Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જંકશન રોડ પર રાત્રે ગીરગઢડાનો યુવાન લૂંટાયો?: ઘટનાનું તથ્ય તપાસતી પોલીસ

બે યુવાનના મોત થયાની અને લાશ લેવા આવ્યાની વાતો કરનાર હવે પોતે લૂંટાઇ ગયાનું કહી દાખલ થયો : બે દિ' પહેલા સિવિલ હોસ્પિટલમા પોતાનું નામ અશ્વિન આહિર જણાવનારે ગત રાત્રે પોતે મનિષ વાળંદ હોવાનું કહ્યું!: આ યુવાન ખરેખર કોણ?...શા માટે ખોટુ બોલ્યો?: પોલીસ ઉંડી ઉતરે તો સાચી વિગતો બહાર આવે

રાજકોટ તા. ૧૮: મુળ સુરતના અને હાલ સોમનાથ ગીરના ગીર ગઢડા ગામે રહેતો મનિષ નાથાભાઇ વાઢેર (ઉ.૨૪) નામનો વાળંદ યુવાન રાત્રે જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર પહેલા ગેઇટ પાસે હતો ત્યારે બાઇક પર આવેલા છ શખ્સો તેને માર મારી મોબાઇલ ફોન, રોકડ અને કપડાનો થેલો લૂંટી ગયાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જો કે આ યુવાને બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ઉનાના બે યુવાનના અસ્કમાતમાં મોત થયાની વાતો જણાવી હતી અને ત્યારે પોતાનું નામ પણ ખોટુ જણાવ્યું હતું. આવુ ખોટુ બોલવાનું કારણ શું? તે અંગે તપાસ થવી જરૂરી છે.

મોડી રાત્રે પોણા બે વાગ્યા આસપાસ એક યુવાન સિવિલ હોસ્પિટલે આવ્યો હતો અને પોતાને માર મારી લૂંટી લીધાનું જણાવતાં તબિબે પોલીસ ચોકીમાં જાણ કરતાં ચોકીના દેવરાજભાઇ અને ધીરેનભાઇ ગઢવીએ તેની એન્ટ્રી નોંધી પ્ર.નગરમાં જાણ કરી હતી. આ શખ્સે પોતાનું નામ મનિષ નાથાભાઇ વાઢેર (ઉ.૨૪-વાળંદ) (રહે. ગીર ગઢડા) જણાવ્યું હતું. તેમજ પોતે કોમ્પ્યુટર હાર્ડવેરનું કામ કરતો હોવાનું અને બે દિવસ પહેલા રાજકોટ ફરવા આવી ગેસ્ટ હાઉસમાં રોકાયાનું કહ્યું હતું.

પોતાને રાત્રે ગીરગઢડાના હરમડીયા ગામે માતાજીને છતર ચડાવવા જવું હોઇ હોસ્પિટલ ચોકમાં નાસ્તો કરી ચાલીને રેલ્વે સ્ટેશન જતો હતો ત્યારે જંકશન સ્ટેશન પાસે પાછળથી ત્રણ બાઇક પર આવેલા છ જેટલા શખ્સોએ માર મારી પછાડી દઇ મોબાઇલ ફોન, ૮ હજારની રોકડ, કપડાનો થેલો લૂંટી લીધાનું કહેતાં પીએસઆઇ જોગરાણાએ તેનું નિવેદન નોંધી ઘટના બની કે નહિ? તે અંગે તપાસ કરી હતી. આ યુવાને લૂંટારા પૈકીના પાંચ જણાએ બુકાની બાંધી હોવાનું અને એક શખ્સ ખુલ્લા મોઢે હોવાની વાત પણ કરી હતી.

જો કે આ શખ્સે બે દિવસ પહેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે પોતાનું નામ અશ્વિન આહિર હોવાનું અને ઉના પંથકના બે યુવાનના અકસ્માતમાં મોત નિપજ્યા હોઇ પોતે તેનો સગો હોવાનું કહ્યું હતું. જો કે  ત્યારે તેની પાસે કોઇ સામાન પણ નહોતો. હવે આ જ યુવાન પોતાને લૂંટી લીધાની રાવ સાથે દાખલ થતાં ચર્ચા જાગી છે. પોલીસ ઉંડી ઉતરે તો સત્ય બહાર આવે તેમ  છે.

(10:21 am IST)