Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રાત્રે વૈષ્‍ણવાચાર્યો દ્વારા હવેલી કિર્તન-સંગીત કાર્યક્રમ

રસરાજ રશેષ મહોત્‍સવમાં આજે વિવાહ ખેલ મનોરથ દર્શન

રાજકોટ તા. ૩૧ : ‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ' પંડલામાં આજે સાંજે શ્રી મદનમોહન પ્રભુનો ‘વિવાહ' મનોરથનું દર્શન થશે. સંપ્રદાયની ઉત્‍સવ સેવા પરંપરામાં દેવ પ્રબોધીની એકાદશી (દેવ દિવાળી)માં યોજાતો પ્રભુનો ‘વિવાહ ખેલ' મનોરંથનું  આ દર્શન આજે રાત્રે ૭-૩૦ વાગ્‍યે પ્રાપ્‍ત થશે. જેમાં વૃંદાવનના કારીગરોની અનેરી સજાવટનો લ્‍હાવો પ્રાપ્‍ત કરવા ભકતોને નિમંત્રણ કરાયું છે.આજે પ્રસ્‍તાવ પંડાલમાં રાત્રી કાલીન કાર્યક્રમોમાં ‘પુષ્‍ટિ માર્ગિય હવેલી કિર્તન સંગીત સમ્‍મેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે આજે રાત્રીના ૧૦ વાગ્‍યે શરૂ થનારા કાર્યક્રમોમાં દેશભરમાંથી પધારેલાં વિવિધ આચાર્ય ગૃહોના યુવા વૈષ્‍ણવાચાર્યો દ્વારા ‘હવેલી કિર્તન''ની પરંપરાગત પ્રસ્‍તૃતીથી થશે. પુષ્‍ટિમાર્ગની રાગ-ભોગ અને શ્રૃંગારની ત્રિવિધ સેવા પ્રણાલીમાં ‘રાગ' એક વિશેષ અંગ છે. જેમાં અષ્‍ટછાય કિર્તનની એક અનેરી શાષાીય કલા પરંપરામાં પ્રત્‍યેક યુવા આચાર્યો પારંગત હોય છે.

આજના આ કિર્તન સમ્‍મેલનમાં યુવા વૈષ્‍ણાચાર્ય ગૌ.શ્રી આદિત્‍યકુમારજી (સુરત-કામવન) ગૌ.શ્રી રાહુલકુમારજી (સુરત-કામવન) ગૌ.શ્રી લક્ષ્મણકુમારજી (વિરમગામ), ગૌ.શ્રી નિવેદનકુમારજી (રાજનગર-અમદાવાદ), ગૌ.શ્રી ભુષણકુમારજી (રાજનગર-અમદાવાદ), ગૌ.શ્રી પુરૂષોત્તમલાલજી (રાજકોટ), ગૌ.શ્રી ગોપેશકુમારજી (રાજકોટ) તેમજ ગૌ. શ્રી હરિરાયજીને વડોદરા-કામવનના દિવ્‍ય કિર્તનગાન દ્વારા હવેલી સંગીતની પ્રાચીન કિર્તન શૈલીનો અદ્દભુત પરિચય કરાવશે.

આજનાં આ કિર્તન સમ્‍મેલનમાં દેશભરમાંથી પધારેલા અનેક શ્રી વલ્લભકુલ આચાર્યશ્રીઓ બિરાજમાન રહેશે.

રાત્રિનાં ૧૦ વાગ્‍યે શરૂ થનારાં દિવ્‍ય કાર્યક્રમો ભાવુક-શ્રોતાજનોને વિરાટ સંખ્‍યામાં જોડાવા સમિતિ દ્વારા નિમંત્રણ કરાયું છે.

આ ‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ'ને સરળ અને સુવિધાયુકત બનાવવા-સમિતિનાં સભ્‍યો અને વૈષ્‍ણવ અગ્રણીઓ ચીમનભાઇ લોઢીયા, હસમુખભાઇ ડેલાવાળા, દિનેશભાઇ કારીયા, સુરેશભાઇ કોટક, ગોવિંદભાઇ દાવડા, જીતેશભાઇ રાણપરા, હિતેશભાઇ રાજપરા, અન્‍નુભાઇ સોની, સુભાષભાઇ શીંગાળા, હર્ષદભાઇ ફીચડીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. સમગ્ર કાર્યક્રમનું અદ્દભુત સંચાલન ભુપેન્‍દ્રભાઇ છાંટબાર કરી રહ્યાં છે.

(3:19 pm IST)