Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોમવારે રાજકોટમાં નારકોટીકસ સેલનો પ્રારંભઃ રામનાથપરા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રીઃ શહેર પોલીસ બ્લડ ડોનેશન કેમ્પ યોજશે

સંપર્ક સોફકટવેરનું લોકાર્પણઃ એઇમ્સ હોસ્પિટલ રોડ પર ટ્રાફિક ચોકીનું ઉદ્દઘાટનઃ કોરોનામાં પોલીસે કરેલી કામગીરીની બૂક તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ બૂકલેટ વિમોચનઃ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો શુભારંભઃ કોરોના વોરીયર્સને ચેક અર્પણઃ જાગૃત નાગરિકોનું સન્માન : નારી ગોૈરવ દિવસ અંતર્ગત મહિલા ઉત્કર્ષ કાર્યક્રમો, વ્યાજંકવાદ વિરૂધ્ધ લોકદરબાર, ટ્રાફિક અને સાયબર ક્રાઇમને લગતા કાર્યક્રમો પણ યોજશે શહેર પોલીસ

રાજકોટ તા. ૩૧: સોમવારે બીજી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં પધારતાં હોઇ તેમના હસ્તે શહેર પોલીસને લગતાં અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રામનાથપરા પોલીસ લાઇનના કોમ્યુનિટી હોલનું લોકાપર્ણશ્રી રૂપાણીના હસ્તે થશે. આ ઉપરાંત વૃક્ષારોપણ, શહેર પોલીસ આયોજીત થેલેસેમિયા પિડીત બાળકોના માટેના બ્લડ ડોનેશન કેમ્પ તથા અન્ય ઉદ્દઘાટનોમાં શ્રી રૂપાણી હાજરી આપશે. મહત્વના એવા નારકોટીકસ સેલનો પણ તેમના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યા મુજબ સોમવારે રામનાથપરા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કરશે. તેમજ આ હોલની આજુબાજુમાં ૬૫ વૃક્ષોનું રોપણ પણ તેમના હસ્તે થશે. રામનાથપરા પોલીસ લાઇનમાં ૩૧૦ કવાર્ટર છે. ૧૯૪૮માં બનેલી આ પોલીસ લાઇનના રહેવાસી અધિકારીઓ, કર્મચારીઓના પરિવારને આ કોમ્યુનિટી હોલ ખુબ જ ઉપયોગી થશે.

શહેર પોલીસ દ્વારા રામનાથપરા કોમ્યુનિટી હોલ ખાતે જ થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાશે. તેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૬૫ યુનિટ રકત એકઠુ કરી બ્લડ બેંકમાં અપાશે.

નશીલા પદાર્થોની હેરફેર અટકાવવા શહેર પોલીસ સતત જાગૃત બની છે અને ૧૧૦ આરોપીઓને બે વર્ષમાં શોધી ૫૦ એનડીપીએસના કેસ કર્યા છે. સરકાર દ્વારા વધુ સ્ટાફ ફાળવી નારકોટીકસ સેલ ઉભો કરવામાં આવ્યો હોઇ તે અંતર્ગત રાજકોટ શહેર પોલીસના આ સેલનો શુભારંભ પણ શ્રી રૂપાણીના હસ્તે થશે. કોઇએ માદક પદાર્થનું સેવન કર્યુ છે કે કેમ? તેના પરિક્ષણની કીટનો ઉપયોગ કરવાનો પણ આ દિવસે પ્રારંભ થશે.

આ ઉપરાંત શહરે પોલીસ દ્વારા ગુજરાતમાં સોૈપ્રથમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંપર્ક સોફટવેર કાર્યરત કરવામાં આવનાર હોઇ તેનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે થશે. આ ઉપરાંત એઇમ્સ હોસ્પિટલ રોડ પર ટ્રાફિક ચોકીનું ઉદ્દઘાટન, કોરોના વાયરસના સમયગાળામાં શહેર પોલીસે કરેલી કામગીરીની બૂકનું વિમોચન, સાયબર ક્રાઇમ અવેરનેશ બૂકલેટનું વિમોચન, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો શુભારંભ પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે સોમવારે થશે.

આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા હલ કરવા શહેરમાં વધુ સ્ટ્રેન્ડ ફાળવાઇ છે. જેમાં એક એસીપી, ત્રણ પીએસઆઇ, વીસ એએસઆઇ, છ હેડકોન્સ્ટેબલ, ૧૫૦ કોન્સ્ટેબલ, બે સિનીયર જુનિયર કલાર્ક મળી વધારાની ૧૮૪ જગ્યા ફાળવાી છે. તે બદલ પોલીસ કમિશનરશ્રી તરફથી મુખ્યમંત્રીશ્રીનો આભારવિધીનો કાર્યક્રમ પણ યોજાશે.

આ ઉપરાંત કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતી વેળાએ અવસાન પામનારા શહેર પોલીસના કોરોના વોરીયર સ્વ. અમૃતભાઇ નાથાભાઇ રાઠોડ, સ્વ. રણવીરસિંહ દિલીપસિંહ જાડેજા, સ્વ. પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલના સ્વજનોને રૂ. ૨૫ લાખના ચેક અર્પણ તથા અન્ય લાભો મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપવામાં આવશે.આ ઉપરાંત શહરેના જાગૃત નાગરિકો કૃણાલ શૈલેષભાઇ ચુડાસમા, પ્રતિક અમિતભાઇ રાઠોડ, જય રશ્મીકભાઇ કાલરીયા, હરેન હિતેષભાઇ વિઠ્ઠલાણીનું પણ મુખ્યમંત્રીશ્રી સન્માન કરશે. આ યુવાનોએ તાજેતરમાં બનેલા હત્યાના બનાવમાં ગોળીબાર કરી ભાગેલા યુપીના આકાશ મોર્યાને પકડી લેવામાં પોલીસ સાથે સતર્કતા દાખવી હતી.

આ ઉૈપરાંત તા. ૨/૮ થી ૯/૮ સુધી વિવિધ દિવસની ઉજવણી શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં લોકજાગૃતિ તેમજ જનસુખાકારીના કાર્યક્રમો પણ યોજાશે. તા. ૪ના રોજ નારી ગોૈરવદિવસ અંતર્ગત મહિલા ઉત્કર્ષ કાર્યક્રમ યોજાશે, તા. ૬ના રોજ રોજગાર દિવસ અંતર્ગત વ્યાજંકવાદ વિરૂધ્ધ લોકદરબાર યોજી વ્યાજખોરીને લગતાં પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરાશે. તા. ૭ના રોજ વિકાસ દિવસ અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ   યોજાશે. જેમાં યુવાનો સાથે સાયબર ક્રાઇમ બાબતે ડેમો યોજી માર્ગદર્શન અપાશે.

તા. ૮નાર ોજ જનસુખાકારી દિવસ અંતર્ગત ટ્રાફિકને લગતા કાર્યક્રમો યોજાશે. જેમાં લોકો પાસેથી પ્રશ્નો મેળવાશે. આરટીઓ, આરએમસી, પોલીસ શાખાને સાથે રાખી લોકોના પ્રશ્નો બાબતે નિકાલ કરાશે. તેમ વધુમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(3:20 pm IST)