Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

પરંપરા તૂટીઃ ઇદે મીલાદના બીજા દિ'એ નિકળેલુ જુલૂસ ઐતિહાસિક બની રહ્યુઃ માનવ મહેરામણ ઉમટી પડતા રાજમાર્ગો ઉપર ચાલવું પણ મુશ્‍કેલ બની રહ્યું. વિવિધ પ્રકારના જબરા ફલોટસ પહેલીવાર મૂકાયાઃ ઠેરઠેર ખાદ્ય-સામગ્રીનું ભરપૂર વિતરણઃ ત્રિકોણ બાગ ચોકમાં દોઢ ટન દહીંની મેંગો લસ્‍સી વિના ભેદભાવે પીવડાવાઇઃ બપોરે ૪ વાગ્‍યે શરૂ થઇ રાત્રે ૧ર-૩૦ વાગ્‍યે પૂર્ણ થતા રાજકોટ પૈગમ્‍બર જયંતિના નાદથી ગૂંજી ઉઠયું: ૯ કલાક ચાલેલ પાંચ કીલો મીટર લાંબા જુલૂસે વિક્રમ સર્જી દીધો

રાજકોટ : ગત ગુરૂવારે ઇસ્‍લામ ધર્મના મહાન અંતિમ પૈયગબ્‍બર સાહેબના જન્‍મ દિવસ ‘ઇદે મીલાદ' નો તહેવાર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાબેતા મુજબ ઉજવાયો હતો. પરંતુ બે તહેવાર સાથે થઇ જતા એક માત્ર રાજકોટ શહેરમાં ઇદે મીલાદનું જુલૂસ ગુરૂવારના બદલે બીજા દિવસ શુક્રવારે યોજવાનું યૌમુન્નબી કમિટીએ નકકી કરતા અને ગઇકાલે શુક્રવારની વિશેષ નમાઝ  હોઇ બપોર પછી આ જુલૂસ રાજકોટ શહેરમાં નિકળતા લતે લતેથી મુસ્‍લિમો ઉમટી પડતા રાજકોટ શહેરમાં ગઇકાલે બપોરે ૪ વાગ્‍યાથી શરૂ થયેલ જુલૂસ રાત્રિના ૧ર-૩૦ વાગ્‍યા સુધી ચાલતું રહ્યું હતું અને પાંચેક કિલો મીટર લાંબુ જુલૂસ નિકળતા રાજકોટ શહેરમાં અત્‍યાર સુધીમાં નિકળેલા જુલૂસોનું આ જુલૂસે વિક્રમ સર્જી દીધો હતો. ઇદે મીલાદના બીજા દિવસે નિકળેલ આ જુલૂસમાં આ વખતે પહેલી વાર વિવિધ પ્રકારના જબરા ફલોટસ મુકાયા હતાં. જે જુલૂસમાં શોભારૂપ બન્‍યા હતા બીજી તરફ ભારે માત્રામાં લોકો ઉમટી પડતા અને ખાસ કરીને પગપાળા આ જુલૂસમાં જોડાતા શહેરના રાજમાર્ગો બંધ થઇ ગયા હતા લોકોને ચાલવું પણ મુશ્‍કેલ બન્‍યું હતું. રાજમાર્ગો ઉપર મંડપ નાખી અને ચાલતા જુલૂસમાં વિવિધ ખાદ્ય સામગ્રીનું ભરપુર વિતરણ કરાતા લોકોને મોજ પડી ગઇ હતી. ત્રિકોણ બાગ ચોકમાં હમેંશ મુજબ આ વખતે પણ દોઢ ટન દહીંની મેંગો લસ્‍સી વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી હતી જેનો લોકોએ ભરપૂર લાભ લીધો હતો. જો કે ગઇકાલે શુક્રવાર હોઇ વિશેષ નમાજ પછી બપોરે ર-૩૦ વાગ્‍યે લોકો મૂકત થતા હોય છે. પણ ૩ વાગ્‍યાના બદલે છેક ૪ વાગ્‍યે લતેલતેથી જુલૂસ શરૂ થતા તે રાબેતા મુજબ રૂટ ઉપર ચાલતા હતા અને ત્રિકોણ બાગ ચોકમાં રાત્રીના ૧૧ વાગ્‍યા સુધી ચાલી આ તમામ જુલૂસ એક થઇ કોમી એકતાના પ્રતિક હઝરત ગૈબનશાહપીરની દરગાહ શરીફ (જંકશન પ્‍લોટ) પહોંચી પૂર્ણ થયેલ આમ રાત્રીના ૧ર-૩૦ વાગ્‍યા સુધી આ જુલૂસ ચાલતું રહેતા ૯ કલાક સુધી ચાલેલ પાંચેક કીલો મીટર લાંબા જુલૂસે ઇતિહાસ રચી દીધો છે. આ જુલૂસની એક ઝલક ઉપરોકત તસ્‍વીરોમાં નજરે પડે છે.

(12:03 pm IST)