Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ત્રંબામાં કોળી પરિવારજનો ખેતરે ગયા ને ઘરે ખાતર પડ્યું: અડધા લાખની મત્તા ગઇ

ગોરધનભાઇ મોરવાડીયા બપોરે ઘરે આવ્યા ત્યારે ડેલી અંદરથી બંધ હતીઃ છોકરાને વંડીએથી મોકલી ડેલી ખોલાવી જોતાં ચોરીની જાણ થઇ

રાજકોટ તા.૩૧: તસ્કરોએ ત્રંબામાં કોળી પરિવારના ઘરમાં ધોળે દિવસે ત્રાટકી અડધા લાખની મત્તાનો હાથફેરો કર્યો છે. પરિવારના સભ્યો સવારે ખેતરે ગયા હતાં અને રેઢા ઘરમાં ખાતર પડ્યું હતું.

 

જાણવા મળ્યા મુજબ ત્રંબાના ત્રિવેણી ઘાટ જવાના રસ્તે રહેતાં ગોરધનભાઇ મોહનભાઇ મોરવાડીયા (કોળી) (ઉ.૫૨)એ પોતાના ઘરમાં ચોરી થયાની જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. વી. સી. વાઘેલા સહિતે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે પહોંચી તપાસ કરી હતી. ગોરધનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે ભાગમાં ખેતર વાવવા રાખ્યું હોઇ સવારે તમામ પરિવારજનો ઘરને તાળા મારી ખેતરે જતાં રહ્યા હતાં અને બાળકો શાળાએ ગયા હતાં. પોતે બપોરે સાડા બારેક વાગ્યે આવ્યા અને ડેલીનું તાળુ ખોલ્યું ત્યારે ડેલી અંદરથી બંધ જણાતાં છોકરાને બોલાવી વંડી ઠેકાડી અંદર મોકલી ડેલી ખોલાવી હતી.

અંદર જતાં ઘરના રૂમના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતાં અને કબાટ વેરવિખેર હતો. તસ્કરો કબાટમાંથી રોકડા રૂ. ૨૫ હજાર, સોનાની બુટી એક ગ્રામની રૂ. ૨૫ હજારની તથા ચાંદીના સાંકળા ૨૫૦ ગ્રામ વજનના આશરે રૂ. ૧૦ હજારના મળી કુલ રૂ. ૬૦ હજારની મત્તા ચોરી ગયાની ખબર પડી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. તસ્વીર ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી

(11:32 am IST)