Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રજવાડાને કચકડે કંડારનાર ભરતભાઇ જોષીની વિદાય

ભરતભાઇ જોષીએ એક તસવીરકાર તરીકે રાજકોટ શહેર ઉપરાંત જામનગર, જુનાગઢ, ગોંડલના ઇતિહાસને જીવંત કરતા અમૂલ્ય ફોટાઓનો અદભૂત સંગ્રહ કર્યો હતો : તેઓએ સૌરાષ્ટ્ર રાજયના તસવીરકાર અને સંગ્રહકાર તરીકે રાજવી પરિવારના પ્રસંગો અને વિરાસતો તથા ભવ્ય ઇમારતોની યાદોને તસવીરો રૂપે સાચવી હતી

રાજકોટ, તા.૩૦ : જયારે પણ રાજવાડાઓની વાત આવે ત્યારે રાજકોટના સ્ટેટ ફોટોગ્રાફર ભરતભાઇ પ્રાણશંકર જોષી અચૂક યાદ આવે. ૫૦ વર્ષથી તસવીર કલા સાથે સંકળાયેલ રજવાડી તસવિરકારે આજે અચાનક તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. તેઓની તબીયત થોડા સમયથી નાદુરસ્ત રહેતી હતી. થોડા સમય પહેલા જ 'અકિલા'માં ભરતભાઇ એ ફોટોગ્રાફી ક્ષેત્રે આપેલા યોગદાન વિશે લેખ પ્રસિધ્ધ થયેલો. અકિલા સાથે તેમનો પારિવારિક નાતો હતો.

રાજાઓના વખતન તસવીરકાર તરીકે રાજકોટ માટે ભરતભાઇ જોષીએ કરેલું પ્રદાન સ્વાત્રંત્ર્ય પૂર્વે સૌરાષ્ટ્રના રાજવીના પરિવારના ફોટોગ્રાફર તરીકે પૈતૃક વ્યવસાય આગળ ધપાવી રાજકોટ સ્ટેટના રાજવી ફોટોગ્રાફર તરીકે યાદગાર પ્રસંગોની સાથોસાથ ઐતિહાસિક સ્થોળોની પણ ફોટોગ્રાફિ કરી છે. ભરતભાઇ જોષીએ એક તસવીરકાર તરીકે રાજકોટ શહેરના ઇતિહાસને જીવંત કરતા અમૂલ્ય ફોટાઓનો અદભૂત સંગ્રહ કર્યો હતો. એટલુંજ નહીં રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગોંડલના ઐતિહાસિક ફોટાઓનો અલભ્ય સંગ્રહ તેમની પાસે રહેલો. આવા ફોટાઓ દ્વારા તેમણે નવી પેઢીને શહેરોના ૧૦૦ વર્ષ પહેલાની સ્થિતીના દર્શન કરાવ્યા હતા.

ભરતભાઇ જોષી ઇતિહાસના પણ એટલાજ જાણકાર હતા. રજવાડાઓના વખતના પ્રસંગો, રજવાડાઓના કિસ્સાઓ તેમણે જોયેલા અને અનેક વખત વાગોળ્યા હતા. તેઓએ ૧૦૦ વર્ષ પહેલાનું જુનું રાજકોટ અને આજનું નવું રાજકોટ એ પ્રકારે ૧૮૮૦ થી ૨૦૦૭ સુધીના સમયનો રાજકોટ શહેરનો ભવ્ય ભૂતકાળ અને વિકાસશીલ રાજકોટની તસવીરી ઝલક દર્શાવતું આલ્બમ પણ તૈયાર કરેલું. જેમાં ૮૫ જેટલા અલભ્ય ફોટાઓ અને હાલના ફોટાઓનો સમાવેશ થતો હતો. તેઓએ સૌરાષ્ટ્ર રાજયના તસવીરકાર અને સંગ્રહકાર તરીકે રાજવી પરિવારના પ્રસંગો અને વિરાસતો તથા ભવ્ય ઇમારતોની યાદોને તસવીરો રૂપે સાચવી હતી.

