Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ભાજપને વિકાસવાદ જીતાડશે તો કોંગ્રેસને પરિવારવાદ- જૂથવાદ હરાવશે

પેટાચૂંટણીમાં કોંગ્રેસ કયાંય મેદાનમાં જ નથી, વિકાસલક્ષી રાજનીતિની વિચારધારાની જીત થશે : કોરોના સામેની લડાઈ હોય કે ખેડૂતો માટે ત્રણ વર્ષમાં ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કે અતિવૃષ્ટિમાં ૩૭૦૦ કરોડની ખેડૂતોને સહાય હોય, રૂપાણી સરકારના કાર્યો ભાજપને જીત અપાવશે જઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ તા.૩૧: વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે એવો વિશ્વાસ ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવે વ્યકત કરી જણાવ્યું છે કે, ગુજરાતની કુલ આઠ અને તેંમાંથી સૌરાષ્ટ્રની ચાર અને કચ્છની એક બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી થઈ રહી છે. આ પેટાચૂંટણીના પરિણામ સ્પષ્ટપણે ભાજપ તરફી આવશે. દર વખતની જેમ આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ કયાંય મેદાનમાં જ નથી. કોંગ્રેસ નિરાશા, હતાશા, આંતરિક કલહ, પરસ્પરની હુંસાતુંસીમાં ગરકાવ છે. બીજી તરફ ભાજપ એની વિકાસલક્ષી રાજનીતિની વિચારધારાથી અવિરત આગળ વધી રહી છે. ભાજપને વિકાસવાદ જીતાડશે તો કોંગ્રેસને પરિવારવાદ અને જૂથવાદ હરાવશે.

રાજુભાઈ ધ્રુવે પેટાચૂંટણી સંદર્ભે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં મોરબી, લીંબડી, ધારી, ગઢડા અને કચ્છમાં અબડાસા બેઠક પર પેટાચૂટણી છે. જેમાં મતદારોનું વલણ સ્પષ્ટ છે કે માત્રને માત્ર વિકાસ કરે એમને જ મત આપવો. ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા વર્ષોમાં ગુજરાત અને ભારતમાં વિકાસ શબ્દનો ખરો અર્થ પ્રજાને સમજાવ્યો છે, વિકાસનો અનુભવ કરાવ્યો છે. તમામ વર્ગ સુધી માળખાકીય પાયાની સુવિધાઓ પણ લઈ જવાની અને મહત્વાકાંક્ષી યોજનાઓ પણ પૂર્ણ કરવાની નેમ ભાજપે રાખી છે તો સામે રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના સાર્વભૌમત્વ માટે પણ કેન્દ્ર સરકારે કઠોર પગલાં લીધાં છે.

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં દેશમાં નવી કૃષિ-કિસાન નીતિનો અમલ, વિશ્વની સૌથી લાંબી અટલ ટનલ જેવાં કામો કેન્દ્ર સરકારે કર્યાં છે. કાશ્મિરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાનું ક્રાંતિકારી પગલું તો ગયા વર્ષે લઈ લીધું એ પછી સતત ત્યાં સુધારા થયા અને આંતકવાદ સામેની લડાઈ ચાલુ છે. તો ચીન જેવા ચીનને પણ આપણી વિદેશનીતિ અને સંરક્ષણ વ્યવસ્થાએ વિચારતું કરી મૂકયું છે. રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂકયું છે તો ગુજરાતમાં પણ ખેડુતો માટે પૂરતા ખાતર, પાણી બાદ દિવસે પણ વીજળી મળે એવી વ્યવસ્થાનો આરંભ થઈ ગયો છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ યાર્ડમાં ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારનાં પ્રજાલક્ષી વિકાસ કાર્યો અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં સંગઠનનાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ-આગેવાનોની મહેનત રંગ લાવશે.

ભાજપની આ વિકાસલક્ષી નીતિને લીધે જ તો અન્ય પક્ષોના સક્રિય સમજદાર નેતાઓ પોતાનો પક્ષ છોડીને વિકાસના રાષ્ટ્રીય પ્રવાહમાં ભળી રહ્યા છે. રાજુભાઈ ધ્રુવે અંતમાં ઉમેર્યું હતું કે ગુજરાતના લોકોએ નરેન્દ્રભાઈ મોદીના શાસનના પંદર વર્ષમાં જે વિકાસ જોયો છે એ વિકાસની ગતિને અત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છેલ્લા ચાર વર્ષથી આગળ વધારી રહ્યા છે. એઇમ્સ હોસ્પીટલ, નવું બસ સ્ટેન્ડ, જૂનાગઢના વિકાસ માં છોગા સમાન શિરમોર કાયાપલટ સમાં રોપ-વે, ચોવીસ કલાક પાણી, તમામ વર્ગો માટે અનેક આવાસ યોજનાઓ, ઇન્ટર નેશનલ એરપોર્ટ, રો રો ફેરી હોય કે કેવડિયા કોલોનીમાં શરૂ થઇ રહેલી યાત્રીઓની સુવિધાઓથી ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપર જઇ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. કોરોનાનો કપરો સમય માર્ચ ૨૦૨૦થી શરૂ થયો એમાં પણ કેન્દ્ર અને રાજય સરકારે લોકો માટે સતત કામ કર્યું છે. કોરોનાના ટેસ્ટથી લઈ દવાઓ, ઉકાળાઓ, ધન્વંતરી રથ, કોવિડ સેન્ટરો સહિતની કાર્યવાહી થઈ છે જે હજુ પણ કાર્યરત છે. અન્ય રાજયોના શ્રમિકોના સ્થળાંતર માટે પણ સરકારે ત્વરિત વ્યવસ્થા કરી હતી. જરૂરતમંદ લોકોને અનાજનું વિતરણ કરાયું છે. લોકડાઉનના સમયમાં સરકારી તંત્ર, પોલીસ, મહાનગરપાલિકાના કર્મચારીઓ રાત દિવસ દોડ્યા છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા સમગ્ર મંત્રીમંડળે આખી સ્થિતિનું મોનીટરીંગ કર્યું છે. આ કપરા કોરોના મહામારીના દિવસોમાં પણ ગુજરાતના વિકાસની ગતિ ઢીલી પડવા દીધી નથી. આજે પણ ગુજરાત અન્ય રાજયો કરતા વિકાસ માં ઝડપી ચાલી રહ્યુ છે. આ પેટા ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ પણ પ્રજાનાં ઘરેઘરે જઈ ખૂબ સારી લોકસંપર્કની કામગીરી કરેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(12:49 pm IST)