Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સ્ટીલની ઉંચી કિંમતો ચાવી જાય છે સ્થાનિક ઉદ્યોગોનો નફો

છેલ્લા એક વર્ષમાં સ્ટીલના ભાવોમાં ૬૦ ટકાનો વધારો રાજકોટનો એન્જીનીયરીંગ ઉદ્યોગ મુશ્કેલીમાં

રાજકોટ તા. ૩૦: એન્જીનીયરીંગ અને પાઇપ મેન્યુફેકચરીંગની ઘરેલું કંપનીઓનો નફો રોકેટ ગતિએ વધતા સ્ટીલના ભાવો ચાવી જાય છે. ભારતના સ્ટીલ ઉત્પાદકો પોતાના પ૦ ટકા ઉત્પાદનોની નિકાસ કરે છે કેમકે અમેરિકા અને ચીનમાં તેની બહુ સારી માંગ છે.

ઉદ્યોગ અનુસાર, સ્ટીલના ભાવોમાં છેલ્લા એક વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે અને હવે તેઓ ઘરેલું લઘુ અને મધ્યમ ઇન્ડસ્ટ્રીઓને બચાવવા માટે નિકાસ પર પ્રતિબંધની માંગણી કરી રહ્યા છે.

કચ્છના પાઇપ મેન્યુફેકચરર્સો સ્ટીલના સતત ભાવ વધારાના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન (એફઓકેઆઇએ) ના મેનેજીંગ ડીરેકટર નીમીષ ફડકે એ કહ્યું કે નિકાસના જથ્થા બાબતે વિચારવું જરૂરી છે.

ફડકે એ કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષમાં મોટા સ્ટીલ સપ્લાયરોએ પોતાના ઉત્પાદનના પ૦ ટકાની નિકાસ કરી છે જેના લીધે દેશમાં સ્ટીલની અછત સર્જાય છે. અમે સરકારને ૬ મહિના માટે સ્ટીલની નિકાસ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરીએ છીએ જેથી ઘરેલું ઉદ્યોગોને બચાવી શકાય.

સુત્રો અનુસાર, જુલાઇ ર૦ર૦ માં સ્ટીલના ભાવ ૩૬પ૦૦ પ્રતિટન હતા જે અત્યારે ૬૦૦૦૦ થઇ ગયા છે. રાજકોટના એન્જીનીયરીંગ ઉદ્યોગ માટે સ્ટીલ એ પ્રાથમિક કાચો માલ છે અને તેમાં ભાવ વધારાથી ઉદ્યોગ મુશ્કેલી અનુભવી રહ્યો છે. રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ બ્રીજેશ દુધાગ્રાએ કહ્યું કે સ્ટીલના વધતા જતા ભાવોથી નફો એકદમ ઘટી ગયો છે કેમકે અમે અમારા ગ્રાહકો પાસેથી સ્ટીલના એક કિલોએ ૧ર રૂપિયા વધારે ચુકવી રહ્યો છું તેની સામે ગ્રાહક મને ૧૧ રૂપિયાથી વધારે વધારો આપવા તૈયાર નથી. 

(3:12 pm IST)