Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોમનાથ સોસાયટીમાંથી બેટરીનો ધંધાર્થી પંકજ ૩૦ હજારની સ્કોચની બોટલો સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. દિપકભાઇ અને અજયભાઇની બાતમીઃ રેડ લેબલ, ડેવર્સ વ્હાઇટ લેબલ અને બેલેન્ટાઇનની બોટલો કબ્જે કરાઇ : દારૂ ચિરાગ પટેલે આપ્યાનું નામ ખુલતાં શોધખોળ

રાજકોટ તા. ૩૧: રેાય રોડ ૧૫૦ રીંગ રોડ પર સોમનાથ-૩ શેરી નં. ૧૩ના ખુણે આવેલા 'ભવ્ય' નામના મકાનમાં રહેતાં પંકજ  ભરતભાઇ પંડ્યા (ઉ.વ.૪૩)ને દારૂ-સ્કોચની ૩૦ હજારની બોટલો સાથે પકડી લેવાયો છે. આ દારૂ તેને ચિરાગ પટેલ નામના શખ્સે આપ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર ચોકીના હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. દિપકભાઇ ચોૈહાણ તથા અજયભાઇ ભુંડીયાને મળેલી બાતમી પરથી પંકજ પંડ્યાના ઘરમાં દરોડો પાડવામાં આવતાં  જોનીવોકર રેડલેબલ સ્કોચની રૂ. ૧૨૭૨૦ની ૮ બોટલો, ડેવર્સ વ્હાઇટ લેબલ સ્કોચની રૂ. ૧૪૨૪૦ની ૮ બોટલો તથા બેલેન્ટાઇન સ્કોચની રૂ. ૩૨૯૦ની ૦૨ બોટલો મળી રૂ. ૩૦૨૫૦નો દારૂ મળતાં તે તથા ૫ હજારનો ફોન કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલો પંકજ બેટરીનો ધંધો કરે છે. તેણે દારૂ ચિરાગ પટેલ પાસેથી લીધાનું કહેતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. વોરા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, જુવાનસંગ ગોહિલ, દિપકભાઇ ચોૈહાણ, કોન્સ. અજયભાઇ ભુંડીયા, લક્ષમણભાઇ મહાજન સહિતે આ કામગીરી કરી હતી.

(1:04 pm IST)