Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

એનએસયુઆઇના મંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યાના વિરોધમાં

કાયદો-વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓમાં આક્રોશઃ તમામ કોલેજો રોષપુર્ણ બંધ

વિદ્યાર્થીઓના નેતા જ સુરક્ષિત ન હોય ત્યારે સામાન્ય છાત્ર કે પ્રજાનું શું ? એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના એલાનથી ૧પ કોલેજોએ સજ્જડ બંધ પાળ્યોઃ કડક બંદોબસ્ત ગોઠવાયો

રાજકોટ : એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યાના વિરોધમાં એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા બંધનુ એલાન આપવામાં આવેલ. જેને આજે સજ્જડ પ્રતિસાદ મળેલ છે. પ્રસ્તુત તસ્વીરમાં શહેરની કોલેજો બંધ અને વિદ્યાર્થીઓ કોલેજ બહાર નીકળતા નજરે પડે છે. કોલેજમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા.૩૦ : રાજકોટમાં ગઇકાલે એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કાયદો અને વ્યવસ્થા સામે આજે વિદ્યાર્થીઓનો રોષ ભભુકી ઉઠયો છે. શહેરની તમામ કોલેજોએ કાયદો-વ્યવસ્થા સામે રોષપુર્ણ બંધ પાળ્યો હતો.

એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની બજરંગવાડીમાં સામાન્ય બાબતમાં છરીનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ છે. શહેરમાં કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નો ઉભા થયા છે. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇએ આજે શહેરની તમામ કોલેજોએ બંધનુ એલાન આપેલ જેને સમર્થન મળેલ છે અને રોષપુર્ણ કોલેજો બંધ રહી હતી.

આજ સવારથી જ આત્મીય કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, માતુશ્રી વીરબાઇમાં, મહિલા કોલેજ, ધમસાણીયા કોલેજ, કુંડલીયા મહિલા કોલેજ, રાષ્ટ્રીય શાળા, જસાણી કોલેજ, કુંડલીયા મહિલા કોલેજ, ચૌધરી હાઇસ્કુલ, કુંડલીયા બી.એડ્.કોલેજ, શુકલા કોલેજ, ગીતાંજલી કોલેજ, હરિવંદના કોલેજ, ટીએન રાવ કોલેજ સહિતની તમામ કોલેજોએ બંધ પાડયો છે.

બંધને સફળ બનાવવા ડો.રાજદીપસિંહ જાડેજા, ડો.ધરમ કામલીયા, આદિત્યસિંહ ગોહિલ, જયકિશનસિંહ ઝાલા, અમિતભાઇ પટેલ, મુકુંદભાઇ ટાંક, હરપાલસિંહ જાડેજા, ઋતુરાજસિંહ ઝાલા, નરેન્દ્રભાઇ સોલંકી, હર્ષદીપસિંહ જાડેજા, નીતિનભાઇ ભંડેરી, નિરૂભા જાડેજા સહિતના જોડાયા હતા.

બંધના એલાનના પગલે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે કોલેજો ઉપર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. (૩-૯)

(11:26 am IST)