Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે વિજયભાઇ તેમના જન્મદિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ લેશે

મુખ્યમંત્રીના હસ્તે હિંડોળાના દર્શન ખુલ્લા મુકાશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ,તા. ૩૧: શ્રી લક્ષ્મીનારાયણ દેવ - દેશ ( વડતાલ - ગઢડા - જુનાગઢ ) દ્વારા રાજકોટ ભુપેન્દ્ર રોડ શ્રી સ્વામિનારાયણ મંદિરને આંગણે રાજયના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ માં જન્મદિન નિમિત્ત્।ે મહાપૂજા , રકતદાનકેમ્પ ,વૃક્ષારોપણ સાથે વિશિષ્ટ અભિવાદન સમારોહ નું તા.૨-૮-૨૦૨૧ , સોમવારે સાંજે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૨ ઓગસ્ટને સોમવારે ૬૫માં વર્ષમાં મંગલપ્રવેશ કરી રહ્યા છે ,ત્યારે જે ભૂમિ પર ભગવાન શ્રી સ્વામિનારાયણે તત્કાલિન ગવર્નરને 'શિક્ષાપત્રી' આપી હતી જે ભૂમિ પર વર્લ્ડ હેરિટેજ જેવું કાંટા વિનાની બોરડીનું ઉભું વૃક્ષ છે , એ પુણ્યભૂમિ શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટના આંગણે , વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ દ્વારા વિ.સં.૨૦૭૭ અષાઢ વદ - ૯ તા. ૨-૮-૨૦૨૧ ના રોજ સાંજે ૪ થી ૫ સુધી વિશિષ્ટ અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવેલ છે.

જેમણે જીવનમાં પક્ષના કાર્યકરથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી સંગઠનનું કાર્ય કર્યું છે. કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી સુધીના પદ શોભાવ્યા છે એવા લોક લાડીલા ધર્મવીર નીડર લીડર રાજપુરુષ શ્રી વિજયભાઈ રૂપાણી તેમના જન્મદિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આર્શીવાદ લેશે તથા સમુહ મહાપૂજા-રકતદાનકેમ્પ - વૃક્ષારોપણ જેવા અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પુણ્યાવસરે સાંજે ૪ કલાકે શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી હિંડોળાના દર્શન તેમના વરદહસ્તે ખુલ્લા મુકશે.

આ પ્રસંગે પ.પૂ.દેવપ્રકાશદાસજી સ્વામી(ચેરમેન શ્રી વડતાલ) ,પ.પૂ. હરિજીવનસ્વામી (ચેરમેન ગઢપુર), પ.પૂ.સદ્દ.શા.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી(પ્રમુખ શ્રી સ.મ.સભા), પ.પૂ.સદ્દ.શ્રી.દેવકૃષ્ણદાસજી સ્વામી( મહંત શ્રી ગુરુકુળ ) ,પ.પૂ.સદ્દ.શ્રી. દેવાનંદનદાસજી સ્વામી ( ચેરમેન શ્રી જૂનાગઢ),પ.પૂ.સદ્દ. શ્રી.માધવપ્રિયદાસજીસ્વામી (SGVP ગુરુકુળ ),પ.પૂ.શ્રી વિવેકસાગર સ્વામી બાલાજી મંદિર રાજકોટ સહિતનાં સંતો ઉપસ્થિત રહેશે , તેમજ આ કાર્યક્રમ નું સંચાલન વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી કરશે અને ચેતનભાઈ રામાણી વ્યવસ્થા સાંભળશે તથા કોરોનાની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે..

તેમ રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. રાધારમણદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)