Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જલારામ બાપામાં અતુટ શ્રધ્‍ધા ધરાવનાર ભકિતદીદીનું અવસાનઃ લૌકીક ક્રિયા બંધ

રાજકોટ :  માતૃ સમર્પણ આશ્રમ જલારામ મંદિર ઉપલેટા તથા વિરબાઇ અનાથ આશ્રમ રતનપર સહિત સંસ્‍થાના સંસ્‍થાપક ભકિતદીદીનું તા. ૧૮ ના વહેલી સવારે અવસાન થયું છે. તેમની સ્‍મશાન યાત્રા સવારે ૧૦ વાગ્‍યે જલારામ મંદિર, ઇન્‍દીરા સર્કલ પાસેથી મોટા મવા સ્‍મશાને નીકળી હતી. આજ રોજ સદગતની સ્‍મશાનયાત્રામાં મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ફર્ન હોટલના માલીક નીતીનભાઇ રાયચુરા, ગીરીરાજ હોસ્‍પીટલના રમેશભાઇ ઠક્કર, ડો.ચિરાગ માત્રવાડીયા, ડો.મયંક ઠક્કર, ડો. પોપટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટના જયેશભાઇ ઉપાધ્‍યાય, સુનીલભાઇ ઉપાધ્‍યાય તેમજ શહેરના જલારામબાપાના ભકતજનો, સમાજના અગ્રણીઓ તથા સગાસબંધીઓ બહોળી સંખ્‍યામાં જોડાયેલ હતા અને શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ હતી. માતૃ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટની યાદીમાં જણાવ્‍યા પ્રમાણે ભકિતદીદીની ઇચ્‍છા મુજબ જીવતા જગતીયું કરેલ હોવાથી સદગતનું ઉઠમણું-બેસણું સહીત તમામ પ્રકારની લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ભકિતદીદી નાની ઉંમરથી જ સમાજ સેવાના કાર્યમાં જોડાયેલ હતાં. (એમ. કોમ.-એલએલ.બી.)નો અભ્‍યાસ ધરાવતા ભકિતદીદીએ મોરબી રોડ પર રતનપરમાં વિરબાઇમાં અનાથ આશ્રમની સ્‍થાપના કરેલ છે. જેમાં હાલમાં ૪પ જેટલી દિકરીઓ આશ્રય લઇ રહી છે. આ ઉપરાંત જય જલારામ મંદિર ઉપલેટાના આંગણે દર વર્ષે ૧પ જરૂરીયાતમંદ દિકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. આવા ભગીરથ કાર્યો કરનાર ભકિતદીદી  છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતાં.

(4:09 pm IST)