Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પ્રદ્યુમન પાર્ક ઝુમાં આકર્ષણ વધશે : લાયન સફારી પાર્ક બનશે

રાજકોટ તા. ૩૧ : ઝૂલોજીકલ પાર્કનો આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાણીસંગ્રહાલયનો કુલ વિસ્‍તાર ૧૩૭ એકર છે. જેમા મોટાભાગના વિસ્‍તારને વૃક્ષારોપણથી આવરી લેવામાં આવેલ છે. ઝૂની મુલાકાતે પધારતા મુલાકાતીઓ દેશના જુદા જુદા વન્‍યપ્રાણી-પક્ષીઓ તથા ગુજરાતના ગીર અભયારણ્‍ય તેમજ કચ્‍છ વિસ્‍તારમાં જોવા મળતા વિવિધ વન્‍યપ્રાણી-પક્ષીઓ વિશે માહિતગાર થાય તથા ત્‍યાની સ્‍થાનિક સાંસ્‍કૃતિકની જાણકારી મેળવવી શકે તે માટે અત્‍યાઆધુનિક ઇન્‍ટરપ્રીટેશન સેન્‍ટર મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ છે. આ ઇન્‍ટરપ્રીટેશન સેન્‍ટરને જોઈ મુલાકાતીઓ ખુબ જ પ્રભાવિત થાય છે.

હાલ ઝૂ ખાતે જુદી જુદી ૬૦ પ્રજાતિઓના કુલ -૫૨૧ પ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. ચાલુ વર્ષ ડીસેમ્‍બર-૨૦૨૨ સુધીમાં કુલ ૫,૩૬,૯૬૩ મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લેતા રાજકોટ મહાનાગપાલિકને કુલ રૂ. ૧,૪૦,૧૪,૨૮૦ની આવક થયેલ છે.

એશિયાટિક લાયન  સફારી પાર્ક પ્રોજેકટ

આ ઉપરાંત ઝૂની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના અંદાજે ૨૦ હેક્‍ટરથી વધુ જગ્‍યામાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્‍હી પાસેથી મંજુરી મેળવવામાં આવશે.

લાયન સફારી પાર્ક માટે સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાના નિતિ નિયમ મુજબ પ્રથમ ૨.૭૫ મીટર ઉંચાઇની કમ્‍પાઉન્‍ડ દિવાલ તથા ૫.૦ મીટર ઉંચાઇની ચેઇનલીંક જાળીની દિવાલ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રવેશ માટે “2 way Gate” બનાવવામાં આવશે.

સફારી પાર્કમાં પ્રાણીઓ માટે નાઇટ શેલ્‍ટર બનાવવામાં આવશે તથા પાણીનાં પોન્‍ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત સફારી પાર્કની અંદર વોચ ટાવર તથા જુદા-જુદા ઇન્‍ટરનલ રોડ બનાવવામાં આવશે. સફારી પાર્કમાં પ્રાણીઓ ખુલ્લામાં પ્રદર્શીત કરવામાં આવશે ત્‍યારે મુલાકાતીઓને ખાસ પ્રકારના વાહનમાં બેસાડી સફર કરાવવામાં આવશે. 

સેન્‍ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્‍હી પાસેથી મંજુરી મળ્‍યે એશિયાટીક લાયન સફારી પાર્ક પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવશે અને તે માટે વર્ષ ૨૦૨૩-૨૪નાં બજેટમાં રૂા. ૨૦૦ લાખની જોગવાઈ રાખવામાં આવેલ છે.

નવા આઇસોલેશન વોર્ડ બનાવાશે

ઝૂ ખાતે દર વર્ષે વન્‍યપ્રાણીઓ માટે નવા નવા પાંજરાઓ બનાવી ભારતના અન્‍ય ઝૂ પાસેથી વન્‍યપ્રાણી વિનિમય યોજના હેઠળ જરૂરી મંજુરી મેળવી વન્‍યપ્રાણી-પક્ષીઓ લાવવામાં આવતા હોય છે. અન્‍ય ઝૂ ખાતેથી નવા લાવવામાં આવેલ વન્‍યપ્રાણી-પક્ષીઓને શરૂઆતમાં બે અઠવાડિયા સુધી ક્‍વોરોન્‍ટઇન કરવા માટે અલગ જગ્‍યાએ આઇસોલેશનમાં રાખવામાં આવતા હોય છે. જે માટે ઝૂ ખાતે નવું આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે.

