Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

શહેર પોલીસે પોલીસ સંભારણા દિવસથી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ સુધી ૧૦ દિવસ યોજ્યા વિવિધ કાર્યક્રમો

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના નેજા હેઠળ તમામ અધિકારીઓ, કર્મચારીઓએ ઉઠાવેલી જહેમત રંગ લાવી : રન ફોર યુનિટીના વિજેતા પીએસઆઇ ધાખડા સહિતનું સન્માનઃ કોલેજ ડિસ્કશન સ્પર્ધામાં વિજેતા છાત્રાઓનું સન્માનઃ કલાકારો કિર્તીદાનભાઇ અને દેવાયતભાઇને મોમેન્ટો અર્પણઃ શહિદ ભરતભાઇ નેચડાના પિતાશ્રીનું પણ સન્માન કરાયું : શહેર પોલીસના ફેસબૂક પેજ પર લાઇવ થયેલા દરેક કાર્યક્રમોને હજારો લોકોએ નિહાળ્યા

રાજકોટ તા. ૩૧: શહેર પોલીસ દ્વારા ૨૧ ઓકટોબર પોલીસ સંભારણા દિવસથી શરૂ કરી ૩૧ ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમેતે મનાવાતા રાષ્ટ્રીય એકતા દિવસ સુધી શહિદોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપી અલગ-અલગ કાર્યક્રમો યોજી ઉજવણી કરી હતી. ૨૧ ઓકટોબર ૧૯૫૯ના રોજ લદાખના હોટ સ્પ્રીંગ ખાતે સીઆરપીએફના જવાનોની ચોકી પર ચીને હુમલો કરતાં જે જવાનો શહિદ થયા હતાં તેમની યાદમાં ૨૧ ઓકટોબરને પોલીસ સંભારણા દિવસ તરીકે દેશભરમાં  ઉજવવામાં આવે છે અને શહિદોને અંજલી અપાય છે.

રાજકોટ પોલીસે ૨૧મીએ પોલીસ શહિદ દિવસની ઉજવણી કરી શહીદ કોન્સ. ભરતભાઇ નેચડા તથા ભારતભરના શહિદોને અંજલી આપી હતી. ૨૨મીએ શહિદ ભરતભાઇ નેચડા જ્યાં અભ્યાસ કરતાં એ વિરાણી હાઇસ્કૂલ ખાતે ધો-૧૦, ૧૨ના છાતેને ઓનલાઇન સાયબર ક્રાઇમને લગતી માહિતી પુરી પડાઇ હતી. ૨૩મીએ વિરાણી સ્કૂલ ખાતે શહિદ ભરતભાઇ નેચડાનું સ્મારક બનાવાયું હોઇ ત્યાં ભરતભાઇના પરિવારજનોને સાથે રાખી શ્રધ્ધાંજલિ અપાઇ હતી. ૨૪મીએ નવયુગ સ્કુલના છાત્રો સાથે સાયબર ક્રાઇમ બાબતે ઓનલાઇન ચર્ચા અને આવા ક્રાઇમથી બચવા શું કાળજી રાખવી તેની સમજ અપાઇ હતી.

ત્યારબાદ ૨૫મીએ રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. જેમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડા ૭:૩૪ મિનીટથી પ્રથમ, હેડકોન્સ. પ્રદિપસિંહ કે. જાડેજા ૭:૪૫ મિનીટથી બીજા ક્રમે, તથા મહિલા પોલીસની ટીમના કોન્સ. બંસીબેન આર. ચોૈહાણ ૮:૧૦ મિનીટથી પ્રથમ, ગાયત્રીબા ટી. ગોહિલ ૮:૩૩ મિનીટથી બીજા ક્રમે વિજેતા થયા હતાં. આ દિવસે સ્વામીનારાયણ ગુરૂકુળના છાત્રોને સાયબર ક્રાઇમ અંગે શિક્ષણ અપાયું હતું.

૨૬મીએ કોલેજોના છાત્રો સાથે 'સોશિયલ મિડીયા અને આજના યુવાનો, ભયજનક કે તક' એ વિષય પર ગ્રુપ ડિસ્કશન ઓનલાઇન કરાયું હતું. ફેસબૂક પેજ પર ૫૪૭૮ લોકોએ તે નીહાળ્યું હતું. ૨૭મીએ કોલેજના છાતરો સાથે ટ્રાફિક સમસ્યા અને સંભવિત ઉકેલો વિશે ઓનલાઇન ચર્ચામાં ૬૦૬૩ લોકો જોડાયા હતાં. તેમજ આ દિવસે સાંજે કિર્તીદાન  ગઢવીનો કાર્યક્રમ પોલીસના ફેસબૂક પેજ પર યોજાતાં ૯૫૮૦૯ લોકોએ નિહાળ્યો હતો.  તેમજ એસઆરપી ગ્રુપના બેન્ડ અને પોલીસ બેન્ડનો કાર્યક્રમ યોજી શહિદોને અંજલી અપાઇ હતી.

૨૮મીએ મહિલાઓની પ્રગતિ, સુરક્ષા અને હાલની સમસ્યા તથા સમાધાનો બાબતે ઓનલાઇન ડિબેટમાં ૨૮૩૪૦ લોકો જોડાયા હતાં. ૨૯મીએ સાયબર ક્રાઇમ અંગે ચર્ચા, ઉકેલો વિશે ફેસબૂક લાઇવ ચર્ચા થઇ હતી. જેમાં ૨૮૩૪૦ લોકો જોડાયા હતાં. સાંજે ફેસબૂક પેજ પર લોકસાહિત્યકાર દેવાયત ખવડના કાર્યક્રમમાં ૪૯૫૨૨ લોકો જોડાયા હતાં અને કાર્યક્રમ નિહાળ્યો હતો. દેશભકિતની રચનાઓએ જમાવટ કરી હતી.

એ પછી ૩૦મીએ યુવાનોમાં ડ્રગ્સ અને હિંસા, સંભવીત ઉપયોગ બાબતે સીટી પોલીસના ફેસબૂક લાઇવ પેજ પર ચર્ચા થઇ હતી. જેમાં ૨૯૪૬ લોકો જોડાયા હતાં. છેલ્લે આજે ૩૧મીએ અખંડ ભારતના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરૂષ એવા શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમીતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી રૂપે પરેડ યોજાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ તથા રાજકોટના પોલીસ અધિકારીઓ, કલેકટર, ધારાસભ્યો જોડાયા હતા.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા કલાકારો કિર્તીદાનભાઇ ગઢવી અને દેવાયતભાઇ ખવડનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તેમજ શહિદ ભરતભાઇ નેચડાના પિતાજી અશ્વિનભાઇનું પણ સન્માન કરાયું હતું.

આ ઉપરાંત પોલીસે ઓનલાઇન યોજેલા કોલેજીયન છાત્રોના ગ્રુપ ડિસ્કશન કાર્યક્રમમાં વિજેતા થયેલા નિકીતાબેન ગોસાઇ, રિધ્ધી મહેતા, વ્રિતી શાહ, અવની ધનક, શુભમ ભંડેરીને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. શ્રી અગ્રવાલની સાથે જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તેમજ અન્ય તમામ એસીપીશ્રીઓ, પીઆઇશ્રીઓ અને ટીમોએ સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી નિયમોનું પાલન કરીને સફળ જહેમત ઉઠાવી હતી.

(2:32 pm IST)