકડ-દાગીના તેને મદદ માટે આપ્યા છે. આ રીતની વાત મેં બાદમાં મારા ઘરમાં કરી હતી. પણ રોકડ-દાગીના પાછા ન આવતાં મેં ભાવેશ આહિરના કહેવાથી જ જયશ્રીબેન કાકડીયા, ભાવેશભાઇ કાકડીયા, અલ્પાબેન કાકડીયા અને વિઠ્ઠલભાઇ ખુંટ મારી રોકડ અને દાગીના ઉછીના લઇ ગયા બાદ ઓળવી ગયાની અરજી કરી દીધી હતી. હકિકતે આ અરજીમાં જણાવ્યા મુજબની કોઇ વ્યકિત હતી જ નહિ. નામો ઉપજાવી કાઢી ખોટી અરજી કરી હતી. ઘરમાં પતિ-સસરાએ મારી વધુ પુછતાછ કરતાં મેં આ અરજી ખોટી હોવાની અને ભાવેશ આહિર ધરાર મિત્રતા રાખવાની ધમકીઓ આપી તેમજ શરીર સંબંધ બાંધવાનું કહી પતિ-બાળકોને મારી નાંખવાની ધમકીઓ આપતો હોવાથી તેને રોકડ-દાગીના આપી દીધાનું કબુલી લીધુ હતું. ત્યાર પછી અમે પોલીસ ફરિયાદ કરી હતી.

માલવીયાનગરના ઇન્ચાર્જ ડી.વી. દવે, પી.એસ.આઇ. એ.આર. મલેક, જાવેદભાઇ રિઝવીએ ગુનો નોંધી ભાવેશ આહિરને સકંજામાં લેવા તજવીજ આદરી છે. ફરિયાદ મુજબની ઘટના સાચી છે કે કેમ? તે જાણવા પોલીસે મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ પણ કઢાવી છે. ભાવેશ ઝડપાયા બાદ સાચી વિગતો ખુલશે.

હરિભાઇ ડાંગર અને શૈલેષભાઇ ડાંગર મારફત પણ ભાવેશને સમજાવવા પ્રયાસ થયો હતો

. આ પ્રકરણમાં ભોગ બનેલા મહિલાના પરિવારજનોએ વિસ્તારના સમાજ સેવક હરિભાઇ ડાંગર અને તેમના પુત્ર શૈલેષભાઇ ડાંગર મારફત પણ ભાવેશ આહિરને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સરખો જવાબ આપતો ન હોઇ અને રૂબરૂ મળતો પણ ન હોઇ અંતે ફરિયાદ કરવામાં આવી હતી. તેમ એફઆઇઆરમાં જણાવાયું છે.

(2:57 pm IST)