Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભાજપના વધુ બે સીન્‍ડીકેટ સભ્‍ય ઉપર લટકતી તલવાર

કુલપતિ ગીરીશ ભીમાણી વિરૂદ્ધની સતત પ્રવૃતિઓ * કટ ટુ સાઈઝ કરવા કાર્યવાહી * ભાજપના ૪ સીન્‍ડીકેટ સભ્‍યો ગાંધીનગર દોડયા કોઈએ ન સાંભળ્‍યા

રાજકોટ, તા. ૩૦ : બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ શાંત પડવાનું નામ નથી લેતુ. અધ્‍યાપકોની ભરતીમાં ભલામણ કાંડ બાદ સરકાર અને ભાજપ મોવડી મંડળ ખૂબ નારાજ છે ત્‍યારે કાર્યકારી કુલપતિ અને ભાજપના સીન્‍ડીકેટ સભ્‍યોના બે જૂથો વચ્‍ચે ચાલતી લડાઈ વધુ વકરી રહી છે. ભાજપના ૫ સીન્‍ડીકેટ સભ્‍યો ઘરભેગા થવાનો સમય આવ્‍યો છે ત્‍યારે વધુ બે ભાજપના સીન્‍ડીકેટ સભ્‍યો પણ ટૂંક સમયમાં કટ ટુ સાઈઝ થવાની તૈયારીમાં છે.

કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી સામે નેગેટીવ પ્રચાર અને રજૂઆત કરવા અને હરીફ જૂથ વચ્‍ચે વધુ આત્‍મીયતા ધરાવતા બે ભાજપના સીન્‍ડીકેટ સભ્‍યો વિરૂદ્ધ સરકાર અને ભાજપ મોવડી મંડળને રજૂઆત કરવામાં આવી છે. ત્‍યાંથી પણ આ બે સીન્‍ડીકેટ સભ્‍ય સામે નારાજગી હોવાનું જાણવા મળે છે.

ભાજપના ૫ સીન્‍ડીકેટ સભ્‍યો સેનેટની ચૂંટણી સમયસર ન યોજાતા ઘરભેગા થયા છે. આ સીન્‍ડીકેટ સભ્‍યોમાં બે જૂના અને બે વર્તમાન સીન્‍ડીકેટ સભ્‍ય ગઈકાલે આગબબૂલા થઈને ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા પરંતુ ભાજપના આગેવાનોનો ખૂબ વ્‍યસ્‍ત કાર્યક્રમ હોય કોઈએ સમય ન આપ્‍યો ન હતો વિલા મોઢે પરત ફર્યા હોવાનુ ચર્ચાય છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી હાલ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. કયારે કોણ કોનો દાવ લઈ લે તેની અટકળો સતત ચાલતી હોય છે.

(3:33 pm IST)