Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ચણા માટે ઝઘડો થતાં સાળાને ફટકારવા છાપરેથી લાકડી લેવા જતાં બનેવી કૂવામાં પટકાયોઃ મોત

ટંકારાના ખીજડીયા ગામે વાડીમાં બનાવઃ પત્‍નિની નજર સામે જ ઘટના બનીઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમઃ ત્રણ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની : કુવાની પાળીએ પગ દઇ ઓરડી પરથી બડીકો લેવા ગયો ને લપસી પડયો

રાજકોટ તા. ૩૧: ટંકારાના ખીજડીયા ગામે એક વિચીત્ર ઘટનામાં મધ્‍યપ્રદેશનો યુવાન કૂવામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્‍યું હતું. પોતાના સાળા સાથે લીલા ચણા મામલે ઝઘડો થતાં બંનેએ એક બીજા સાથે ઝપાઝપી ચાલુ કરી હતી. એ દરમિયાન બનેવી કૂવાની પાળી પર પગ દઇ બાજુમાંજ આવેલી ઓરડીના છાપરા પરથી લાકડી-બડીકો લેવા જતાં પગ લપસી જતાં કૂવામાં પડી ગયો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ ખીજડીયા ગામે હરજીવનભાઇની વાડીમાં રહી મજૂરી કરતો મુળ મધ્‍યપ્રદેશનો પ્રવિણ કલસીંગભાઇ અજનાર (ઉ.વ.૨૭) ગઇકાલે સાંજે કૂવામાં પડી જતાં પત્‍નિ કારીબેને જાણ કરતાં ટંકારા પોલીસ મથકના હેડકોન્‍સ. શાહીદભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહ બહાર કઢાવી ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે  રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ પ્રવિણ અને તેના સાળા સંજય વચ્‍ચે લીલા ચણા બાબતે માથાકુટ થતાં અને એક બીજા સાથે ઝપાઝપી થઇ જતાં ગુસ્‍સે થઇ બનેવી પ્રવિણ કૂવાની પાળી પર પગ દઇ અડીને જ આવેલી ઓરડીના છાપરા પરથી બડીકો લેવા જતાં પગ લપસતાં તે કૂવામાં પડી ગયો હતો. આ વખતે ગભરાઇને સાળો ભાગી ગયો હતો. બનાવ પત્‍નિ કારીબેનની નજર સામે જ બન્‍યો હોઇ તેણે બીજા સગા અને વાડી માલિકને જાણ કરતાં પ્રવિણનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્‍યો હતો. મૃત્‍યુ પામનાર પ્રવિણ ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને તેના મોતથી ત્રણ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. વધુ તપાસ પીએસઆઇ સોનારાએ હાથ ધરી છે. બનાવને પગલે મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(11:14 am IST)