Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

માત્ર ૧૦ ચોપડી ભણેલા પ્રોૈઢે રાધા મીરા ઇન્‍ડસ્‍ટ્રીયઅલ એરિયામાં ગોકુલ ક્‍લીનક ચાલુ કર્યુ'તું ૨૫ વર્ષ સુધી નર્સિંગનો અનુભવ લીધો...પછી અશોક ભરડવા પોતે ડોક્‍ટર બની દવાખાનુ ખોલી બેસી ગયો!

થોરાળા પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ પી. એન. ત્રિવેદી અને ટીમનો દરોડોઃ રૂા. ૫૦ થી માંડી ૨૦૦ સુધીની ફી વસુલી દર્દીઓની જિંદગી સાથે ચેડા કરતો હતોઃ ૭૨૨૬નો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૩૦: શહેરમાં અવાર-નવાર કોઇને કોઇ વિસ્‍તારમાં પોલીસ દરોડા પાડી નકલી ડોક્‍ટરોને દબોચી લે છે.  વધુ એક આવો શખ્‍સ પકડાયો છે. થોરાળા પોલીસે જીઆઇડીસી વિસ્‍તારમાં રાધા મીરા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાં દરોડો પાડી ગોકુલ ક્‍લીનીક નામે ડીગ્રી વગર દવાખાનુ ચલાવી રહેલા માત્ર ધોરણ-૧૦ ચોપડી ભણેલા અશોક કરસનભાઇ ભરડવા (પ્રજાપતિ) (ઉ.વ.૫૪-રહે. બ્રાહ્મણીયા પરા, પેડક રોડ, બાલક હનુમાન મંદિર સામેની શેરી, ચામુંડા કૃપા)ને પકડી લીધો છે. આ શખ્‍સને પોતે અગાઉ સતત ૨૫ વર્ષ સુધી રણછોડનગરની આશીર્વાદ હોસ્‍પિટલમા નર્સિંગ સ્‍ટાફ તરીકે નોકરી કરી હોઇ તેનો અનુભવ હોવાથી હવે પોતે જ ડોક્‍ટર બનીને બેસી ગયો હતો અને રૂા. ૫૦ થી માંડી ૨૦૦ કે તેથી વધુની ફી વસુલી દર્દીઓની જિંદગી સાથે ચેડા કરી રહ્યો હતો.

થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. નસંગભાઇ ગઢવી અને રમેશભાઇ માલકીયાને મળેલી બાતમી પરથી ટીમે રાધા મીરા ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાં રાધે હોટેલવાળી શેરીમાં આવેલા ગોકુલ ક્‍લીનિકમાં દરોડો પાડયો હતો. અંદર જઇ જોતાં ખુરશી પર એક શખ્‍સ જોવા મળ્‍યો હતો. તેને પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને નામ પુછતાં તેણે અશોક કરસનભાઇ ભરડવા જણાવ્‍યું હતું. આ શખ્‍સે પોતે તબિબી સારવાર કરતો હોવાનું કબુલતાં તેની પાસેથી મેડિકલ પ્રેકટીસ અંગેની ડીગ્રી, સર્ટીફિકેટ કે હોમીયોપેથીક કે આયુર્વેદિક કે કોઇપણ જાતનું મેડિકલ સર્ટીફિકેટ મળ્‍યું નહોતું.

વિશેષ પુછતાછમાં અશોકે પોતે માત્ર ૧૦ ધોરણ સુધી ભણ્‍યો હોવાનું અને અગાઉ રણછોડનગરમાં આવેલી આશીર્વાદ હોસ્‍પિટલમાં ૨૫ વર્ષ સુધી નર્સિંગ સ્‍ટાફ તરીકે નોકરી કરી હોઇ જેથી તેનો અનુભવ હોવાથી હવે પોતે જ ડોક્‍ટર બની ક્‍લીનીક ખોલી બેસી ગયાનું કહ્યું હતું. પોલીસે દવાઓ, ડિસ્‍પોવેન, ઇન્‍જેક્‍શન, ડીએનએસ સોડિયમ ક્‍લોરાઇડના બાટલા, કાતરો, રૂના પુમડા, બાટલા ચડાવવાની નળીઓ સહિત ૪૯ જેટલી મેડિકલ સારવારને લગતી ચીજવસ્‍તુઓ રૂા. ૭૨૨૬ની કબ્‍જે કરી અશોક સામે આઇપીસી ૪૧૯ તથા મેડિકલ પ્રેકટીશનર એક્‍ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના મુજબ પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ પી. એન. ત્રિવેદી, હેડકોન્‍સ. ભુપતભાઇ વાસાણી, આનંદ પરમાર, રાજુભાઇ મેર, કોન્‍સ. નરસંગભાઇ ગઢવી, કનુભાઇ ઘેડ, જયદિપભાઇ ધોળકીયા,  વિક્રમભાઇ લોખીલ, કિરણભાઇ પરમાર, પ્રદ્યુમનસિંહ ઝાલા, રમેશભાઇ માલકીયા, ધર્મેશભાઇ ખાંડેખા અને અમિત તેરૈયાએ આ કામગીરી કરી હતી.

(4:07 pm IST)