Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કાલે મનપાનું બજેટ : પાણી વેરો વધવાનો અણસાર

સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં કરબોજ સહિતની બજેટની દરખાસ્‍ત અમીત અરોરા રજૂ કરશે

રાજકોટ તા. ૩૦ : મ્‍યુ.કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું નવુ અંદાજે ૨૫૦૦ કરોડનું કદ ધરાવતુ બજેટ તથા હાલનું ૨૦૨૨-૨૩નું રીવાઇઝડ બજેટ આવતીકાલે ૩૧ જાન્‍યુઆરીએ સ્‍ટેન્‍ડીંગ કમિટિને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સુપ્રત કરાશે. આ બજેટમાં નવી આકર્ષક મોટી યોજનાઓ નહી અપાય. સરકારી સહાય આધારીત વિવિધ પ્રોજેકટો માટે માળખાકીય સુવિધાની જોગવાઇઓ થશે. આ બજેટમાં પાણી વેરો વધારો ઝીંકવામાં આવે તેવી શક્‍યતાઓ દર્શાય રહી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ ૨૦૨૩નું નવુ ૨૦૦૦ કરોડનું કદ ધરાવતુ બજેટ તથા હાલનું ૨૦૨૨-૨૩નું રીવાઇઝ બજેટ આગામી ચાલુ સપ્‍તાહમાં એટલે કે કાલે તા. ૩૧ જાન્‍યુઆરી મંગળવારે સ્‍ટેન્‍ડીંગ કમિટિને મ્‍યુનિ. કમિશનર દ્વારા સુપ્રત કરી દેવામાં આવે તેવી શક્‍યતાઓ છે. આ નવા બજેટમાં પાણી વેરો રૂા. ૮૪૦માંથી વધારીને ૧૧૦૦ આસપાસ રાખવાનું સૂચવાયુ હોવાનું જાણવા મળ્‍યું છે.

હાલ બજેટ માટે કોર્પોરેશનની તમામ શાખાઓ પાસેથી આવનાર વર્ષથી તેમની જરૂરીયાતો તેમજ ચાલુ નાણાકીય વર્ષના ચર્ચાઓના અહેવાલો મગાવી હવે બજેટને આખરીઓપ આપવા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ કવાયત શરૂ કરી છે. બજેટ તૈયાર કરીને સ્‍ટેન્‍ડીંગ કમિટિને આપી દેવા અધિકારીઓ કટીબધ્‍ધ છે. નવા વર્ષના બજેટમાં વેરો વધારા તથા માળખાકીય સુવિધાને પ્રાધાન્‍ય આપવામાં આવે તેવી શક્‍યતા છે. આમ એકંદરે ૨૦૨૩-૨૪નું બજેટ હળવું ફુલ રહેવાની શક્‍યતાઓ વધારે છે. ચાલુ નાણાકીય વર્ષનું બજેટ ૨ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્‍યું હતું. અંદાજીત ૨૩૩૪.૯૪ કરોડનું અંદાજપત્ર ૫૦%એ પણ પહોંચે તેવી કોઇ જ શક્‍યતા લાગતી નથી.

(3:28 pm IST)