Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

કારના ચોરખાનામાં દારૂનો જથ્‍થો છુપાવી ગોવાથી રાજકોટ આવેલો મેહુલ પકડાયો

કટારીયા ચોકડીએ રહેતો જુનો બૂટલેગર અગાઉ પાંચ ગુનામાં પકડાયો હતો : પીઆઇ બી. ટી. ગોહિલની ટીમે ૩.૪૨ લાખના મુદ્દામાલ સાથે પકડયો : એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીની બાતમી

રાજકોટ તા. ૩૦: બામણબોર ચેકપોસ્‍ટ પાસેથી ક્રાઇમ બ્રાંચે દારૂનો જથ્‍થો ભરેલી કાર સાથે જુના બુટલેગરને પકડી લીધો છે. કારમાં બનાવેલા ચોરખાના અંદર અલગ અલગ બ્રાન્‍ડના ૨૩૦ ચપલા છુપાવી રાખ્‍યા હતાં. પોલીસે દારૂ અને કાર મળી ૩,૪૨,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

દારૂ-જૂગારની પ્રવૃતિ ડામવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકીને મળેલી બાતમી પરથી બામણબોર ચેકપોસ્‍ટ ખાતે વોચ રાખી ટાટા ઝેસ્‍ટ કાર જીજે૩૨બી-૨૧૨૬ અટકાવી તલાસી લીધી હતી. કારમાં દેખીતી રીતે કંઇ શંકાસ્‍પદ જણાયું નહોતું. પરંતુ દારૂ હોવાની બાતમી હોઇ વધુ તપાકસ રતાં કારની અંદર ચોરખાના મળ્‍યા હતાં. તેની અંદરથી એન્‍ટીક્‍વીટી બ્‍લુ વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના ૧૫૦ ચપલા રૂા. ૨૨૫૦૦ના તથા વેટ-૬૯ના ૧૮૦ એમએલના ૮૦ ચપલા રૂા. ૨૦ હજારના મળી આવતાં કુલ ૪૨૫૦૦નો દારૂ અને ૩ લાખની કાર કબ્‍જે કરી ચાલક મેહુલ કેશુભાઇ હરિયાણી (ઉ.૩૮-રહે. ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર રંગોલી પાર્ક પાસે ફલેટ નં. આઇ-૮૦૨, આઠમો માળ, કટારીયા ચોકડી પાસે કાલાવડ રોડ)ની ધરપકડ કરી હતી.

કારના ડેસ્‍કબોર્ડ પાસે મેહુલે ચોરખાનુ બનાવી તેની અંદર દારૂના ચપલા છુપાવ્‍યા હતાં. આ શખ્‍સ ગોવાથી આ દારૂ લાવ્‍યો હતો. અગાઉ પણ આ રીતે હેરાફેરીમાં ઝપટે ચડયો હતો. મેહુલ દેખાવ ખાતર રિક્ષા હંકારે છે, પોલીસના કહેવા મુજબ તેનો મુળ ધંધો ગેરકાયદે દારૂ વેંચવાનો છે. અગાઉ ડીસીબી, યુનિવર્સિટી પોલીસમાં દારૂના પાંચ ગુનામાં પકડાઇ ચુક્‍યો છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જેસીપીશ્રી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. ટી. ગોહિલ, એએસઆઇ બી. જે. જાડેજા, ભરતભાઇ વનાણી, મેડકોન્‍સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, ભરતસિંહ પરમાર, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. મોહિલરાજસિંહે આ કામગીરી કરી હતી.

(12:01 pm IST)