સૌરાષ્ટ્ર એક રાજય હતું અને અલગ-અલગ પ્રાંતમાં વિવિધ રજવાડાઓ શાસન કરતાં એ વખતે મોટા બોકસ જેવા કેમેરા ચલણમાં હતા. એ કેમેરામાં એ સમયે મુંબઇથી ફોટોગ્રાફીનો અભ્યાસ કરી સૌરાષ્ટ્ર આવી આ રજવાડાઓનાં ફોટાને કેમેરામાં કંડારી એટલું જ નહીં, ત્યારે કલર ફોટોગ્રાફનો જમાનો ન હતો તો પણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં વોટર કલરથી કલર પુરી રાજાઓની રજવાડી શાનને દિવાનખંડની શોભામાં અભિવૃદ્ઘિ કરવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેવા સ્ટેટ ફોટોગ્રાફર રાજકોટનાં સ્વ. પ્રાણશંકર જોષી (પી. એમ. જોષી) અને તેમના પુત્ર સ્ટેટ ફોટોગ્રાફર રહેલા ભરતભાઇ જોષીએ રાજવી પરીવારને બોકસ કેમેરાથી કચકડે કંડારેલું હતું. તેઓ ફોટોગ્રાફીની સાથે ઓઇલ પેઈન્ટીંગ પણ શીખેલા. તેથી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઓમાં વોટર કલર કરી કલર ફોટો રાજાઓને આપતા, જેથી રાજાઓ ખુશ થઇ જતાં. એ જમાનામાં ગેસ્ફોર્ડ ટોકીઝ સામે આવેલ તેમનો ઉતારો શ્નરવા વિલાસલૃજોષીજીને સ્ટુડિયો હતો. એ બાદ ત્રિકોણબાગ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ૮ રૂમનો કાચવાળો સ્ટુડિયો બનાવ્યો. જેને નામ આપ્યું શ્નડેલાઇટ સ્ટુડિયોલૃ. એ વખતે સ્ટેટ ફોટોગ્રાફર હોય બધા રજવાડાઓ ત્યાં ફોટો પડાવવા આવતા.

ભરતભાઇ જોષીએ ૮ થી ૧૦ વર્ષની ઉંમરે પિતા પાસેથી ફોટોગ્રાફી શિખવાનું ચાલું કરેલું. તેઓ સાથે પેલેસમાં ફોટા પાડવા જતાં જયાં રાજાઓની ઓળખાણ થઇ હતી. જુનાગઢ નવાબ, સચીન સ્ટેટ, ધ્રોલ દરબાર, બરોડા સ્ટેટ, જામનગર રજવાડું. ગોંડલ દરબાર સાહેબ, સૌરાષ્ટ્રનાં રાજાઓ, ગુજરાતનાં રાજાઓ, એમ.પી., યુ.પી., એચ.પી., રાજસ્થાન વગેરે બધા રજવાડાઓનાં ફોટાઓ ભેગા કરી ભરતભાઇ જોષીએ અનેક વખત ફોટો પ્રદર્શનો યોજયા હતા. તેમના પિતાથી પ્રેરાઇ તેઓએ ફોટાઓનું કલેકશન કરવાની પ્રેરણા થઇ હતી. ભરતભાઇનાં ફોટોગ્રાફી પ્રદર્શનને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, આનંદીબેન પટેલ, અરૂણ જેટલી, અડવાણી વગેરે અનેક નેતાઓ અને રાજવીઓ માણી ચૂકયા છે. જેમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણવાર લાભ લઇ ચૂકયા છે. ભરતભાઇએ રાજકોટનાં સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા, ધાંગ્રધ્રા મહારાજ સાહેબ વગેરે અનેક રાજવીઓનાં ફોટાઓ કચકડે કંડારેલા છે. તેમની પાસે ૬ જેટલી રાજાશાહી પાઘડી અને ૧૦ થી ૧ર સાફા સચવાયેલા હતા. તેમજ ૪પ૦૦૦ રજવાડાનાં ફોટોગ્રાફનો સંગ્રહ પણ સચવાયેલો હતો. ભરતભાઇ જોષીને ર૦૦૪માં ગુજરાત લોકકલા ગૌરવ પુરસ્કાર, ભુચર મોરી દ્વારા તલવાર-સાફાથી સન્માન, ગુજરાત રાજપુત વાદ્યેલા વંશ શિલ્ડ, સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ એવોર્ડ, ગુજરાત રાજપુત યુવાસંદ્ય સ્મૃતિ ચિન્હ, ભાવનગરનાં રાજમાતાના હસ્તે ગુજરાત ગૌરવ દિવસે એવોર્ડ, ર૦૦૯માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, મીલાવાડ સમાજ તરફથી તલવાર-પાદ્યડી સન્માન, ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજાનાં હસ્તે ર૦૦૯માં સન્માનપત્ર, રાજકોટ ગૌરવ પુરસ્કાર, પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ, ગીરાસદાર રાજપુત યુવા સંદ્ય દ્વારા ગૌરવ પુરસ્કાર અને આનંદીબેન પટેલનાં હસ્તે ભૂચર મોરી ખાતે એવોર્ડનાં સન્માન મળેલા હતા.

(11:04 am IST)