Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ઢગો ટયુશનમાં જતી છાત્રાને કહેતો-તું મારી સાથે પ્રેમસંબંધ નહિ રાખ તો છરીના ઘોદા મારી દઇશ!

સતત એક વર્ષથી પજવણીઃ ભીલવાસના માનવ વાઘેલા સાથે તેના બે મિત્રો પણ આરોપીમાં સામેલઃ એક સગીર છેઃ પ્ર.નગર પીઆઇ આર. ટી. વ્‍યાસ, પીએસઆઇ ખોખર અને ટીમે ત્રણેયને સકંજામાં લેવા તજવીજ આદરી

રાજકોટ તા. ૩૦: ભીલવાસ વિસ્‍તારમાં રહેતો એક ઢગો ધોરણ ૧૨માં ભણતી વિદ્યાર્થીનીનો એક વર્ષથી પીછો કરી હેરાન પરેશાન કરી પજવણી કરી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ રાખવા, વાતચીત કરવા દબાણ કરી છરીના ઘોદા મારી દેવાની ધમકી આપતો હોઇ અને તેની સાથે તેના બે મિત્રો પણ સામેલ થતાં હોઇ પ્ર.નગર પોલીસે ત્રણેય વિરૂધ્‍ધ છેડતી, પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી સકંજામાં લીધા છે. આ ત્રણમાં એક તો સગીર છે.

બનાવ અંગે પોલીસે ભોગ બનેલી બાળાના પિતાની ફરિયાદ પરથી ભીલવાસમાં  રહેતાં માનવ ઉર્ફ બંદર શ્‍યામભાઇ વાઘેલા (ઉ.વ.૨૨), ધવલ ઉર્ફ પીન્‍ટૂ મનોજભાઇ ઉર્ફ શક્‍તિભાઇ વાઘેલા (ઉ.૨૩) અને એક સગીર વિરૂધ્‍ધ આઇપીસી ૩૫૪ (ઘ), ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ અને પોક્‍સો હેઠળ ગુનો નોંધી ત્રણેયને અટકાયતમાં લેવા તજવીજ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્‍યું છે કે મારી ૧૬ વર્ષની દિકરી ધોરણ-૧૨માં અભ્‍યાસ કરે છે. તે હનુમાન મઢી રોડ પર ક્‍લાસીસમાં જાય ત્‍યારે માનવ વાઘેલા તેની પાછળ પાછળ જઇ સતત હેરાન કરી પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ બાંધવા અને વાતચીત કરવાનું દબાણ કરી ધમકી આપે છે.

દિકરી ગભરાઇ ગઇ હોઇ કોઇને ઘરમાં વાત કરી નહોતી. છેલ્લે તેણી સતત મુંજવણમાં હોવાથી તેને પુછતાછ કરતાં તેણે ઘરમાં વાત કરી હતી કે માનવ વાઘેલા છેલ્લા એક વર્ષથી તેણીને ખુબ હેરાન પરેશાન કરે છે અને પોતાની સાથે ધરાર વાત કરવા અને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી અપશબ્‍દો બોલી છરીના ઘોદા મારી પતાવી દેવાની ધમકી આપે છે. પોતે ટયુશન ક્‍લાસમાં જાય ત્‍યારે પણ માનવ પાછળ પાછળ આવે છે અને તેની સાથે તેના બે મિત્રો ધવલ અને એક સગીર પણ આવીને હેરાન કરે છે.

દિકરીની આ વાત સાંભળી પિતા અને પરિવારજનો ચોંકી ગયા હતાં. આ અંગે પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં ગઇકાલે રજૂઆત કરતાં પીઆઇ આર. ટી. વ્‍યાસની રાહબરીમાં પીએસઆઇ એ. એ. ખોખર સહિતે ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લીધા છે. જેમાં એક સગીર વયનો છે. પોલીસે કાયદાનું ભાન કરાવવા તજવીજ હાથ ધરી છે.

ઢગો સગીર છાત્રાના ક્‍લાસીસ સુધી જઇને પીછો કરી હેરાન કરતો હતો અને છાત્રા છુટે ત્‍યારે ફરીથી પાછળ પાછળ જતો હતો. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ ફરિયાદ-અરજી સાથે રજૂ કરાયા હતાં. અગાઉ પોલીસને થયેલી અરજીમાં એમ પણ જણાવાયું હતું કે છાત્રા અને માનવ સોશિયલ મિડીયા ઇન્‍સ્‍ટાગ્રામથી પરિચયમાં આવ્‍યા હતાં. એક વખત બંનેના ફોટા છાત્રાની માતા જોઇ જતાં ઘરમા વાત કરતાં વડિલોએ તેણીને સમજાવી હતી અને ઉમર ખુબ નાની હોઇ ભવિષ્‍યનો વિચાર કરવા કહેવાતાં તેણીએ ફ્રેન્‍ડશીપ ખતમ કરી નાખી હતી. પરંતુ માનવ હવે પરાણે તેણી સાથે પ્રેમસંબંધ રાખવા ઘાંઘો થયો હોય તેમ સતત એક વર્ષથી સગીરાનો પીછો કરવાનું ચાલુ કર્યુ હતું. એક વખત માનવના સગીર મિત્રએ ચાલુ ક્‍લાસમાં જઇ છાત્રાને ફોન આપ્‍યો હતો. જેમાં માનવે વાત કરી હતી કરી હતી કે હું તારા વગર જીવી નહિ શકું, તુ મારી પાસે આવી જા. ત્‍યારે છાત્રાએ હું આગળ વધી ગઇ છું, તું પણ નવી જિંદગી શરૂ કર તેમ કહી તેને પોતાને હેરાન નહિ કરવા સમજાવ્‍યો હતો. પરંતુ તેણે હેરાનગતિ ચાલુ જ રાખી હતી. પોલીસે ગુનો નોંધ કાર્યવાહી હાથ ધરી છે.

(3:52 pm IST)