Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વર્લ્ડ હાર્ટ ડે : રાજકોટ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નાગરિકોનું હેલ્થ ચેકઅપ કરાયુ

બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું વિનામુલ્યે સ્ક્રીનીંગ કરીને ઉજવણી

રાજકોટ :હ્ર્દયના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, શરૂઆતમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા છેલ્લા ૧૯૯૯ થી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વભરમાં "વર્લ્ડ હાર્ટ ડે" ઉજવવાની જાહેરાત કરી હતી પરંતુ વર્ષ ૨૦૧૪ થી ૨૯ સપ્ટેમ્બરના રોજ "વર્લ્ડ હાર્ટ ડે" ઉજવવામાં આવે છે. વિશ્વ હૃદય દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોને તેમના હૃદય પ્રત્યે જાગૃત કરવાનો છે.

 હૃદયને લગતાં રોગ, હાર્ટએટેક અંગેની કેટલીક ગેરમાન્યતાઓ અંગેની જાણકારી મેળવીને લોકો વધુ જાગૃત થાય તેમજ આ દિવસની ઉજવણીથી વધુને વધુ લોકો સુધી સચોટ માહિતી પહોંચે તેવા શુભઆશયથી આ વર્ષે "યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ"(Use Heart for Every Heart) ની થીમ ઉપર "વર્લ્ડ હાર્ટ ડે" વિશ્વભરમાં  ઉજવાઈ રહ્યો છે.

રાજ્યભરમાં ૧૦૮ની એમ્બ્યુલન્સ સેવા સંખ્યાબંધ લોકોને ત્વરીત તબીબી સેવા પુરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્ક્સાઈનો પયાર્ય બની ગઈ છે ત્યારે "વર્લ્ડ હાર્ટ ડે" નિમિત્તે રાજકોટ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા જુદા જુદા સ્થળોએ નાગરિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું વિનામુલ્યે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તથા જરૂરી સુચનાઓ આપી આરોગ્યની જાળવણી વિશે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. જેનો બહોળી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.

  આ તકે રાજકોટ જિલ્લાનાં ઈ.એમ.ઈ. શ્રી વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, વિશ્વમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરમાં થઈ રહેલા સંશોધન અને સર્વે રિપોર્ટ અનુસાર, આજકાલ યુવાનોમાં પણ હાર્ટ એટેકની સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના મહામારીના સમયથી હૃદયના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ સિવાય ખોટા આહાર અને જીવનશૈલીને કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થયું છે. આજના ભાગદોડભર્યા જીવનમાં હૃદયને સ્વસ્થ રાખવા અને તંદુરસ્ત જીવનશૈલી માટે રોજિંદા જીવનમાં કાળજી રાખવી જરૂરી છે. હૃદય આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે.

(12:57 am IST)