Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મુખ્યમંત્રીના સોમવારે રાજકોટમાં ઢગલાબંધ કાર્યક્રમો હોય વીજ તંત્રને દોડધામ : ઇજનેરથી લાઇન સ્ટાફ સુધીના એલર્ટ

મહિલા કોલેજ સબ ડીવીઝનમાં જરૂર પડયે લાઇન સ્ટાફ-ઇજનેરોની વધુ ટીમો મૂકાશે : જનકલ્યાણ-ડીએચ કોલેજ બંને સ્થળે બે-બે પાવર દોડાવાશેઃ સવારે ૭ વાગ્યાથી સ્થળ ઉપર હાજર રહેવા આદેશો

રાજકોટ તા. ૩૦ :.. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં પોતાનો જન્મ દિવસ ઉજવવાના છે, સંવેદના દિવસ  તરીકે ઉજવણી અને ઢગલાબંધ કાર્યક્રમો હોય રાજકોટમાં વીજ તંત્ર ધંધે લાગી ગયું છે, ઇજનેરો-લાઇન સ્ટાફને દોડધામ થઇ પડી છે, જયાં જયાં કાર્યક્રમો થનાર છે તે તમામ સ્થળની પ૦૦ મીટરની ત્રીજયામાં લાઇનો ચેક થઇ રહી છે, લાઇને નડતરરૂપ ઝાડની ડાળીઓનો સોથ વાળી દેવાયો છે, આજ સવારથી ટીમો મંડી પડી છે.

સોમવારે માટે તો રાજકોટ વીજ તંત્રના સુપ્રિ. ઇજનેરથી માંડી એકઝી. ઇજનેરો, - ડે. ઇજનેરો, જૂનીયર ઇજનેરો, લાઇન સ્ટાફને હાઇએલર્ટ કરાયા છે, રજાઓ રદ કરાઇ છે, તેમાં પણ જનકલ્યાણ હોલ, અને ડીએચ કોલેજ - અટલ બિહારી વાજપૈયી હોલ, તથા અન્ય ૩ થી ૪ ખાનગી કાર્યક્રમો સંદર્ભે દરેક સ્થળે ખાસ બે-બે વીજ પાવર દોડાવવાની સુચના આપી છે, જનરેટર સેટ પણ મૂકાયા છે, ૧૧ કેવી લાઇનમાં વરસાદ કે અન્ય કારણોસર ફોલ્ટ ન આવે, અને આવે તો ઘડીની પળમાં ચેઇન્જ ઓવર કરી બીજો પાવર ચાલુ કરવા અંગે કાર્યવાહી કરવા અને આ માટેના જે તે સ્થળના ટ્રાન્સફોર્મર, ચેઇન્જ ઓવર સ્વીચ પાસે ખાસ સ્ટાફ મૂકવા આદેશો કરાયા હતાં, સોમવારે ૭ વાગ્યાથી જે તે સ્થળ ઉપર હાજર રહેવા આદેશો થયા છે, જનકલ્યાણ અને ડીએચ આ બંને મહિલા કોલેજ વીજ સબ ડીવીઝનમાં આવતા હોય આ ડીવીઝનમાં સોમવારે જરૂર પડયે વધુ લાઇન સ્ટાફ અને ઇજનેરોની ટીમો મૂકવા સુચના અપાઇ છે. 

(3:09 pm IST)