Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોની બજારમાં ઉતરી પડેલી મહિલા તસ્કરણીની 'ઓઢણા ગેંગ' ઉતરી પડીઃ શકિત જ્વેલર્સમાં નજર ચુકવી ૩ કિલો ચાંદીના પાયલની ચોરી

પહેલા બે મહિલા આવી દાગીના જોવા માંગ્યાઃ પછી બીજી મહિલાઓ આવીઃ એક તસ્કરણીએ ઓઢણું આડે રાખ્યું, બીજીએ ઓઢણાની આડમાં ટેબલ નીચે ઘુસી તિજોરીમાંથી પાયલનો ડખ્ખો બઠ્ઠાવી લીધોઃ ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટઃ શહેરમાં અગાઉ અનેક વખત અલગ અલગ દૂકાનો-શો રૂમમાં ઘુસી જતી અને ઓઢણાની આડમાં ચોરીઓ કરી જતી તસ્કરણીઓની ટોળકી ફરી ઉતરી પડી છે. આ ટોકળીએ સોની બજાર મેઇન રોડ પર આવેલી અનિલભાઇ રાજેશભાઇ મુંધવા અને ભાગીદાર નવીનભાઇ ચમનભાઇ ભીંડીની શકિત જ્વેલર્સ નામની દૂકાનમાં   ઘુસી જઇ ભાગીદારનું ધ્યાન ચુકવી અંદાજે ત્રણ કિલો વજનનો ચાંદીના પાયલનો ડબ્બો ચોરી જવાયો છે. જેની કિંમત બેથી અઢી લાખ જેવી થાય છે.  સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોઇ તેના આધારે અરજી કરવામાં આવતાં પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. શકિત જ્વેલર્સવાળા અનિલભાઇ મુંધવા ગુરૂવારે બપોરે પ્રસંગમાં જમવા માટે  ગયા હતાં ત્યારે તેમના ભાગીદાર નવીનભાઇ ભીંડી દૂકાને બેઠા હતાં. આ વખતે પહેલા બે મહિલાઓ આવી હતી અને ચાંદીના પાયલ, વીંછીયા વગેરે જોવા માંગ્યા હતાં. એ પછી બીજી મહિલાઓ પણ ગ્રાહકના સ્વાંગમાં ઘુસી ગઇ હતી. નવીનભાઇ કાઉન્ટર પર બે ત્રણ મહિલાને દાગીના બતાવી રહી હતી ત્યારે અંદર આવીને બેસી ગયેલી એક મહિલાએ ઓઢણું કાઢીને ઓઢતી હોય એવો ઢોંગ કરી આડશ કરી હતી. બીજી યુવતિએ ઓઢણાની આડમાં ટેબલ નીચે ઘુસી ત્યાંથી તિજોરીમાંથી ચાંદીના પાયલ ભરેલો ડબ્બો બઠ્ઠાવી લીધો હતો અને ઓઢણાવાળી મહિલાને ઇશારો કરી દેતાં એ મહિલાએ બાંકડે બેસી ડબ્બો પોતાના ઓઢણા અંદર છુપાવી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોઇ પોલીસને જાણ કરવામાં આવી છે. તહેવાર ટાણે ઓઢણા ગેંગ ઉતરી પડતી હોય છે. તસ્વીરમાં દેખાતી મહિલાઓ આવી ચોરીઓ કરતી હોવાનું વેપારી નવીનભાઇ અને અનિલભાઇએ કહ્યું છે. તેમજ બજારમાં બીજા વેપારીઓને આવી મહિલાઓથી ચેતવા અનુરોધ કર્યો છે. તસ્કરણી કઇ રીતે ટેબલ નીચે ગઇ અને કઇ રીતે ચોરી બાદ ડબ્બો છુપાવ્યો તે રાઉન્ડ કર્યુ છે એ તસ્વીરોમાં જોઇ શકાય છે. 

(3:28 pm IST)