Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વેદ સંહિતામાં વિશ્વકર્મા

વેદમાં વિશ્વકર્મા દ્વારા સૃષ્ટિસર્જનનું વર્ણન અજાયતા અગસ્સર્વ સૃષ્ટયાદૌ વિશ્વકર્મણ । સ રૂવ કર્તા વિશ્વસ્ય વિશ્વકર્મા જગત્પતિઃ ।।

શિલ્પ - સ્થાપત્યના દેવતાના રૂપમાં વિશ્વકર્માની જે માન્યતા છે તે બ્રાહ્મણગ્રંથો, ગૃહયસૂત્રો, વેદ, પુરાણ વગેરેની જ દેન છે પરંતુ આ માન્યતાની જડ ઋગ્વૈદિક કાળમાં પડી ચૂકી હતી. વૈદિક દેવતાઓમાં વિશ્વકર્માને વિશ્વનું સર્જન કરનાર અદ્વિતીય ગણાવ્યા છે. 'વિશ્વકર્મા વિશ્વદેવા મહા અસિ.' - ઋ. ૮-૯૨-૨.

અપૌરુષેય એવા ચતુર્વેદમાં મંડળક્રમાનુસાર ઋગ્વેદસંહિતા ૧૦ મંડળ, ૮૫ અનુવાક, ૧૦૨૮ સૂકત અને ૧૦,૫૮૦ મંત્રોમાં વિભાજિત છે. જે અંતર્ગત ૧૦માં મંડળના ૮૧ અને ૮૨ એ બંને સૂકતના દેવતા - વિશ્વકર્મા, ઋષિ - વિશ્વકર્મા ભૌવન તથા છંદ - ત્રિષ્ટુપ છે. આ સૂકતો સૃષ્ટિના વિલય અને સર્જન સંબંધિત માનવામાં આવે છે. અહીં વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ પુરૂષ તરીકે વર્ણવેલ છે.

ય ઇમા વિશ્વ ભુવનાનિ બુહ્યદુષિર્હોતાન્યસીદત્પિતા નઃ।

સ આશિષા દ્રવિણમિચ્છમાનઃ પ્રથમચ્છદવરાં આ વિવેશ ।। ૧ ।। 

અગ્નિનું આહ્વાન કરવાવાળા આપણા પિતા વિશ્વકર્મા સમસ્ત સંસારને અગ્નિમાં હવન માટે નાંખીને સ્વયં પોતે પણ તેમાં જ બેસી ગયા. તે સ્તુતિઓ દ્વારા સ્વર્ગરૂપી ધનની કામના કરતા હતા ત્યારે અગ્નિનું આચ્છાદન બન્યા અને પછી તેમાં જ પ્રવેશ કરી લીધો. ઋ.૧૦-૮૧-૧

વિશ્વતશ્ચક્ષુરુત વિશ્વતોમુખો વિશ્વતો બાહુરુત વિશ્વતસ્પાત્ ।

સં વાહુભ્યાં ધમતિ સં પતત્રૈદ્યાવાભૂમી જનયન્દવ એકઃ ।। ૩ ।।

વિશ્વકર્માની આંખો, મુખ, બાહુ અને ચરણો સમસ્ત તરફ ફેલાયેલા છે. તે દેવે એકલા જ બાહુઓ અને પગથી સારી રીતે ગતિ કરીને દ્યાવા (ધૃ લોક) અને ભૂમિને બનાવ્યા. - ઋ. ૧૦ - ૮૧ - ૩

અહીં એવો ભાવ ધ્વનિત થાય છે કે, વિશ્વકર્મા પરમાત્મા બધા પ્રાણીઓના પોષણ માટે સ્વયં જ મહાન પ્રકૃતિરૂપ યજ્ઞચક્ર સંપાદન કરે છે. પૃથ્વીને સ્થિર કરીને જીવન તત્વનો સંચાર કરનાર દેવની આંખો, મુખ, બાહુ અને ચરણો સમસ્ત દિશામાં ફેલાયેલા છે. તેવા દેવ સમસ્ત સૃષ્ટિના સર્જનના કારણરૂપ છે. 'વિશ્વકર્મા' નામ - વિશ્વને સર્જવારૂપ કર્મ કરનારા તથા વિશ્વના કલ્યાણ અર્થે કર્મ કરનાર દેવ એટલે 'વિશ્વકર્મા'. તેમના વિશ્વાત્મા, ત્વષ્ટા, દેવશિલ્પી જેવાં નામો લોકમાં પ્રચલિત છે. વિશ્વકર્મા સર્વસ્ય કર્તા (નિરૂકત ૧૦.૨૫)

વાચસ્પતિં વિશ્વકર્માણમૂતયે મનોજુવં વાજે અદ્યાહુવેમ ।

સ નો વિશ્વાનિ હવનાનિ જોષદ્વિશ્વમ્ભૂરવસે સાધુકર્મા ।। ૭ ।।

અમો મંત્રોની રક્ષા કરવાવાળા વિશ્વકર્માને આજે યજ્ઞમાં અમારી રક્ષા માટે અમે બોલાવીએ છીએ. તે માટે (સર્વના) અમારા સર્વ હવનોને સ્વીકારે અને અમારી રક્ષા માટે સર્વના સુખોત્પાદક અને યોગ્ય (સારા) કામ કરવાવાળા બને. - ઋ. ૧૦ - ૮૧ - ૭

વૈદિક કાળમાં યજ્ઞ ક્રિયાઓમાં પણ દેવતા વિશ્વકર્માનું સ્થાન હતું તે આ મંત્રો પરથી કહી શકાય.

