Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મેડિકલમાં ઓબીસી અને EWS માટે અનામતનો નિર્ણય ઐતિહાસિક : ઉદય કાનગડ

વર્તમાન શૈક્ષણિક વર્ષથી ઓબીસીને ૨૭ ટકા અને EWSને ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ

રાજકોટ તા. ૩૦ : ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નદૃષ્ટા માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ / ડેન્ટલ કોર્સ (એમબીબીએસ / એમડી / એમએસ / ડિપ્લોમા / બીડીએસ / એમડીએસ માટેની ઓલ ઇન્ડિયા કવોટા (AIQ) સ્કીમમાં ૨૦૨૧-૨૨ના વર્તમાન શૈક્ષણિક વર્ષથી ઓબીસી માટે ૨૭% અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે ૧૦% અનામત પૂરી પાડવાનો ઐતિહાસિક અને સિમાચિહ્ન નિર્ણય લીધો છે.

વધુમાં ઉદય કાનગડે યાદીમાં ઉમેર્યું છે કે પ્રધાનમંત્રીએ ૨૬મી જુલાઈને સોમવારના રોજ હાથ ધરાયેલી એક બેઠકમાં લાંબા સમયથી બાકી રહેલા આ મુદ્દા પર અસકારક નિર્ણય લેવા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયોને આદેશ આપ્યા હતા.

આ નિર્ણયથી દર વર્ષે એમબીબીએસમાં ૧૫૦૦ જેટલા ઓબીસી વિદ્યાર્થીઓને અને પોસ્ટ ગ્રેજયુએશનમાં ઓબીસીના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને લાભ કરાવશે. એમબીબીએસમાં ઇડબ્લ્યુએસના ૫૫૦ વિદ્યાર્થીઓને તથા પોસ્ટ ગ્રેજયુએશનમાં ઇડબ્લ્યુએસના ૧૦૦૦ વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ થશે.

ઉદય કાનગડે વધુમાં ઉમેર્યું છે કેઆ કેન્દ્રની યોજના હોવાથી અનામત માટે ઓબીસીના કેન્દ્રની યાદીનો ઉપયોગ થઈ શકશે. એમબીબીએસમાં અંદાજે ૧૫૦૦ ઓબીસીના વિદ્યાર્થી અને પોસ્ટ ગ્રેજયુએશનમાં ૨૫૦૦ જેટલા વિદ્યાર્થી આ અનામત યોજનાનો લાભ લઈ શકશે.

ઉપરોકત નિર્ણય પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ બંનેને યોગ્ય અનામત પૂરી પાડવા માટે સરકારની વચનબદ્ઘતાનું પ્રતિબિંબ છે. ૨૦૧૪થી મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં હાથ ધરાયેલા નોંધપાત્ર સુધારામાં આ નિર્ણયનો પણ સમાવેશ થાય છે તેમ અંતમાં ઉદય કાનગડએ જણાવ્યું હતું.

(1:10 pm IST)