Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

હું નાત- જાતને ભૂલી ગયેલો માણસ છું, આખુ હિન્દુસ્તાન મારું ગામ છે, અઢાર વર્ણ મારા ભાઈભાંડું છે

આવું ગાઈ વગાડીને કહેનારા સરદાર વલ્લભભાઈ પટેલ અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. તેઓ કહેતા, ''કોઈપણ માણસને અસ્પૃશ્ય માનવો એ પાપ છે. અસ્પૃશ્યતા એ વહેમ છે. કૂતરાને અડીને નાહવું ન પડે, બિલાડીને અડીને નાહવું ન પડે, તો પછી જે આપણા જેવો માણસ છે તેને અડીને કેમ અભડાઈએ...!??''

અસ્પૃશ્યતા નાબૂદીના ગાંધીજીના અભિયાનને નકકર રીતે પરિણામલક્ષી બનાવવાના પ્રયત્નો સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા હતા. તેઓએ કહ્યું છે કે, ''હું નાતજાતમાં માનતો નથી. આખું હિન્દુસ્તાન મારૃં ગામ છે અને બધી કોમના લોકો મારા મિત્રો, સગાંવહાલા છે. બધા એક જ ઈશ્વરના સંતાન છે. મરી ગયા પછી કોઈ પૂછે છે કે આ મડદું બ્રાહ્મણનું છે કે ચમારનું ?''

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રસંગોમાંથી પસાર થતા તેમણે અસ્પૃશ્યતા નિવારણ માટે અને અંત્યજોના ઉદ્ઘાર માટે કરેલા પ્રયત્નોનો ખ્યાલ આવે છે.

૧૯૨૨ના નવેમ્બરમાં વલ્લભભાઈ પટેલની હાજરીમાં કાઠીયાવાડ રાજકીય પરિષદે અસ્પૃશ્યતા નાબૂદીનો ઠરાવ કરેલો. પણ એ પરિષદની બેઠકમાં વલ્લભભાઈએ જે કરી બતાવ્યું તે આ ઠરાવ કરતાં પણ વધારે મહત્વનું હતું. આ સભામાં અંત્યજો પણ હાજર હતા અને તેમના માટે અલગ રખાયેલ સ્થાને બેઠા હતા. વલ્લભભાઈએ જોયું કે એક સ્વયંસેવક આ અંત્યજોને તેમના અલગ વિભાગમાં લઈ જતો હતો અને બીજા કોઈને અડકવું નહિ તેવી સૂચના પણ આપતો હતો. વધારે ખરાબ વાત તો એ હતી કે અંત્યજો કશા જ વાંધા-વિરોધ વગર એની આ સૂચનાનું પાલન કરતા હતા. વલ્લભભાઈ પોતાની જગ્યાએથી ઊભા થયા અને અંત્યજોના વિભાગમાં જઈને તેમની વચ્ચે બેઠા. દરબાર ગોપાળદાસ નામના પાટીદાર પણ તેમની સાથે આવીને અસ્પૃશ્યો સાથે બેઠા. લીંબડીના દીવાનના દીકરી અને ગોપાળદાસના પત્ની ભકિતબા પણ પોતાના પતિ સાથે અસ્પૃશ્યોના વિભાગમાં આવી બેઠા. વલ્લભભાઈને ભાષણ કરવાનું આવ્યું ત્યારે તેમણે અસ્પૃશ્યોના વિભાગમાં ઊભા રહીને ભાષણ કર્યું અને એ રીતે આ વિભાગ પરિષદનું કેન્દ્રસ્થાન બની ગયો.

સંખ્યાબંધ પાટીદારોનો છૂપો વિરોધ છતાં રાષ્ટ્રીય શાળાઓ અને કોલેજોમાં અસ્પૃશ્યો માટે પ્રવેશબંધી ન હોય તેવો ગાંધીજીનો આગ્રહ વલ્લભભાઈએ સર્વાંશે માન્ય રાખ્યો.

આઝાદી મળી ત્યાં સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા અસ્પૃશ્યતા નાબુદીનું કામ યોગ્ય રીતે થાય અને તેના માટે સમયે સમયે ફંડ પણ મળી રહે તેવી વ્યવસ્થા સરદાર વલ્લભભાઈ પટેલ ગોઠવેલી. ગુજરાતની અનેક શાળાઓમાં અસ્પૃશ્ય બાળકોના પ્રવેશ પ્રશ્નને સરદારે કાનૂની તેમજ અંગત રસ લઈ હલ કર્યો હતો.

આઝાદી બાદ પ્રથમ પ્રધાનમંડળની રચના થઈ ત્યારે કોંગ્રેસના ન હોવા છતાં ડો. બાબાસાહેબ આંબેડકરને કાયદાપ્રધાન બનાવાયા તેમાં પણ ગાંધીજી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલનો હકારાત્મક અભિગમ દેખાય છે. આ ઉપરાંત બીજી પણ અનેક ઘટનાઓ સરદાર વલ્લભભાઈ પટેલ અસ્પૃશ્યતા નાબૂદીના ચુસ્ત હિમાયતી હતા તેની ગવાહી પુરે છે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન.

ડો. સુનીલ જાદવ

રાજકોટ, મો.૯૪૨૮૭ ૨૪૮૮૧

(2:34 pm IST)