ચક્ષુષઃ પિતા મનસા હિ ધીરો ધૃતમેને અજન્નમ્નમાને ।

ચદદન્તા અદદૃહન્ત પૂર્વ આદિદ દ્યાવાપૃથિવી અપ્રધેતામ્ ।। ૧ ।।

શરીરને ઉત્પન્ન કરવાવાળા સ્વયંને અદ્વિતીય સમજવાવાળા અને ધીરજ વિશ્વકર્માએ બધાની પહેલા જળને ઉત્પન્ન કર્યું. તેના પછી જળમાં આમ-તેમ ચાલવાવાળા દ્યાવા (ધૃ લોક) - પૃથ્વીનું નિર્માણ કર્યું. વિશ્વકર્માએ દ્યાવા (ધૃ લોક)  પૃથ્વીના પ્રાચીન તથા અંતિમ ભાગોને શોધીને પ્રસિધ્ધ (ફરીથી સ્થિર) કર્યા. - ઋ. ૧૦ - ૮૨ - ૧ -

વિશ્વકર્મા વિમના આદ્વિહાયા ધાતા વિધાતા પરમાત સંદૃક ।

તેષામિષ્ટાનિ સમિષા મદન્તિ યત્રાસપ્તઋષીન્પર એકમાહુઃ ।। ૨ ।।

વિશાળ મનવાળા વિશ્વકર્મા સ્વયં મહાન છે. તે સૃષ્ટિનું નિર્માણ કરવાવાળા, વૃષ્ટિકર્તા, શ્રેષ્ઠ અને સઘળુ જોવા વાળા છે. વિદ્વાનો કહે છે કે, સપ્તર્ષિઓથી પણ ઊંચા સ્થાનોને તે એકલા જ જોવા સમર્થ છે. તે સપ્તર્ષિઓની અભિલાષાઓ હવ્યાન્ન દ્વારા પૂર્ણ થાય છે. - ઋ. ૧૦ - ૮૨ - ૨

ઉપરોકત ઋચાઓમાં - વિશ્વકર્માએ સર્વપ્રથમ જળનું નિર્માણ કર્યું છે. જળએ જીવનની પરમ આવશ્યકતા છે. ત્યારબાદ પૃથ્વીને સ્થિર કરીને જીવતત્વનો સંચાર કર્યો. પૃથ્વીને સ્થિર કરી તેથી જ ભૂમિ કૃષિયોગ્ય બની અને અન્ન વગેરે પ્રાપ્ત થયું તેમજ ભુવનનિર્માણની ક્રિયા પણ સુયોગ્ય થવા માંડી.

અર્થવેદ અનુવાક-૬, કાંડ-૨, સૂકત ૩૫ના દેવતા - વિશ્વકર્મા, ઋષિ - અંગિરા, છંદ - ત્રિષ્ટુપ છે તેમજ અનુવાક-૧૨, કાંડ-૬, સૂકત ૧૨૨ના દેવતા - વિશ્વકર્મા, ઋષિ ભૃગુ, છંદ - ત્રિષ્ટુપ - જગતી છે. અર્થવેદના બંને સૂકતોમાં યજ્ઞસંબંધી વર્ણન જોવા મળે છે. ભાષ્યો, આરણ્યકો, ઉપનિષદો, નિરૂકત વગેરે વૈદિક ગ્રંથો વિશ્વકર્મા દેવતાને શ્રેષ્ઠ દેવતા તરીકે સ્વીકારે છે. પુરાણોમાં વિશ્વકર્મા વિષ્ણુ શિવ વગેરેના સહાયક તથા બ્રહ્મા સ્વરૂપે રહી સૃષ્ટિને સર્જનાર દેવ મનાયા છે. નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિ રંગમંચના કર્તા તરીકે શિલ્પ - સ્થાપત્યના દેવ વિશ્વકર્માને ગણાવે છે. શિલ્પસાર સાહિત્યના ગ્રંથોમાં મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને વિશ્વજ્ઞ વિશ્વકર્માના વંશજો માનવામાં આવે છે. મહાકવિ કાલિદાસ રઘુવંશમ્ મહાકાવ્યના સર્ગ ૧૨-૪૦ અને ૧૬-૪૬માં વિશ્વકર્માએ કુબેરને પુષ્પક વિમાન બનાવી ભેટમાં આપેલ જે રાવણે છીનવી લીધું હતું તેવું વર્ણન મળે છે. આવા વર્ણનોને કારણે જ ડો. ગૌતમ પટેલ જેવા વિદ્વાન કહે છે કે, 'વિશ્વકર્મા દેવતાઓના એન્જિનિયર છે.'

આમ, સંસ્કૃત સાહિત્યમાના અમૂલ્ય એવા વેદોમાં વિશ્વકર્માનું અન્ય દેવતાની જેમ શ્રેષ્ઠ સ્થાન છે તેમજ સૃષ્ટિના સર્જક તરીકે સ્થાન આપવામાં આવેલું છે.

ચુડાસમા સ્વાતી એચ.

સંસ્કૃત ભવન,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

મો. ૮૮૬૬૬ ૨૮૪૬૦

(10:17 am IST)