હિપોપોટેમસ, વાંદરા તથા વિશાળ કદના ઉંદર માટે નવા પાંજરા

ઝૂ ખાતે માર્મોસેટ (વાંદરા) તથા કોયપું (વિશાળ કદના ઉંદર) પ્રાણી માટે પાંજરાનું બાંધકામ કરવામાં આવશે. ચાલુ વર્ષ સેન્‍ટ્રલ  ઝૂ ઓથોરીટી, નવી દિલ્‍હી ખાતેથી હિપોપોટેમસ રાખવા માટે મંજુરી માગવામાં આવેલ છે. મંજૂરી મળ્‍યે હિપોપોટેમસ માટે પાંજરાના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

ઝૂમાં રસ્‍તા પહોળા કરાશે : આરસીસી પાર્કિંગ બનાવાશે

આ ઉપરાંત ઝૂ ખાતે મુલાકાતીઓની સંખ્‍યાના વધારાને ધ્‍યાનમાં રાખી પાર્કના ઇન્‍ટરનલ રોડ પહોળો કરવા. હયાત કાચું પાર્કિંગને આર.સી.સી.નું બનાવવા માટે કામગીરી કરવામાં આવશે તથા ઝૂ ખાતેના જુદા-જુદા પાંજરાઓમાં પ્રાણી-પક્ષીઓની પ્રકૃતીને અનુરૂપ કુદરતી દેખાવના આર્ટીસ્‍ટીક એનરીચમેન્‍ટ કમ ફેડીંગ સ્‍ટેજ બનાવવામાં આવશે. ઉપરોક્‍ત ઝૂ ડેવલોપમેન્‍ટ કામો માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં કુલ રૂ. ૩૭૫.૦૦ લાખ ની જોગવાઈ રાખવામાં આવેલ છે.

નવા પ્રાણીઓ - પક્ષીઓ લવાશે

ઝૂ ખાતે વાઈલ્‍ડ ડોગ માટે પાંજરાના બાંધકામની કામગીરી પૂર્ણ થયેલ છે. ટૂંક સમયમાં મેંગલોર ઝૂ, કર્ણાટક પાસેથી વાઈલ્‍ડ ડોગની જોડી મેળવી પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત હાલ બ્‍લેક શ્વાન તથા ક્રાઉન પીજીયનના પાંજરાના બાંધકામની કામગીરી ચાલુ છે. કામગીરી પૂર્ણ થયે પ્રાણીઓ-પક્ષીઓ મેળવી પ્રદશિત કરવામાં આવશે.

નવા ચાર ડાયાલીસીસ સેન્‍ટર શરૂ થશે

ગ્રામીણ ઉપરાંત શહેરી વિસ્‍તારમાં લોકોને પોતાના નજીકના વિસ્‍તારમાં ડાયાલીસીસની સુવિધા ઉપલબ્‍ધ કરી શકાય તેવા ઉમદા હેતુથી કીડની હોસ્‍પિટલ, અમદાવાદના ટેકનીકલ સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા હેઠળના નારાયણ નગર, કોઠારિયા, નાના મવા અને શ્‍યામનગર યુપીએચસી ખાતે ડાયાલીસીસ યુનિટ શરૂ કરવા માટે ઉપરોક્‍ત અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે જરૂરી સુવિધાઓ ડાયાલીસીસ યુનિટની જરૂરીયાત મુજબ તૈયાર કરવા માટે નાણાકીય જોગવાઈ અન્‍વયે આ બજેટમાં અંદાજીત  ઉપરના ૪ આરોગ્‍ય કેન્‍દ્રના ડાયાલીસીસ સેન્‍ટર શરૂ કરવા માટે અંદાજીત રૂ. ૮૦ લાખનો ખર્ચ થશે.

 

(3:22 pm IST)