Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રાજકોટ - અમદાવાદ સીકસલેન હાઇવે ચાલે છે ‘કાચબા ગતિએ' : ૩ વર્ષનો વિલંબ : જબરી પરેશાની

પ્રોજેકટ ક્‍યારે પુરો થશે ?

રાજકોટ તા. ૩૦ : રાજકોટ - અમદાવાદ હાઇવેને સીક્‍સ લેન કરવાના કામમાં ત્રણ વર્ષ મોડું થયું છે. વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે પણ કામ ક્‍યારે પુરૂ થશે તેની કોઇ સમય મર્યાદા જ નથી.

પાંચ વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેકટ પર સંખ્‍યાબંધ ડાયવર્ઝનો અને રોડ બ્‍લોક આવેલા છે. આ પ્રોજેકટના કોન્‍ટ્રાકટરો રાજ્‍ય સરકારના આર એન્‍ડ બી વિભાગના નેશનલ હાઇવે ડીવીઝન દ્વારા અપાયેલ નોટીસોના જવાબ નથી આપી રહ્યા.

કોન્‍ટ્રાકટરો અને ઓથોરીટી વચ્‍ચે થયેલ પત્ર વ્‍યવહાર અને નોટીસો બે આરટીઆઇના જવાબમાં જાહેર કરવામાં આવ્‍યો છે. આરટીઆઇના જવાબમાં સામે આવ્‍યું છે કે આ કામ જેમને અપાયું છે તેમાંથી બે કોન્‍ટ્રાકટરો જેમની પાસે ચાર સેકશનનું કામ છે તેઓ કામમાં ડીફોલ્‍ટ થયા છે અને તેમણે માત્ર ૪૦ થી ૫૦ ટકા કામ જ પૂરૂં કર્યું છે.

ચાર સેકશનનું કામ આ બે કોન્‍ટ્રાકટરોને અપાયું હતું અને તેમણે તે જાન્‍યુઆરી ૨૦૨૦ સુધીમાં પુરૂં કરવાનું હતું. સદ્‌ભાવ એન્‍જીનિયરીંગ લીમીટેડને નેશનલ હાઇવે ડીવીઝનના એકઝીકયુટીવ એન્‍જીનિયરે ૨૧ ડિસેમ્‍બર ૨૦૨૨ના ટર્મીનેશન નોટીસ અંગેના પત્રમાં જણાવ્‍યું છે કે, કોન્‍ટ્રાકટરે પોતાનું નબળુ પ્રદર્શન ચાલુ રાખ્‍યું છે અને તેને સુધારવાના કોઇ પગલા નથી લીધા. આ કોન્‍ટ્રાકટરને સાયલા - બામણબોર સેકશનનું કામ સોંપાયું છે.

બગોદરા - લીમડી સેકશનનું કામ પણ કોન્‍ટ્રાકટરને અપાયેલ છે. જ્‍યારે રાજકોટ - બામણબોર સેકશનનું કામ વરાહ ઇન્‍ફ્રા લીમીટેડને અપાયેલ છે. આ કોન્‍ટ્રાકટરને સત્તાવાળાઓએ લખેલ પત્રમાં કહેવાયું છે, ‘અમને કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું છે કે કોન્‍ટ્રાકટરની કંપની એક નાણાકીય સંસ્‍થા દ્વારા હસ્‍તગત કરી લેવાઇ છે.' પત્રમાં એ પણ કહેવાયું છે કે કોન્‍ટ્રાકટરનો ઇરાદો કામ પડતુ મુકવાનો છે. લીમડી સાયલા સેકશનનું કામ પણ આ કોન્‍ટ્રાકટરને જ અપાયું છે તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

(4:53 pm IST)